ખંભાળિયામાં સ્વૈચ્છિક અને આંશિક લોક ડાઉન પુર્ણ: બજારો ધમધમી

  • May 25, 2021 11:12 AM 

જોકે બજારોમાં મંદીની દેખાતી સ્પષ્ટ અસર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ અને વિવિધ વેપારી મંડળો ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં બંધનો માહોલ સર્જાયો હતો. હાલ કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં જણાતા ગઈકાલે સોમવારથી અહીંના માર્કેટિંગ યાર્ડ તથા બજારો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યા છે.

ખંભાળિયા શહેરનું માર્કેટિંગ યાર્ડ કે જે જિલ્લામાં સૌથી મોટું અને વિશાળ તથા મોટી સંખ્યામાં ખેડૂતો- ગ્રાહકોની અવરજવર ધરાવતું બની રહ્યું છે. અહીં છેલ્લા એકાદ માસથી કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને શાકભાજી સિવાયની તમામ હરાજીઓ બંધ રાખવામાં આવી હતી. આટલું જ નહીં, શહેરના નાના-મોટા વેપારીઓ ધરાવતા જુદા જુદા વેપારી મંડળો દ્વારા સરકારી તંત્રને કોરોના મહામારી પર કાબૂ મેળવવા સહાયભૂત થવાના આશયથી સ્વૈચ્છિક અને આંતરિક લોક ડાઉન અમલમાં મૂકી અને બપોરે ત્રણ વાગ્યા બાદ છેલ્લા ઘણા સમયથી પોતાના ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા.

હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, અને અન્ય મોટા જિલ્લાઓમાં પણ સરકાર દ્વારા છૂટછાટ વધારવામાં આવી છે, ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને લઇ સોમવારથી ખંભાળિયાનું માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે. આજથી અહીંનું યાર્ડ શરૂ થતાં મગફળી, ધાણા, જીરૂ, ચણા, મગ, સહિતની ખેત જણસની હરાજી શરૂ કરવામાં આવી હતી. આટલું જ નહીં અહીંના યાર્ડમાં કોરોના અંગે સરકારની ગાઇડ લાઇનની અમલવારી સાથે અનાજ સહિતની હરાજીમાં ખેડૂતોને તેમની વિવિધ ખેત પેદાશોના સંતોષકારક ભાવ પણ મળ્યા હતા. આમ, છેલ્લા એકાદ માસથી બંધ રહેલું અહીંનું માર્કેટિંગ યાર્ડ પૂર્વવત્ રીતે ધમધમતું થયું હતું.

આ સાથે ખંભાળિયાના રીટેઈલ ગ્રેઈન એન્ડ કિરાણા મર્ચન્ટ એસોસિએશન, કટલેરી હોઝિયરી એન્ડ ફૂટવેર એસોસિએશન, પાનબીડી એસોસિએશન, કેટલ ફૂડ એસોસિયેશન, સોના- ચાંદી વેપારી મંડળ, વિગેરે નાના-મોટા અને મોટી સંખ્યામાં દુકાનો ધરાવતા એસોસિએશન દ્વારા ગત તારીખ 4 મે થી સ્વૈચ્છિક લોક ડાઉન અમલમાં મૂકી પોતાના ધંધા-રોજગાર બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવતા હતા. જે ગઈકાલથી પૂર્વે રીતે રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યા છે.

ખંભાળિયા શહેરની બજારો કે જે અગાઉ બપોર બાદ બંધ થઇ જતી હતી, તે રાત્રિ સુધી ખુલ્લી રહી હતી. પરંતુ હાલની પરિસ્થિતિમાં મંદીનો માહોલ યથાવત જોવા મળ્યો હતો અને બપોર બાદ બજારોમાં લોકો તથા ગ્રાહકોની નહિવત અવર- જવર બની રહી હતી. આમ, ખંભાળિયામાં ગઈકાલથી સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થતા જાણે બજારોમાં જીવ આવ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS