રાજકોટ મનપાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, રાજકોટ કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ રાજકીય ક્ષેત્રમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી છે. જેને લઈને કોંગ્રેસના અન્ય નેતાઓ અને કાર્યકરોમાં નિરાશા વ્યાપી ગઈ છે.
ઈન્દ્રનીલ રાજ્યગુરૂને કોંગ્રેસ પક્ષના કદાવર નેતા માનવામાં આવે છે. ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ રાજકોટ-પૂર્વ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગુજરાતના સૌથી ધનિક રાજકીય નેતાઓમાંના એક ગણાય છે. ચૂંટણી દરમિયાન જાહેર કરેલી તેમની મિલકતોને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા છે.
૨૦૧૮માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને બાદમાં ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે, ટૂંક સમયમાં જ મતભેદોને કારણે તેઓ ફરીથી કોંગ્રેસમાં પરત ફર્યા હતા.
૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે પોતાની સલામત બેઠક છોડીને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે રાજકોટ-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી હતી, જે તે સમયે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ચર્ચાયેલી બેઠક હતી.
રાજકોટ શહેરમાં તેમનું મજબૂત જનસમર્થન છે. તેઓ ખાસ કરીને યુવા કાર્યકરોમાં લોકપ્રિય છે અને આક્રમક નેતૃત્વ શૈલી માટે જાણીતા છે.