કેન્દ્રીય રાજ્ય મંત્રીએ હૈલાકાંડી, આસામમાં વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરી

  • May 29, 2025 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમૂબેન જયંતિભાઈ બાંભણીયાએ હૈલાકાંડી જિલ્લામાં મહિલા સ્વસહાય જૂથો (જઇંૠ) દ્વારા ચલાવવામાં આવતી ટોફૂ ઉત્પાદન પહેલ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. ગત મંગળવારના રોજ લાલામુખ ગ્રામ પંચાયત હેઠળના ગગલાચાર્રામાં આવેલા ટોફૂ ઉત્પાદન કેન્દ્રની મુલાકાત દરમિયાન મંત્રીએ (જઇંૠ) મહિલાઓ સાથે સંવાદ કર્યો અને મહિલા આજીવિકા પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે જિલ્લા આજીવિકા મિશન દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી અને આવી વધુ તકો અન્ય વિસ્તારોમાં પણ મહિલાઓ સુધી પહોંચે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
હાલમાં જિલ્લાના અંદર છ ટોફૂ ઉત્પાદન યુનિટ કાર્યરત છે.ત્રણ ગગલાચાર્રામાં અને ત્રણ મોહનપુરના બર્ની બ્રીઝ વિસ્તારમાં. આ તમામ યુનિટ જિલ્લા આજીવિકા મિશન દ્વારા સંચાલિત થઈ રહી છે અને તેમા કુલ ૬૦ મહિલાઓને રોજગાર મળ્યો છે. ધલેશ્વરી બ્રાન્ડ હેઠળ કાર્યરત આ એકમોની સંયુક્ત ઉત્પાદન ક્ષમતા પ્રતિદિન ૬૦૦ કિલોગ્રામ છે. મંત્રીએ તેમના પ્રવાસની શરૂઆત દક્ષિણ હૈલાકાંડી બ્લોકના સુલ્તાનીછેર્રામાં આવેલા મોડેલ આંગણવાડી કેન્દ્ર નંબર ૮૦ની મુલાકાતથી કરી હતી. તેમણે માતા-પિતાઓ અને બાળકો સાથે યોજાયેલ બેઠકમાં ભાગ લીધો અને આંગણવાડી કેન્દ્રો દ્વારા મળતા લાભોનો પૂરતો લાભ લેવા અનુરોધ કર્યો.
ત્યારબાદ તેમણે દક્ષિણ હૈલાકાંડીના ઘર્મુર્રા ખાતે આવેલા ન્યુ પ્રાઈમરી હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી અને દર્દીઓને ઉપલબ્ધ આરોગ્યસેવાઓની સમીક્ષા કરી. આ ઉપરાંત, કૃષિ વિભાગ દ્વારા મણિપુર ખાતે જિલ્લા સરહદી વિસ્તારમાં વિકસાવવામાં આવેલી ૧૦ વીઘા ક્ષેત્રફળની ઓઇલ પામ બીજ નર્સરીની પણ મંત્રીએ મુલાકાત લીધી હતી .તેમણે આશા વ્યક્ત કરી કે આવી યોજના ખેડૂતો માટે આવક વધારવાનું સાધન બનશે. આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ અંતર્ગત વિકાસકામોની સમીક્ષા દરમિયાન મંત્રીએ લક્ષ્મીનગર ટી.ઈ. મોડેલ હાઈસ્કૂલની પણ મુલાકાત લીધી. તેમણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટને અટકાવવા માટે વાલીઓનો સહકાર આવશ્યક હોવાનું જણાવ્યું. ત્યારબાદ તેમણે શાળામાં બનાવવામાં આવેલી કિચન શેડ અને પૌષ્ટિક ફળ ગાર્ડનનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ પછી મંત્રીએ કુચિલા ગામે કૃષિ વિભાગ દ્વારા સ્થાપિત માટી પરીક્ષણ લેબોરેટરીની મુલાકાત લીધી. અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં અહીં ૨૮,૦૦૦થી વધુ માટીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને ખેડૂતોએ સોઇલ હેલ્થ કાર્ડ પણ પ્રાપ્ત કર્યા છે. પ્રવાસના અંતિમ તબક્કામાં મંત્રીએ કુચિલા ગામમાં પશુપાલન વિભાગ દ્વારા રૂ. ૨૮ લાખના ખર્ચે સ્થાપિત કરવામાં આવેલા પશુ ઉપકેન્દ્રની મુલાકાત લીધી. આ કેન્દ્ર હવે આસપાસના ૨૩ ગામોમાં કૃત્રિમ ગર્ભાધાન, રસીકરણ અને પશુઓની સારવાર જેવી મહત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડી રહ્યું છે. દિવસભર ચાલેલા મુલાકાત દરમિયાન મંત્રીએ હૈલાકાંડી જિલ્લા કલેક્ટર  નિસર્ગ હિવારે તેમજ વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિકાસ કાર્યોની નિરીક્ષણ વિધીમાં ભાગ લીધો અને સ્થળ પર જરૂરી માહિતી મેળવી હતી.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application