યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(યુજીસી)ના નવા નિયમોને લઈને દેશમાં માહોલ ગરમાયો છે. પહેલા સોશિયલ મીડિયા પર તેના વિરોધમાં #UgcRollebackનો ટ્રેન્ડ શરૂ થયો, જે બાદ હવે તેના વિરોધમાં સુપ્રીમ કોર્ટના દરવાજા પણ ખટ-ખટાવવામાં આવ્યા છે, યુજીસીના નવા નિયમને ભેદભાવ વધારનારો બતાવવામાં આવ્યો છે. બરેલી શહેર મેજિસ્ટ્રેટે યુજીસીના ફેરફારોના વિરોધમાં રાજીનામું ધરી દીધું છે. ત્યારે જાણો કે યુજીસીનો એ કયો નિયમ છે જેના કારણે વિવાદનું વંટોળ ઊભું થયું છે અને તેને બનાવવાની જરૂરિયાત કેમ ઊભી થઈ?
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(યુજીસી)એ 13 જાન્યુઆરીના રોજ એક નવો નિયમ લાગુ કર્યો છે, જેનું નામ છે, પ્રમોશન ઓફ ઈક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટીટ્યૂટ ૨૦૨૬ છે. આ નિયમને લઈને હાલ ઉહાપોહ મચી ગયો છે. ખાસ કરીને સામાન્ય વર્ગ એટલે કે સુવર્ણ વર્ગ નારાજ થયો છે. બરેલી શહેર મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ તો એ કહી દીધું કે આ નવા નિયમે કોલેજ અને યુનિવર્સિટીમાં શિક્ષણ લેનારા સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને સ્વઘોષિત ગુનેગાર બનાવી દીધા છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનનું કહેવું છે કે, નવા નિયમનો હેતુ છે કે એસસીએસટી અને ઓબીસી વિદ્યાર્થીઓ સાથે થતા જાતિગત ભેદભાવને રોકવા માટે તેમજ તેની પર દેખરેખ રાખવામાં આવે, 2020અને 2025 વચ્ચે જાતિ ભેદભાવ સંબંધિત ફરિયાદોમાં 100% થી વધુ વધારો થયો હતો. વધુમાં, રોહિત વેમુલા અને પાયલ તડવી જેવા કેસોમાં સુપ્રીમ કોર્ટના અવલોકનોને આ નિયમ લાગુ કરવાના કારણો તરીકે ટાંકવામાં આવ્યા છે.
સમાનતા નહીં તો ફંડ નહીં
નવા ઈક્વિટી કાયદા પ્રમાણે તમામ યુનિવર્સિટી, કોલેજ, અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના પરિસરમાં 24x7 હેલ્પ લાઈન, સમાન તક કેન્દ્ર, ઇક્વિટી સ્ક્વોડ અને ઇક્વિટી કમિટીનું ગઠન કરવું પડશે. જો કોઈ પણ સંસ્થા આ નિયમોનું પાલન નહીં કરે તો યુજીસી તેની માન્યતા રદ અથવા તો ફંડ રોકવા જેવી કડક કાર્યવાહી કરી શકે છે.
કયા સેકશનથી તકલીફ
યુજીસીના આ નિયમને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે એક જાહેર હિતની અરજી પીઆઈએલ પણ કરવામાં આવી છે. જેમાં આ નિયમને ભેદભાવપૂર્ણ અને મનમાની કરનારો જણાવાયો છે. અરજીકર્તાએ જણાવ્યું છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને 13 જાન્યુઆરીના રોજ નવા નિયમોને લાગુ કર્યા છે જેનો 3(સી) ભેદભાવ વધારનારો છે. ગેર બંધારણીય ઘોષિત કરવાની માગ કરવામાં આવી છે.જાહેર હિતની અરજીમાં ટાંકવામાં આવ્યું છે કે , યુજીસીનો નવો ઇક્વિટી રુલનો સેકશન 3(સી) અભિવ્યક્તિની સ્વતંત્રતા, સમાનતા અને વ્યક્તિગત આઝાદી જેવા મૌલિક અધિકારોનું ઉલ્લંધન કરે છે. આ નિયમ યુજીસી અધિનિયમ 1956ની વિરુદ્ધ છે અને ઉચ્ચ સંસ્થાઓમાં શિક્ષણની સમાન તકના અવસરોને ખતમ કરે છે. અરજીકર્તાએ વિવાદિત જોગવાઈઓ દૂર કરવાની માગ કરી છે.
ખોટી ફરિયાદ સામે કાર્યવાહીની જોગવાઈ નથી: વિદ્યાર્થીઓ
તો વિરોધકર્તા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, 'નવા નિયમમાં ખોટી ફરિયાદો સામે કાર્યવાહી કરવાની જોગવાઈઓનો અભાવ છે. જેથી કોઈપણ વ્યક્તિ પર કોઈ પુરાવા વિના ખોટો આરોપ લગાવી શકાય છે. આનાથી કોઈપણ વિદ્યાર્થીને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે જેથી તેના શિક્ષણ અને કારકિર્દી પર અસર પડશે. 'ભેદભાવ'ની વ્યાખ્યા કરવામાં આવી નથી.'