વિભાપરના ખેડુત પાસે 15 લાખના સાડા ત્રણ કરોડ વસુલવા પઠાણી ઉઘરાણી

  • January 13, 2025 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજસીટોક કેસમાં સંડોવાયેલા જાડેજા બંધુઓ સામે વ્યાજ વટાવ અંગેનો ગુનો નોંધાયો : ખેતીની જમીન પણ પચાવી પાડવા કાવતરું : કુખ્યાત જાડેજા બંધુઓની અટકાયત બાદ જેલ હવાલે


જામનગરના ચકચારી ગુજસીટોક કેસમાં સંડોવાયેલા કુખ્યાત જાડેજા બંધુઓ જસપાલ જાડેજા અને યશપાલ જાડેજા સામે વિભાપરના એક ખેડૂતને ધાકધમકી આપી 15 લાખ રૂપિયાનું સાડા ત્રણ કરોડ જેટલું રાક્ષસી વ્યાજ વસૂલવા માટે ધમકી અપાઇ હોવાની અને તેની છ વીઘા ખેતીની જમીન પચાવી પાડવા અંગેનો કારસો રચાયો હોવાનો મામલો સામે આવતા કુલ ત્રણ સામે ગુનો નોંધાવામાં આવ્યો છે. દરમ્યાન પોલીસે આરોપી જાડેજા બંધુની અટકાયત કરીને જેલમાં ધકેલી દીધા છે.


જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતા એક પટેલ ખેડૂત કે જેઓને અગાઉ પૈસાની જરૂરિયાત પડતા જામનગરના યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા જસપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા અશોક ચંદારાણા નામના શખ્સે ખેડૂતને 15 લાખ રૂપિયા વ્યાજે આપ્યા બાદ તેનું આશરે સાડાત્રણ કરોડ જેટલા રાક્ષસી વ્યાજની રકમ માંગી હતી, અને ખેડૂતને ધાક ધમકી અપાઈ હતી. એટલુંજ માત્ર નહીં, ત્રણેય આરોપીઓએ ખેડૂતની આશરે 6 વિધા જેટલી વિભાપર ગામમાં આવેલી ખેતીની જમીન પણ પચાવી પાડવા માટેનો કારસો રચ્યો હતો.


આખરે આ મામલો જિલ્લા પોલીસવડા સમક્ષ લઈ જવાયો હતો, અને ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ આ સંદર્ભમાં સીટી બી. ડિવિઝનના પી.આઇ. પી.પી. ઝા ને તાત્કાલિક અસરથી ગુન્હો નોંધવા માટે આદેશ કર્યો હતો. જે આદેશ અનુસાર સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં યશપાલસિંહ જાડેજા અને જસપાલસિંહ જાડેજા તેમજ અશોક ચંદારણા સહિત ત્રણેય સામે ગેરકાયદે નાણાં ધિરધાર કરવા ઉપરાંત ખેતીની જમીન પચાવી પાડવા નો કારસો રચવા  સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

આ ફરિયાદ બાદ સીટી બી. ડિવિઝનની પોલીસ ટીમ ઉપરાંત એલ.સી.બી. એસ.ઓ.જી. અને પંચકોસી બી ડિવિઝન પોલીસની ટુકડી દ્વારા સંયુક્ત રીતે કોમ્બિંગ હાથ ધરીને બંને જાડેજા બંધુઓ યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજાની અટકાયત કરી લીધી હતી, અને બંનેને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં અદાલતે રિમાન્ડ નામંજૂર કરી હોવાથી બંનેને જેલમાં ધકેલી દેવાનો હુકમ કર્યો હતો પોલીસ દ્વારા આ પ્રકરણમાં અન્ય એક આરોપીની ધરપકડ કરવા માટે તપાસ આગળ ધપાવી છે, અત્રે ઉલ્લેખનીય છે કે જાડેજા બંધુઓ અગાઉ ચકચારી ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા છે અને થોડા સમય પહેલા જામીન પર છુટયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application