જિલ્લા પંચાયતમાં કંતાન, ગણવેશ અને આસનપટ્ટા કૌભાંડમાં વિજીલન્સ તપાસ શરુ..!

  • December 27, 2023 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં રપ વર્ષ પહેલા કરોડો રુપિયાનું કૌભાંડ થયેલું, જેની ફાઇલ ફરીથી ઉખેડાતા રાજકીય અગ્રણીઓમાં ફફડાટ

જામનગર જિલ્લા પંચાયત હંમેશા વાદવિવાદમાં સપડાઇ જાય છે, હજુ થોડા દિવસ પહેલા જ ડીડીઓના કવાર્ટર પાસે જાહેરમાં ફેકી દેવાયેલું રેકર્ડ મળ્યું હતું અને તેની તપાસ થઇ રહી છે, પરંતુ આશરે રપ વર્ષ પહેલા એટલે કે ૧૯૯૬ થી ૧૯૯૮ દરમ્યાન કંતાન, બાંબુ, આસનપટ્ટા, ગણવેશ અને રમકડામાં થયેલા કૌભાંડ અંગેની ફાઇલો ફરીથી ખોલવા આદેશ અપાયો છે, એટલું જ નહીં, આ અંગે વિજીલન્સ તપાસ શરુ કરી જવાબદારો સામે પગલા ભરવા તકતો ઘડાઇ રહ્યો હોવાની વિગતો બહાર આવી છે, જો કે ડીડીઓનો સંપર્ક સાધતા તેઓએ આ અંગે હજુ મારી પાસે કોઇ સત્તાવાર માહિતી આવી નથી તેમ જણાવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં કૌભાંડ અંગે જામનગર જિલ્લા પંચાયત બહુ જ વગોવાયું હતું, પંચાયત હસ્તકના ૧૯૯૬ થી ૧૯૯૮ દરમ્યાન અછતના કામો માટે બનાવાયેલા ટેન્ટ, બાંબુ અને કંતાન માટે વગર ટેન્ડર ખરીદી થઇ હોવાનું બહાર આવ્યું છે અને આઇસીડીએસ શાખાની આંગણવાડીમાં આસનપટ્ટા, ગણવેશ અને રમકડા જેવી ચીજવસ્તુઓમાં પણ કૌભાંડ બહાર આવતા આખરે સમગ્ર મામલે વિજીલન્સ તપાસ શરુ કરી દેવામાં આવી છે, જે તે વખતેના વર્કચાર્જ કલાર્કની ડીસમીસ કરીને બદલી કરી દેવામાં આવી હતી, ત્યારબાદ તપાસ આટોપી લેવામાં આવી હતી, કેટલાક રાજકીય મોટા માથાઓની સંડોવણી ખુલતા આ તપાસ અભેરાઇ પર ચડાવી દેવામાં આવી હતી.
જે બે વર્ષમાં કંતાન, બાંબુ, આસનપટ્ટા, ગણવેશ ખરીદવામાં આવ્યા હતા, જેમાં નાગેશ્ર્વર વિસ્તારમાં એક મંડળી ઉભી કરીને કેટલાક મળતીયાઓએ તેનો કરોડો રુપિયાનો કોન્ટ્રાક્ટ લઇ લેવામાં આવ્યો હતો તેવી વિગતો બહાર આવી રહી છે અને ખરેખર આ મંડળીની પણ તપાસ થવી જોઇએ તેમ લોકોનું કહેવું છે.
જામનગર જિલ્લા પંચાયતના કૌભાંડ અંગે વિજીલન્સ તપાસ થઇ છે કે કેમ ? તેવા ટેલીફોનીક પ્રશ્ર્નોના જવાબમાં ડીડીઓ વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે મારી પાસે આ કૌભાંડ અંગેની કોઇ વિગતો આવી નથી અને વિજીલન્સ તપાસ શરુ થઇ છે કે કેમ ? તે અંગે પણ મને કંઇ ખબર નથી, જિલ્લા પંચાયતના રાજકારણમાં ભારે સળવળાટ શરુ થયો છે, જુના અને નવા પ્રમુખનું જુથ એક થઇ ગયું છે, ત્યારે અગાઉના વર્કચાર્જ કલાર્ક સામે તપાસ પણ શરુ થાય છે, આ કલાર્કની બદલી જામનગર થયા બાદ તેમને ડીસમીસ કરવામાં આવ્યા હતા અને બે વર્ષ બાદ ફરીથી નોકરી પર લઇ લેવાયા હતા અને રીટાયર્ડ થયા પછી પણ જુદા જુદા પ્રમુખના પીએ તરીકે તેઓ ફરજ બજાવતા હતા, આમ જિલ્લા પંચાયતના રપ વર્ષ પહેલાના કૌભાંડ ઉપરની ધૂળ ખાતી ફાઇલો ખંખેરવામાં આવી છે અને શરુ થયેલી વિજીલન્સ તપાસ કોને કોને નુકશાન કરે છે ? તે તો આવનારો સમય કહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application