ખુશીના પ્રસંગમાં માતમ છવાયો, ગોંડલનાં ગુંદાસરામાં મૂર્તિ વિસર્જન વખતે ચેકડેમમાં ડૂબી જતા બે યુવકના મોત, પરિવાર પર આભ તૂટી પડ્યું

  • February 04, 2025 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાનાં ગુંદાસરા ગામે સરસ્વતી માતાની મૂર્તિનાં વિસર્જન વેળાએ ચેકડેમમાં બે પરપ્રાંતીય શ્રમિકો ડૂબી જતા બન્નેના મોત નિપજ્યા હતા અને ખુશીનો પ્રસંગ માતમમાં પલટાયો છે. ઘટનાથી બન્નેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. 


ઉંડા પાણીમાં ગરક થઈ જતા બન્નેનાં મોત

પ્રાપ્ત વિગત મુજબ તાલુકાનાં ગુંદાસસરામાં પરપ્રાંતીય શ્રમિકો દ્વારા ગઈકાલે વસંતપંચમીનાં રોજ સુપ્રીમ કાસ્ટ નામની ફેક્ટરીમાં સરસ્વતી માતાની મૂર્તિનું સ્થાપન કરાયા બાદ સાંજે વિસર્જન કરવાનું હોય 12 થી 15 લોકો ગાજતે વાજતે મૂર્તિ લઈ ગામ નજીકનાં ચેકડેમમાં મૂર્તિ પધરાવવા પંહોચ્યા હતા. બધા ડેમનાં પાણીમાં ઉતરી મૂર્તિ વિસર્જન કરી રહ્યા હતા. આ દરમિયાન અમનકુમાર ગૌતમ રાય (ઉં.23 રહે. સીમરીયા જી. જાગલપુર બિહાર) અને કુમાર ગૌરવ સુભાષ માલાહર (ઉં.20 રહે. દરીયાપુર જી. જાગલપુર) ઉંડા પાણીમાં આગળ જતા ડૂબવા લાગ્યા હતા. બન્નેનો બચાવ થાય તે પહેલા ઉંડા પાણીમાં ગરક થઈ જતા બન્નેનાં મોત નિપજ્યા હતા.​​​​​​​


પળભરમાં બનેલી ઘટનાથી લોકો અવાચક રહી ગયા 
બનાવની જાણ થતા ફેક્ટરીનાં માલિક અને ગામ લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ગોંડલ ફાયરબ્રિગેડ તથા પોલીસને જાણ કરી હતી. બાદમાં ગુંદાસરા પહોંચેલી ફાયર ટીમે ચેકડેમમાંથી બન્ને યુવાનોનાં મૃતદેહ બહાર કાઢી શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.​​​​​​​


એકને સંતાનમાં 6 મહિનાનો પુત્ર
મૃતક યુવાનો પૈકી અમન કુમાર અપરિણીત હતો. જ્યારે કુમાર ગૌરવ પરિણીત હતો. તેને સંતાનમાં છ માસનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. બન્ને યુવાનો મૂળ બિહારનાં હતા અને છ માસથી સુપ્રીમ કાસ્ટ ફેક્ટરીમાં કામ કરતા હતા. બનાવ અંગે તાલુકા પીએસઆઇ સોલંકીએ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application