પુરવઠા નિગમ સામે સસ્તા અનાજના વેપારીઓની રાજ્ય વ્યાપી લડતનું અલ્ટીમેટમ

  • April 22, 2025 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પુરવઠા નિગમના રાજ્યના મોટાભાગના ગોડાઉનમાંથી સસ્તા અનાજના વેપારીઓને માલ જોખ્યા વગર આપી દેવામાં આવે છે અને તેમાં જે ઘટ્ટ પડે છે તે સસ્તા અનાજના વેપારીઓને ભોગવવી પડે છે. આ પરિસ્થિતિ નિવારવા અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, હવે જો તાત્કાલિક નિર્ણય લઈને અમને જોખીને માલ આપવામાં નહીં આવે તો આવતા મહિનાથી રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનો બંધ રાખવાની અને પ્રતિક આંદોલનની ફરજ પડશે તેવી ચેતવણી ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિયેશન દ્વારા આપવામાં આવી છે.

સંગઠનના પ્રમુખ ભાવનગરના રાજેન્દ્રસિંહ જાડેજા કાર્યકારી અધ્યક્ષ વડોદરાના જીતેન્દ્રભાઈ નંદા મહામંત્રી અરવલ્લીના વાડીલાલ પટેલ અને રાજકોટના હિતુભા જાડેજા એ આ સંદર્ભે મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રી સહિતનાઓને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે રાજ્યમાં 17,000 જેટલા સસ્તા અનાજના દુકાનદારોને ગોડાઉન પરથી માલ આપવામાં આવે છે પરંતુ રાજ્યના એક પણ ગોડાઉન ઉપરથી દુકાનદારને જથ્થાનું વજન સ્ટાન્ડર્ડ કરીને આપવામાં આવતું નથી. માત્ર જુદા જુદા કલરના દોરાઓથી સિલાઈ કરીને આ જથ્થો સ્ટાન્ડર્ડ છે તેવું સાબિત કરવાના પ્રયાસો થાય છે. સ્ટાન્ડર્ડ કહેવાતા આવા જથ્થામાંથી એક કટ્ટા દીઠ એક થી દોઢ કિલો અનાજની ઘટ જોવા મળે છે. આ ઘટ્ટ વેપારીઓને ભોગવી પડે છે. એક તો કમિશન ઓછું મળે છે અને તેમાં વધારાનો આર્થિક બોજ વેપારીઓ સહન કરી શકતા નથી.

પુરવઠા નિગમના ગોડાઉનમાં જ આવી ઘાલમેલ થાય છે તેવું ભૂતકાળમાં ત્રણ ગોડાઉન ઉપર રાજ્ય સરકારના અધિકારીઓની હાજરીમાં જનતા રેડ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આમાં કોઈ સામે પગલાં લેવાયા નથી અને પુરવઠા નિગમના ગોડાઉનમાં આવા ગોટાળા ચાલુ જ છે તેમ પણ એસોસિએશનને પોતાના આવેદનપત્રમાં જણાવ્યું છે.

એસોસિયેશન ને જણાવ્યું હતું કે પુરવઠા નિગમ માંથી વેપારીઓની દુકાને મોકલવામાં આવતો માલ અમે હવે સરકાર દ્વારા રચવામાં આવેલી તાલુકા જિલ્લા અને ગ્રામ્ય પુરવઠા તકેદારી સમિતિના સભ્યોની હાજરીમાં સ્વીકારીશું અને સ્થળ પર વજન રાખી વજન ચકાસણી કરીશું. જો ઓછો જથ્થો હશે તો દુકાનદાર માલ નહીં સ્વીકારે અને તેના પરિણામે વિતરણ સંબંધી કોઈ સમસ્યા ઊભી થશે તો તેની જવાબદારી દુકાનદારની રહેશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application