જામનગર નજીક યુવાનની હત્યામાં બેવફા પત્ની અને પ્રેમીની અટકાયત

  • April 08, 2025 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પ્રેમી મારફતે પતિનું કાસળ કઢાવી નાખ્યાની કબૂલાત: હત્યા માટે ઉપયોગમાં લીધેલી કાર કબજે : પંથકમાં ભારે ચકચાર

જામનગર નજીક વિજરખી ગામ પાસે બુલેટ મોટરસાયકલ ચાલક યુવાનને કંપાસ જીપની ઠોકરે કચડી નાખી હત્યા નીપજાવનાર આરોપી પત્ની અને તેના પ્રેમીની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી જીપ કંપાસ અને મોબાઇલ કબ્જે લઇને તપાસને આગળ ધપાવી છે. આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

મૂળ કાલાવડ તાલુકાના પીઠડીયા ગામના વતની અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતો રવિ ધીરજલાલ મારકણા નામનો ૩૦ વર્ષ નો યુવાન રામનવમી ના દિવસે સાંજે છ વાગ્યાના અરસામાં પોતાનું જીજે ૨૭ ડી.જે ૯૩૧૦ નંબરનું બુલેટ મોટર સાયકલ લઈને કાલાવડ થી જામનગર તરફ આવી રહ્યો હતો. જે દરમિયાન તેનો હત્યા કરવાના ઈરાદાએ પીછો કરી રહેલા જી.જે.૨૦ એ.ક્યુ. ૮૨૬૨ નંબરની કંપાસ જીપના ચાલકે  ઠોકર મારી દઇ કચડી નાખ્યો હતો, અને હત્યા નીપજાવી હતી.

મૃતક રવિ મારકણાની પત્ની રીંકલ જેના પ્રેમમાં પડેલા જીપચાલક અક્ષય છગનભાઇ ડાંગરિયાએ રીંકલ સાથે પૂર્વયોજિત કાવતરૂં ઘડીને વિજરખી પાસે રવિ ને ઠોકરે ચડાવી હત્યા નીપજાવી હતી. જે સમગ્ર મામલો આખરે પંચકોશી એ. ડિવિઝન પોલીસ સમક્ષ આવી ગયો હતો, અને પોલીસે રવિ મારકણાના પિતા ધીરજલાલ મારકણાંની ફરિયાદના આધારે મૃતક ની પત્ની રીંકલ તેમજ જીપ ચાલક અક્ષય ડાંગરિયા સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જે ગુનામાં પોલીસ દ્વારા બંને આરોપીઓ અક્ષય તેમજ મૃતક રવિની પત્ની રીંકલ મારકણાની અટકાયત કરી લેવામાં આવી છે.

પોલીસે આ હત્યા પ્રકરણમાં બંને આરોપીઓના મોબાઇલ ફોન તેમજ હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી કંપાસ જીપ વગેરે કબજે કરી લીધા છે, અને બંનેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

વધુમાં જાણવા મળેલી વિગત મુજબ પ્રેમમાં અંધ બનેલી પત્ની રીંકલ, કે જેણે પોતાના પ્રેમી અક્ષય ડાંગરિયા મારફતે પતિ રવિનો બુલેટ પાછળ પીછો કરાવી હત્યા કરી નાખવાનું ષડયંત્ર રચ્યું હતું. બંને આરોપી એકબીજાના મોબાઇલથી સંપર્કમાં હતા અને લોકેશન આપવામાં આવ્યુ હતું તેમજ પીછો કરી રહેલા આરોપીએ મોકો જોતા પોતાની કંપાસ જીપથી બુલેટને ઠોકર મારીને વારદાતને અંજામ આપ્યો હતો. પોલીસ દ્વારા આ અંગેનો ભેદ ઉકેલીને સધન તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application