વિસ્તારા એરલાઈને એરપોર્ટ પર વ્હીલચેર ન આપી, મહિલાએ 10 કરોડનો દાવો માંડ્યા

  • October 20, 2023 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિસ્તારાની ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં સીટ બુક કરાવનારા પેસેન્જરે એરલાઈન સામે 10 કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે. એરલાઈને વ્હીલચેર ના આપતાં પેસેન્જરે કેસ ઠોક્યો છે. આર્થરાઈટ્રિસથી પીડાતા મહિલા કોલંબોથી મુંબઈ પાછા આવી રહ્યા હતા. મુંબઈમાં લેન્ડ થયા પછી તેમને વ્હીલચેર નહોતી આપવામાં આવી અને તેમને પગમાં દુ:ખાવો હોવા છતાં ક્રૂ મેમ્બર્સે ચાલવાની ફરજ પાડી હતી.
કોલંબોથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટમાં બેઠેલા એક મુસાફરે એરલાઈન પાસે રૂપિયા 10 કરોડનું વળતર માગ્યું છે. બીમારીના કારણે મહિલા પેસેન્જર વ્યવસ્થિત રીતે ચાલી નથી શકતાં જેથી તેમણે ફ્લાઈટની ટિકિટ બુક કરતી વખતે વ્હીલચેરની માગણી કરી હતી. જે એરલાઈને પૂરી ના કરતાં મહિલા પેસેન્જરે ગ્રાહક સુરક્ષા કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
મહિલા પેસેન્જરે પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે, ફ્લાઈટ મુંબઈમાં લેન્ડ થઈ ત્યારે તેમને વ્હીલચેરની સુવિધા નહોતી આપામાં આવી. એટલું જ નહીં મહિલાને ખૂબ પીડા થઈ રહી હતી અને તેઓ સીટમાંથી ઊભા પણ ના થઈ શકે તેવી સ્થિતિ હતી તેમ છતાં એરલાઈનના ક્રૂ મેમ્બર્સે તેમને ચાલીને ફ્લાઈટમાંથી બહાર જવાની ફરજ પાડી હતી.
બીજી તરફ વિસ્તારા એરલાઈનનું કહેવું છે કે, મહિલા પેસેન્જરે પોતાની બીમારી વિશે અગાઉથી જાણ નહોતી કરી. જે દિવસે કોલંબોથી ફ્લાઈટ આવી એ દિવસે મુંબઈ એરપોર્ટ પર એક દુર્ઘટના થઈ હતી, જેના લીધે ફ્લાઈટ્સના શિડ્યુલ ખોરવાઈ ગયા હતા અને અવ્યવસ્થા સર્જાઈ હતી.


હવે સમગ્ર ઘટનાની વિસ્તારપૂર્વક વાત કરીએ તો, એક્યુટ આર્થરાઈટ્રીસથી પીડાતા મોનિકા ગુપ્તા વિસ્તારા એરલાઈનની ફ્લાઈટ -132 મારફતે કોલંબોથી મુંબઈ આવી રહ્યા હતા. તેમની સાથે તેમના 81 વર્ષીય માતા, ભાઈ અને ભત્રીજા હતા. આ પરિવાર કોલંબોમાં વેકેશન ગાળીને પાછો મુંબઈ આવી રહ્યો હતો. ફરિયાદીના ભાઈ મુધિત ગુપ્તાએ કહ્યું કે, તેમણે પોતાની મમ્મી અને બહેન માટે વ્હીલચેર બુક કરાવી હતી તેમ છતાં કોલંબો એરપોર્ટ પર પણ તે મળવામાં એક કલાક જેટલો સમય લાગ્યો હતો.

મુંબઈ એરપોર્ટ પર એક દુર્ઘટના સર્જાઈ હોવાના કારણે થોડા સમય માટે રનવે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી સાંજે 4 કલાકે કોલંબોથી ઉપડેલી વિસ્તારાની ફ્લાઈટ હૈદરાબાદ ડાયવર્ટ કરાઈ હતી અને રાત્રે 11 કલાકે મુંબઈ પહોંચી હતી. મુસાફરીના કલાકો વધી જવાના કારણે મારી બહેનની તબિયત વધારે ખરાબ થઈ હતી. એરક્રાફ્ટ પાર્કિંગમાં દૂર પાર્ક કરવામાં આવ્યું હતું તેમ છતાં વ્હીલચેર નહોતી આપવામાં આવી. મારી બહેન સીટમાંથી ઊભી થઈ શકે તેવી સ્થિતિ નહોતી તેમ છતાં એરલાઈને તેને ચાલવાની ફરજ પાડી હતી. બધા પેસેન્જરો પ્લેનમાંથી ઉતરી ગયા અને ક્રૂ મેમ્બર્સ પણ મારા પરિવારને અંદર જ મૂકીને નીકળી ગયો. રાત્રે 11.45 કલાકે એક વ્હીલચેરની વ્યવસ્થા થઈ શકી અને એ પછી મારો પરિવાર અંદરથી નીકળ્યો.

વિસ્તારા એરલાઈને શું કહ્યું?
વિસ્તારા એરલાઈને પોતાનો પક્ષ મૂકતાં આ મુદ્દે એક નિવેદન બહાર પાડ્યું છે. એરલાઈને કહ્યું, પેસેન્જરને જે હાલાકી થઈ છે તે કેટલીક કમનસીબ ઘટનાઓથી પ્રેરિત હતી અને એરલાઈનની કાબૂ બહારની હતી. આ વાતનો અમને અફસોસ છે. કસ્ટમરે મેડિકલ કંડિશનની પૂરતી જાણકારી આપ્યા વિના જ રેમ્પ વ્હીલચેર બુક કરી હતી. જેથી એકપણ એરપોર્ટ પર તેમના માટે એમ્બુલિફ્ટની વ્યવસ્થા નહોતી કરવામાં આવી. મુંબઈ એરપોર્ટ પર થોડા કલાક માટે રનવે બંધ કરી દેવાયો હતો જેના કારણે અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં વાર લાગી હતી. વ્હીલચેર આવતાં જ અમારા સ્ટાફે બનતી બધી જ મદદ મુસાફરને કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application