કોલેજોમાં પ્રથમ ટર્મ પૂરી થવાના આરે યુનિ.એ એડમિશનની મુદત વધારી

  • September 21, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ (જીકેસ)ના માધ્યમથી પોર્ટલ પર રજીસ્ટ્રેશન અને કેન્દ્રીય સિસ્ટમથી પ્રવેશ પદ્ધતિની સમગ્ર રાજ્યની 11 યુનિવર્સીટીમાં નવી સિસ્ટમ ચાલુ શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવી છે. પરંતુ તેમાં ધબડકો થયો છે. નવું શૈક્ષણિક પત્ર શરૂ થયાના લાંબા સમય પછી પણ હજુ ઘણી કોલેજોમાં સંખ્યાબંધ બેઠકો ખાલી પડી છે. એક બાજુ પ્રથમ ટર્મ પૂરી થવાના આરે છે તો બીજી બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એડમિશન માટેની પ્રક્રિયા લંબાવવાનો આદેશ કર્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દ્વારા જે તે કોલેજો, ભવનો, અનુસ્નાતક કેન્દ્રના વડાઓ અને કોલેજોના આચાર્યો ને પાઠવવામાં આવેલા પરિપત્રમાં જણાવાય મુજબ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના તમામ કોર્સમાં વિદ્યાર્થીઓએ કોલેજોને કરેલ રજૂઆતો અન્વયે કોલેજો દ્વારા આવેલ દરખાસ્ત પરત્વે ખાલી રહેલ બેઠક પર પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને એડમિશન આપવા અને જો કોઈ વિદ્યાર્થીની એન્ટ્રી પોર્ટલ પર કરવાની રહી ગઈ હોય તો તેવા વિદ્યાર્થીઓને પ્રવેશની કાર્યવાહી પોર્ટલ પર પુરી કરવા માટે તારીખ 25 સપ્ટેમ્બર સાંજે છ કલાક સુધી મુદત વધારો કરવામાં આવ્યો છે.
કોલેજ કક્ષાએ સીધા અપાતા પ્રવેશ, કોલેજ કક્ષાએ સીધા ક્ધફર્મ કરાતા પ્રવેશ અને કોલેજ કક્ષાએ કેન્સલ કરાતા પ્રવેશ બાબતે આ મુદત વધારો લાગુ પડશે તેવી સ્પષ્ટતા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. યુનિવર્સિટીએ આ માટે કોલેજના લોગઈનમાં મોડ્યુલ/ ટેબ ઉપલબ્ધ કરાવ્યા છે. તારીખ 25 ના સાંજે 6:00 વાગ્યા સુધીમાં કોલેજ દ્વારા ક્ધફર્મ કરવામાં આવેલ પ્રવેશને આધારે એનરોલમેન્ટ, એનલીસ્ટમેન્ટ, પીજી રજીસ્ટ્રેશન પ્રક્રિયા થવાની હોવાથી આ સંદર્ભે તૈયાર કરવામાં આવતી યાદી ભૂલ વગર થાય તેની સૂચના યુનિવર્સિટીએ કોલેજને આપી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઓમાં ચાલુ શૈક્ષણિક સત્રમાં પોર્ટલના આધારે જ એડમિશન આપવાનો નિર્ણય લેવાયો ત્યારે જ તેનો વિરોધ થયો હતો અને અપેક્ષા મુજબ આ નવી સિસ્ટમ ફેલ થયા પછી દરેક કોલેજોને પોતાની રીતે એડમિશન આપવાની છૂટ આપી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો તબેલામાંથી ઘોડા નાસી ગયા હતા. ખાનગી યુનિવર્સિટીમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ એડમિશન લઈ લીધા હોવાથી ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં હજારોની સંખ્યામાં સીટ ખાલી પડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application