ખંભાળિયા શહેરમાં વિવિઘ વિસ્તારોને વન-વે તથા નો-પાર્કિગ ઝોન જાહેર કરાયા

  • June 04, 2021 10:56 AM 

ખંભાળિયા શહેર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક હોવાથી અહીં તમામ સરકારી કચેરીઓ આવેલી છે. જેથી શહેરમાં વધતા જતા ટ્રાફીકના કારણે જાહેર રોડ ઉપર ટ્રાફીકની સમસ્યા ઉભી થાય છે. આટલું જ નહીં, વર્તમાન સમયમાં વાહનોનું પ્રમાણ ઘણું વધી ગયું છે. જેના કારણે શહેરમાં આવા વાહનો જાહેર રોડ ઉપર કોઈ પણ જગ્યાએ પાર્કિગ કરવાથી ટ્રાફીકને તેમજ લોકોને અડચણરૂપ થાય છે. જેથી ટ્રાફીક વ્યવસ્થા જાળવવામાં તંત્રને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ખંભાળિયામાં ટ્રાફીક સમસ્યા નિવારવા જાહેર રસ્તાઓ ઉપર વન-વે તથા નો-પાર્કિંગ ઝોન વ્યવસ્થા ઉભી કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી. જે અન્વયે દેવભૂમિ દ્વારકાના જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. નરેન્દ્રકુમાર મીનાએ એક જાહેરનામુ પ્રસિઘ્ધ કરી, શહેરના જુદા જુદા વિસ્તારોમાં રસ્તાને તમામ પ્રકારના વાહનો માટે વન-વે (એક માર્ગીય) રસ્તા તરીકે ઉપયોગમાં લેવા તેમજ પાર્કિગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

ઉપરોક્ત જાહેરનામા મુજબ શહેરમાં વન-વે ઝોન અન્વયે સવારે સાડા આઠથી બપોરે એક તથા સાંજે સાડા ચારથી રાત્રે આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન નગર ગેઈટથી જોધપુર ગેઈટ જવાના રસ્તા પર પ્રવેશ બંધી (નો-એન્ટ્રી), જોધપુર ગેઈટથી નગર ગેઈટમાં માત્ર પ્રવેશ અને નો-પાર્કિંગ ઝોન અન્વયે સવારે સાતથી રાત્રે દસ વાગ્યા સુધી શહેરમાં રેલ્વે સ્ટેશનની બંને તરફ ત્રીસ- ત્રીસ મીટર (રેલ્વે અધિકૃત પાર્કીંગ સિવાય) તમામ પ્રકારના વાહનો પાર્કિગ કરવા પર પ્રતિબંધ મુકયો છે.

આ સાથે નોંધનીય છે કે, નગર ગેઈટથી જોધપુર ગેઈટ જવાના વૈકલ્પિક રસ્તા તરીકે નગર ગેઈટથી ગાયત્રી મોબાઈલ – રોકડીયા હનુમાન થઈ જોધપુર ગેઈટ જઈ શકાશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે. આ જાહેરનામું સરકારી ફરજના ભાગ રૂપે જતા સરકારી વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટરના વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS