વક્ફના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા ભડકી, ટ્રેનો રોકી: બીએસએફને તૈનાત કરાઈ

  • April 12, 2025 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ એક્ટ વિરુદ્ધ શુક્રવારે ફરી એકવાર હિંસા ફાટી નીકળી. નિમટીતા રેલ્વે સ્ટેશન પર કેટલાક વિરોધીઓએ હિંસક વિરોધ પ્રદર્શન કર્યું અને ટ્રેન પર પથ્થરમારો કર્યો. હિંસાને કારણે, ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી અને બે ટ્રેનો રદ કરવામાં આવી હતી. રેલ્વે સ્ટેશન પર પથ્થરમારાથી સાતથી દસ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. હિંસા અને આગચંપીને ધ્યાનમાં રાખીને, મુર્શિદાબાદના શમશેરગંજમાંબીએસએફ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારે હિંસા અંગે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. લોકોની મદદ માટે એક હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યો છે.


હિંસાને કારણે, ધુલિયાનગંગા અને નિમટીતા રેલ્વે સ્ટેશનો વચ્ચેની ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. ભારતીય રેલ્વેએ માહિતી આપી કે ન્યુ ફરક્કા-અઝીમગંજ રેલ સેક્શન પર રેલ્વે સેવા ખોરવાઈ ગઈ છે. લગભગ 5000 વિરોધીઓએ રેલ્વે ટ્રેક પર કબજો જમાવ્યો હતો. આ પ્રદર્શનકારીઓ એલસી ગેટ નંબર ૪૨ અને ૪૩ પાસે બેસી ગયા હતા. ૫૩૦૨૯ અઝીમગંજ-ભાગલપુર પેસેન્જર અને ૫૩૪૩૫ કટવા-અઝીમગંજ પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે. તે જ સમયે, પાંચ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમાં 13432 બાલુરઘાટ-નબદ્વીપ ધામ એક્સપ્રેસ, 15644 કામાખ્યા-પુરી એક્સપ્રેસ, 13141 સિયાલદાહ-ન્યૂ અલીપુરદ્વાર તીસ્તા તોરસા એક્સપ્રેસ, 05640 કોલકાતા-સિલચર સ્પેશિયલ અને 13465 હાવડા-માલદા ટાઉન ઇન્ટરસિટીનો સમાવેશ થાય છે.


કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે, જેને સંસદ બાદ રાષ્ટ્રપતિ દ્વારા પણ મંજૂરી મળી ગઇ છે અને અમલની પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં હવે આ વક્ફ કાયદામાં સુધારાને લઇને વિરોધ વંટોળ ફૂંકાઇ રહ્યો છે. શુક્રવારે નમાઝ બાદ અનેક શહેરોમાં વક્ફ કાયદાના સુધારા સામે વિરોધ પ્રદર્શનો થયા હતા. જેમાં ખાસ કરીને મુંબઇ, કોલકાતા, પટણા, લખનઉ, જયપુર વગેરેનો સમાવેશ થાય છે. આ શહેરોમાં અનેક લોકો રસ્તા પર ઉતર્યા હતા અને અમે વક્ફ બિલ નકારીએ છીએના પોસ્ટરો સાથે દેખાવો કર્યા હતા.


કોલકાતામાં અલિયાહ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોસ્ટરો સાથે રસ્તા પર ઉતર્યા હતા, તેમના હાથોમાં મોટા બેનરો હતા જેના પર લખ્યું હતું કે અમે વક્ફ કાયદામાં સુધારાનો આકરો વિરોધ કરીએ છીએ. બંધારણીય અધિકારોથી વંચિત ના રાખી શકાય. બંગાળમાં સિલિગુડીમાં પણ વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. લખનઉ, જયપુર, પટણા વગેરે શહેરોમાં મુસ્લિમ નેતાઓએ રેલી કાઢી હતી જેમાં અનેક લોકો જોડાયા હતા. આ નેતાઓએ દાવો કર્યો હતો કે જો વક્ફ કાયદામાં કરાયેલો સુધારો પરત લેવામાં ના આવ્યો તો અમે આમરણાંત ઉપવાસ કરીશું.


મુંબઇમાં ચિશ્તી હિન્દુસ્તાની મસ્જિદ બહાર લોકો એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો. જ્યારે અનેક મુસ્લિમોએ નમાઝ દરમિયાન હાથે કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મુંબઇના વિરોધ પ્રદર્શનોમાં એઆઇએમઆઇએમના નેતા વારીસ પઠાણ અને અન્ય કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ સુત્રોચ્ચાર કરવાનું ટાળ્યું હતું પરંતુ હાથમાં પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ જ પ્રકારના ધરણા પ્રદર્શન શ્રીનગરમાં જોવા મળ્યા હતા. શ્રીનગરમાં પીડીપી દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને કહ્યું હતું કે કાયદામાં કરાયેલો સુધારો મુસ્લિમોને સ્વીકાર્ય નથી કેમ કે તેનાથી મુસ્લિમોને નુકસાન થઇ રહ્યું છે.


હિંસાગ્રસ્ત મણિપુરમાં ઇમ્ફાલમાં અનેક મુસ્લિમો રસ્તા પર ઉતર્યા હતા, અને તાત્કાલિક કાયદામાં કરાયેલા સુધારાને રદ કરવાની માગણી કરી હતી. તેલંગાણામાં હૈદરાબાદમાં મક્કાહ મસ્જિદ પાસે શુક્રવારની નમાઝ બાદ વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. જ્યારે દારુલ શિફામાં જામા મસ્જિદ પાસે પણ મુસ્લિમોએ ધરણા કર્યા હતા. મધ્ય પ્રદેશના ભોપાલ, રાજસ્થાનના જયપુર, બિહારના પટણામાં પણ લોકો રસ્તા પર ઉતર્યા હતા, કેટલાક પોસ્ટરોમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ટિકા કરવામાં આવી હતી. નીતિશ કુમારની જદ(યુ)એ આ બિલને ટેકો આપ્યો હતો. જ્યારે કેટલાક શહેરોમાં વિરોધ પ્રદર્શનની કોઇ અસર નહોતી જોવા મળી. સુપ્રીમ કોર્ટમાં વક્ફ કાયદામાં સુધારા સામે 10થી વધુ અરજીઓ થઇ છે. જેની 16મી એપ્રીલે સુનાવણી કરવામાં આવી શકે છે.

પશ્ચિમ બંગાળમાં સૌથી પહેલા વિરોધની શરૂઆત થઇ હતી, અહીંયા તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને મુસ્લિમ સંગઠનો દ્વારા ઘણા દિવસથી પ્રદર્શન ચાલી રહ્યું છે. એવામાં હવે તૃણમુલ કોંગ્રેસના નેતા અને મંત્રી સિદ્દીકુલ્લા ચૌધરીએ કોલકાતાના રામલીલા મેદાનમાં આયોજીત જમીયત-એ-ઉલેમા હિંદની વિશાળ રેલીને સંબોધી હતી અને કહ્યું હતું કે જો અમે ઇચ્છીએ તો ચક્કાજામ કરીને કોલકાતાને ઠપ કરી શકીએ છીએ, સરળતાથી 50 જગ્યાએ બે હજાર લોકોને એકઠા કરીને ટ્રાફિક જામ કરાવી શકીએ. અમે અત્યાર સુધી એવુ કઇ નથી કર્યું, પરંતુ આવુ કરવાનું અમારુ આયોજન જરૂર છે. અમારી રણનીતિ જિલ્લાઓથી શરૂઆત કરવાની છે. બાદમાં કોલકાતામાં 50 જગ્યાએ 10-10 હજાર લોકોને તૈનાત કરીશું. જેમણે કઇ નથી કરવું તેઓ આવશે, બેઠસે, મમરા, ગોળ અને મીઠાઇ ખાશે. જોકે આ નિવેદનના વીડિયોને બાદમાં ભાજપના નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર વહેતો કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application