જાનગરના શેઠવડાળાથી ચીક્કાર દારૂ પી થાર લઇ નીકળેલા ચાલકે અકસ્માતની હારમાળા સર્જી દીધી હતી. એક બાદ એક ૨૨ જેટલા વાહનોને હડફેટે લીધા હતાં. એટલું જ નહીં શેઠવડાળા પાસે રાખેલી ચેક પોસ્ટની બેરીકેડને પણ ઉડાડી દીધી હતી. દરમિયાન ભાયાવદર પોલીસે ફિલ્મી ઢબે આ થાર ચાલકને ઝડપી લીધો હતો. કાર ચાલકને ભાયવાદર પીઆઈ વિ.સી.પરમારે સર્વિસ રિવોલ્વર કાઢી હતી.
જામનગરના શેઠ વડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ પી માણસોની જીંદગી જોખમાય તે રીતે થાર ગાડીને ચલાવી અને વાહનો સાથે થાર ગાડી ભટકાડી નાસી છુટેલા શખ્સને પકડવાની રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જર અને ધોરાજી એએસપી સિમરન ભારદ્રાજના માર્ગદર્શન હેઠળ દારૂ પી બેફીકરાઇથી વાહન ચલાવી પ્રજાજનોમા ભય ફેલાવતા શખ્સને પકડવાની આપેલ સૂચનાથી ગઈકાલે ભાયાવદર પોલીસ મથકના પીઆઈ વિ.સી.પરમાર ટીમ સાથે પોલીસ સ્ટેશન પર હાજર હતાં. દરમિયાન કોન્સ્ટેબલ હિમાંશુભાઈ હુણને ટેલીફોનીક જાણ થયેલ કે, એક વ્હાઈટ કલરની થાર ગાડીનો ચાલક દારૂ પીધેલ હાલતમા બે-ફીકરાઈથી માણસોની જીંદગી જોખમાય તે રીતે થાર ગાડી નં.જીજે-10-ઇસી -7215 લઈ રસ્તામા આવતા વાહનોને ઠોકર મારી શેઠ વડાળા પોલીસ મથક વિસ્તારમાથી અરણી ગામથી ભાયાવદર ગામ તરફ આવતો હોય તેની પાછળ-પાછળ શેઠવડાળા પોલીસ મથકના ૧૧૨ ગાડીના પોલીસ કર્મચારીઓ તેનો પીછો કરી રહેલ છે.
જે બાતમી મળતા ભાયાવદર પીઆઈ વી.સી.પરમાર સ્ટાફ સાથે ભાયાવદર ગામે અરણી રોડની ગોળાઈ પર રસ્તો રોકી ઉભા હતા તે દરમ્યાન થાર ગાડી પુર ઝડપથી ઘસી આવેલ અને ઉભી રખાવતા કાર રોકી ન હતી અને ભયજનક ડ્રાઇવિંગ કરી થાર ગાડીનો ચાલક નાસી જતા તેનો ફિલ્મી ઢબે પીછો કરી ભાયાવદરના સરદાર ચોક ખાતે થાર ગાડીને રોકી પાડી તેના ચાલક મહેંદ્રસિંહ ભુપતસિંહ જાડેજા (રહે જામનગર, મચ્છોનગર, શાંતી નગર શેરી નં૭) ને પકડી આગળની કાર્યવાહી કરવા શેઠવડાળા પોલીસને સોંપી આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ નશામાં ચકચૂર થઈ થાર કાર ચલાવી અનેક લોકોની જિંદગી જોખમમાં મુકનાર શખ્સને પકડવામાં ભાયાવદર પીઆઈ વી.સી. પરમારે પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી ફિલ્મી ઢબે પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું. જે ઘટના સમયે ભાયાવદર ન ગ્રામજનો ઉમટી પડ્યા હતાં.
જે કામગીરીમાં ભાયાવદર પોલીસ મથકના પીઆઈ વી.સી.પરમાર, એએસઆઈ શક્તિસિંહ, કોન્સ્ટેબલ હિમાંશુભાઈ, દિલીપસિંહ, મહેશભાઈ અને શેઠ વડાળા પોલીસ મથકના કોન્સ્ટેબલ અર્જુનભાઇનો સમાવેશ થાય છે.