મધ્યપ્રદેશમાં પાસે બાઇક સાથે અથડાઈને વાન કૂવામાં ખાબકી, 12ના મોત નીપજ્યાં

  • April 28, 2025 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સંજીત વિસ્તારમાં આવેલા કચરિયા ગામમાં સામેથી આવતા બાઇક ચાલકને બચાવવા જતા એક વાન બાઇક સાથે અથડાયા બાદ લપસીને કૂવામાં ખાબકી હતી . જેના કારણે ૧૨ લોકોના મોત થયા હતા. વાનમાં કુલ ૧૪ લોકો હતા અને બધા અંતર માતાના દર્શન કરીને પાછા આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. દુર્ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત બન્યા છે.ઘટનાની કરુણતા એ છે કે ઈજાગ્રસ્તોને બચાવવા કુવામાં ઉતરેલા યુવકનું પણ મોત થયું હતું અને બાઇક ચાલક પણ બચી શક્યો ન હતો.


વાન કૂવામાં પડી ગયા બાદ બચી ગયેલી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મહિલાએ જણાવ્યું કે એક બાઇક સવાર રસ્તા પર આવી રહ્યો હતો. અમે અંતર માતાના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન, રસ્તા પર આવી રહેલા બાઇક સવાર યુવાનને બચાવવાનો પ્રયાસ કરતી વખતે, વાન અથડાઈ ગઈ અને ટક્કર બાદ, વાન કૂવામાં પડી ગઈ.


બચાવવા કુવામાં ઉતરેલા યુવકનું પણ મોત

મંદસૌરના એસપી અભિષેક આનંદે જણાવ્યું હતું કે નારાયણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ઘવાયેલાઓને બચાવવા માટે કૂવામાં ઉતરેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું. આ ઘટનામાં વાહનની ટક્કરમાં ફસાયેલા એક વ્યક્તિનું પણ મોત થયું હતું. કૂવામાંથી ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. કુલ ૧૨ લોકોના મોત થયા છે, જેમાંથી અગિયાર લોકો કૂવામાં ડૂબી ગયા હતા અને એકનું રસ્તા પર મોત થયું હતું. આ કેસની તપાસ ચાલી રહી છે.


મોદીએ સંવેદના વ્યક્ત કરી મૃતકોને 2 લાખની સહાયની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને દરેક મૃતકના પરિવારજનોને પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી. ઘાયલોને ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. મોદીએ ટ્વિટર પર કહ્યું કે મધ્યપ્રદેશના મંદસૌરમાં થયેલા અકસ્માતમાં લોકોના મોતથી તેઓ દુઃખી છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની હું પ્રાર્થના કરું છું. અકસ્માત સ્થળે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધીને ૧૨ થયો છે.


સીએમ મોહન યાદવની પણ મદદની જાહેરાત

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મુખ્યમંત્રી વિવેકાધીન ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 1 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે મંદસૌર જિલ્લાના નારાયણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક કાર ઊંડા કૂવામાં પડી જવાથી બાર લોકોના અકાળે મૃત્યુના દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application