કાલાવડના કોઠાભાડુકીયાથી આગળ ખોડીયાર ચોકડી પાસે બે બાઇક વચ્ચે ટકકર થતા આ અકસ્માતમાં બે વ્યકિતને ગંભીર ઇજા પહોચી છે, બનાવ અંગે એક બાઇકચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે, જયારે વિભાપર ગામના યુવાન દ્વારકા ચાલીને જતા હોય ત્યારે આમરા પાટીયાથી આગળ મોટરસાયકલના ચાલકે ઠોકર મારી ફ્રેકચર સહિતની ઇજા પહોચાડી હતી.
કાલાવડના ચાપરા ગામમાં રહેતા ખેતીકામ કરતા રમેશ ગાંડાલાલ ઉર્ફે ગાંડુભાઇ ટોયટા (ઉ.વ.૫૨)એ ગઇકાલે ગ્રામ્ય પોલીસમાં મોટરસાયકલ નં. જીજે૧૦ડીએફ-૪૨૭૯ના ચાલક ભરત મનુભાઇ સાડમીયા રહે. મોટાભાડુકીયાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. ૮ના રોજ ફરીયાદીના ભાઇ વાલજી ગાંડાલાલ ટોયટા (ઉ.વ.૫૫) તથા હેમત બિજલભાઇ ગમારા પોતાનું મોટરસાયકલ નં. જીજે૩એનઇ-૨૯૪૮ લઇને કોઠાભાડુકીયાથી કાલાવડ જતા હતા, ત્યારે ખોડીયાર ચોકડી પાસે પહોચતા મોટરસાયકલ નં. જીજે૧૦ડીએફ-૪૨૭૯ના ચાલકે પોતાનું બાઇક પુરઝડપે અને ગફલતથી ચલાવી વાલજીભાઇના બાઇક સાથે અથડાવી અકસ્માત સર્જયો હતો.
જેમાં વાલજીભાઇને હેમરેજ, પાંસડીમાં ફ્રેકચર અને આંગળીમાં ગંભીર ઇજા પહોચી હતી તથા હેમતભાઇને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજા પહોચાડી હતી. બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બીજા બનાવમાં જામનગરના વિભાપર ગામમાં રહેતા મનોજ રતીલાલ ઝાલા (ઉ.વ.૪૮) નામના યુવાને અજાણ્યા મોટરસાયકલના ચાલકે ગઇકાલે સિકકા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જે મુજબ ફરીયાદી મનોજભાઇ તા. ૨૬ના દ્વારકા ચાલીને જતા હતા અને આમરા પાટીયાથી આગળ પહોચતા બાઇકચાલકે બેદરકારીથી ચલાવી પાછળથી ઠોકર મારી હતી જેથી ફરીયાદીને કાંડામાં ફ્રેકચર જેવી ઇજા થઇ હતી.