એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, પોરબંદર, કંડલા, મુન્દ્રા, ભુજ અને કેશોદ સહિત ગુજરાતના 10 શહેરો મળીને દેશભરના એરપોર્ટ પર સ્થાનિક કલા, હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદન અને પ્રોત્સાહન આપવા માટે અવસર યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ માટે તાજેતરમાં મળેલી સમીક્ષા બેઠક અંતર્ગત યોજનાને દેશભરમાં ફેલાવવા માટે હરિઝંડી આપી દેવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ એરપોર્ટ પર હવેથી પટોળાના સ્ટોલ જોવા મળશે. જે અહીં મુસાફરી કરતા હવાઈ મુસાફરોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
આ વિશે વધુ પ્રકાશ પાડતા રાજકોટ એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતું કે દેશભરના એરપોર્ટ પર AVSAR ( airport as Venu for skilled artitions of the region ) યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત એક એરપોર્ટ એક ઉત્પાદન પર ભાર મૂકવામાં આવ્યો છે. તેના ભાગરૂપે દેશના વિવિધ એરપોર્ટ પર અલગ-અલગ હસ્તકલાના ટોલ મૂકવામાં આવશે. જેના ભાગરૂપે રાજકોટના હીરાસર સ્થિત એરપોર્ટ પર રાજકોટની પ્રસિદ્ધ હસ્ત કળા પટોળાનો સ્ટોલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પટોળાના સ્ટોલ માટેની કામગીરી હાલ ચાલી રહી છે.
જે પૂર્ણ થતા જ રાજકોટ એરપોર્ટ પર અહીંની પ્રસિદ્ધ હસ્તકલા પટોળાની કળા ઉજાગર કરતો સ્ટોલ ટૂંક સમયમાં જ કાર્યરત થશે. આ રીતે એરપોર્ટ માત્ર મુસાફરીનું નહીં પરંતુ સ્થાનિક સંસ્કૃતિ અને ઓળખનું પ્રદર્શન કેન્દ્ર બની રહે તે દિશામાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા યોજના હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.
આ અવસર યોજનાની પહેલ માત્ર વેપાર પૂરતી નહીં પરંતુ આજીવિકા, સંસ્કૃતિ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલી છે. મુસાફરો માટે પણ આ એક અનોખો અનુભવ રહેશે જ્યાં તેઓ જે તે શહેરની સ્થાનિક સંસ્કૃતિથી પરિચિત થશે.
મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય
આ યોજના દ્વારા દેશભરના એરપોર્ટ પર મહદ અંશે મહિલાઓના સ્વયં સહાય જૂથોમાં નાના સ્ટોલ કિઓસ્કની ફાળવણી કરવામાં આવશે. જ્યાં તેઓ પોતાની હસ્તકલા, ખાદ્ય પદાર્થો અને પરંપરાગત ઉત્પાદનોનું વેચાણ કરીને પોતાની આજીવિકા ઉભી કરી શકે છે. જેનાથી મહિલાઓ તેમજ ગ્રામ્ય અર્થતંત્રને સીધો લાભ થશે.
કયા શહેરમાં શેનો સ્ટોલ ખુલશે ?
અવસર યોજના હેઠળ ગુજરાતના 10 શહેરોના એરપોર્ટ પર સ્થાનિક સંસ્કૃતિ ઉજાગર કરતા ટોલ ખોલવામાં આવશે. જેમાં રાજકોટ એરપોર્ટ પર પટોળા, સુરત એરપોર્ટ પર સિલ્ક ઉત્પાદનો, ભાવનગર એરપોર્ટ પર કોટન ક્લોથ, ભુજ, કંડલા અને મુન્દ્રા એરપોર્ટ પર હસ્તકલા, જામનગર અને પોરબંદર એરપોર્ટ પર બાંધણી, કેશોદ /જુનાગઢ એરપોર્ટ પર મગફળીના ઉત્પાદનોનો પ્રચાર કરવામાં આવશે.