લોઠીયા ગામ નજીક તળાવમાં બે યુવાનો ડૂબ્યા

  • April 14, 2025 01:16 PM 

એકનો બચાવ: જ્યારે અન્ય એકનો મૃતદેહ હાથ લાગ્યો


જામનગર તાલુકાના લોઠીયા ગામમાં રવિવારે મેળો ભરાયો હતો, અને કેટલાક યુવાનો બાજુમાં જ આવેલા તળાવમાં નહાવા માટે ગયા હતા, જે દરમિયાન બે યુવાનો ડૂબ્યા હતા, પરંતુ તેમાં એક યુવાનનો બચાવ થયો હતો. જ્યારે એક યુવાન ડૂબી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમેં ભારે જહેમત બાદ તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.



આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના લોઠીયા ગામમાં રવિવારે મેળો ભરાયો હતો, અને લોઠીયા ગામ તેમજ આસપાસના ગ્રામ્યજનો વગેરે એકત્ર થયા હતા. જે પૈકીના કેટલાક યુવાનો બપોરે પોણા બારેક વાગ્યાના અરસામાં લોઠીયા ગામ પાસેના તળાવમાં નહાવા માટે પડ્યા હતા. જે પૈકી બે યુવાનો પાણીમાં ડૂબવા લાગ્યા હતા.



જેથી કેટલાક લોકોએ એક યુવાનને બચાવી લઈ પાણીમાંથી બહાર ખેંચી લીધો હતો, પરંતુ મહેશ કરસનભાઈ ડાભી નામનો ૨૮ વર્ષ નો બીજો યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જે બહાર નહીં નીકળતાં આખરે ફાયર શાખા જાણ કરાઈ હતી, અને શાખા ની ટુકડી તુરતજ દોડી ગઈ હતી.



ભારે જહેમત બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને બહાર કાઢીને પોલીસને સુપ્રત કર્યો હતો. પંચકોશી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application