હાલારમાં કમોસમી વરસાદથી મગફળી સહિતના પાકોનું કચ્ચરઘાણ

  • October 21, 2024 11:51 AM 

કાલાવડના મોટા ભાડુકીયામાં બે કલાકમાં સાંબેલાધારે 7 ઇંચ: નાની વાવડીમાં વિજળી પડતાં યુવાનનું મોત: શનિ-રવિમાં લાલપુરમાં ત્રણ, કાલાવડમાં બે, કલ્યાણપુરમાં સવા બે, ખંભાળીયામાં દોઢ, જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં એકથી છ ઇંચ વરસાદથી મગફળી અને કપાસને પાકને વ્યાપક નુકશાન: ખેડુતોની આંખમાં આસુ આવ્યા


સામાન્‌ય રીતે નવરાત્રી બાદ શિયાળાની શઆત થાય છે અને ચોમાસાની વિદાય થાય છે, પરંતુ હજુ પણ મેઘરાજાને વરસાદ વરસાવાનું જાણે કે મન થયું હોય તેમ છેલ્લા બે દિવસથી હાલારમાં અનેક સ્થળોએ ભારે કમોસમી વરસાદ વરસાવ્યો છે, ખાસ કરીને કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયામાં માત્ર બે કલાકમાં 7 ઇંચ અનરાધાર વરસાદ વરસાવતાં ગામમાં પાણી ભરાયા હતાં, પાછોતરા વરસાદને કારણે મગફળીના પાથરા પલળી ગયા હતાં, ખેડુતોને સતત ત્રીજો માર પડયો છે. જગતના તાતની આંખમાં આસુ સુકાતા નથી, કરેલી મહેનત ઉપર મેઘરાજાએ પાણી ફેરવી દીધું છે ત્‌યારે શનિ-રવિમાં લાલપુરમાં ત્રણ, કાલાવડમાં બે, કલ્યાણપુરમાં સવા બે, ખંભાળીયામાં દોઢ, જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં એકથી છ ઇંચ વરસાદથી મગફળી અને કપાસને પાકને વ્યાપક નુકશાન થયું છે.


કાલાવડથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે સાંજે અચાનક પડેલા ધોધમાર વરસાદે ગામના ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકી દીધા છે. ગામના સરપંચ જીગ્નેશભાઈ કમાણીના જણાવ્યા અનુસાર, સાંજે ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીમાં ગામમાં લગભગ 7 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને કારણે ગામની નદી બે કાંઠે ફૂટી નિકળી છે અને કામની અંદરના રસ્તાઓ, સેલા અને વોંકળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખાસ કરીને, મગફળીની મોસમ ચાલી રહી હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઘણા ખેડૂતોની મગફળીના પાથરા ધોવાઈ ગયા છે અને તણાઈ ગયા છે. આ અચાનક પડેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે અને તેમને આર્થિક ભારે નુકસાન થયું છે. ગામના રસ્તાઓ બંધ થઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.


ખાસ કરીને, આ વર્ષે મગફળીનો પાક સારો થયો હતો અને ખેડૂતોને સારી આવકની આશા હતી, પરંતુ આ અચાનક પડેલા વરસાદે ખેડૂતોના આ સપના પર પાણી ફેરવી દીધું છે. ઘણા ખેડૂતોની મગફળીના પાથરા ધોવાઈ ગયા છે અને તણાઈ ગયા છે. આથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. ગામના રસ્તાઓ બંધ થઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે અને ગામ લોકો એકબીજા સાથે સંપર્ક કરી શકતા નથી. આ અચાનક પડેલા વરસાદથી ગામમાં ભારે વિક્ષેપ સર્જાયો છે અને ખેડૂતોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


કાલાવડ તાલુકાના નિકાવામાં 40, ખરેડી 20, મોટા વડાળા 55, ભલસાણ બેરાજા અને નવાગામ 5, મોટા પાંચદેવડામાં 22 મીમી વરસાદ પડયો છે જયારે સીસાંગ, પીપર, બામણ ગામ, ગુંદા, ડેરી, કાલમેઘડા, બાલંભડી, ખરેડી, ભગેડી, ટોળા, ભંગડામાં એક થી અઢી ઇંચ વરસાદ પડયો છે.


ગઇકાલે કલ્યાણપુરમાં મેઘરાજાએ દે ધનાધન કરીને સવા બે ઇંચ વરસાદ વરસાવતાં મોસમનો કુલ વરસાદ 2064 મીમી થયો છે, આજુબાજુના ગામડાઓમાં પણ એકથી બે ઇંચ વરસાદ પડયો છે. ખંભાળીયામાં ગઇકાલે ફરીથી મેઘરાજાનું આગમન થયું હતું, દિવસ દરમ્યાન 40 મીમી વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ 94.71 ઇંચ થયો છે. આજુબાજુના ગામડાઓમાં પણ એકથી બે ઇંચ વરસાદ પડયો છે, કાલાવડમાં ગઇકાલે બપોરે 4 થી 7 દરમ્યાન અઢી ઇંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં જયારે ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.


આ ઉપરાંત જામવંથલીમાં 52, દરેડમાં 6, પીઠડ 16, લતીપુર 10, જાલીયાદેવાણી 20, લૈયારા 14, સમાણા 5, શેઠવડાળા 23, વાંસજાળીયા 4, ઘુનડા 42, પરડવા 15, પીપરટોડા 17, પડાણા 48, મોડપર 14, હરીપરમાં 9 મીમી વરસાદ પડયો હતો. લાલપુર શહેરમાં શનિવારે 3 ઇંચ વરસાદ પડયો હતો અને આજુબાજુના ગામડાઓમાં પણ શનિ-રવિમાં બે થી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.


નાની વાવડીમાં વિજળી પડતાં યુવાનનું મોત

કાલાવડ તાલુકાના નાની વાવડીમાં ગઇકાલે બપોરે વિજળી પડતાં સંદિપ બધાભાઇ રાતડીયા નામના 24 વર્ષના ભરવાડ યુવાનનું મોત થયું હતું, એ ઢોરના વાડામાં ભેંસને બાંધવા ગયો હતો અને નિરણ નાખીને બહાર નિકળતો હતો ત્યારે જ તેના પર વિજળી પડતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જયાં તેનું મૃત્યુ થયું હતું, જયારે અન્ય બનાવમાં ખરેડીના એક મકાનમાં સોલાર સિસ્ટમ ઉપર વિજળી પડતાં સિસ્ટમ સળગી ગઇ હતી, જો કે કોઇ પ્રકારની જાનહાની થઇ ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News