BREAKING NEWS

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર મરણચીંસો ગુંજી, ત્રિપલ અકસ્માતમાં એક જ પરિવારના બેના મોત, દર્શન કરી અમદાવાદ જતા હતા

  • March 20, 2026 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે એક ભીષણ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ચોટીલાથી આશરે સાત કિલોમીટર દૂર જોલી એન્જોય વોટરપાર્ક પાસે સ્વિફ્ટ કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં અમદાવાદના એક જ પરિવારના બે સભ્યોના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા પરિવાર પર કાળનો પંજો ત્રાટકતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


મળતી માહિતી મુજબ, હાઈવે પર એક ટ્રક ઉભો હતો, જેની પાછળ એક પીકઅપ વાન ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે પાછળથી પૂરઝડપે આવી રહેલી અમદાવાદ પાસિંગની સ્વિફ્ટ કાર પણ આ અકસ્માતગ્રસ્ત વાહનોમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે કાર અને પીકઅપ વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વાહનોના પતરા ચીરીને અંદર રહેલા લોકોને બહાર કાઢવા પડ્યા હતા.


આ અકસ્માતનો ભોગ બનેલો પરિવાર અમદાવાદના સૈજપુર વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ ચૈત્રી નવરાત્રી નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા આવ્યા હતા. ભક્તિભાવ સાથે દર્શન પતાવી જ્યારે તેઓ ખુશી-ખુશી અમદાવાદ પરત ફરી રહ્યા હતા, ત્યારે ઘર પહોંચતા પહેલા જ માર્ગમાં કાળ ભેટ્યો હતો.

​મૃતકોમાં સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 28) અને ​આશિષ રણજીતભાઈ ઠાકોર (ઉં.વ. 16)નો સમાવેશ થાય છે. જ્યારે ઈજાગ્રસ્તોમાં ​કલ્પેશભાઈ કાનુભાઈ ઠાકોર (ઉં.વ. 29), હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 30) અને ​દિવ્યાંશ હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. ૩)નો સમાવેશ થાય છે. 


દુર્ઘટના બાદ તુરંત જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કલ્પેશભાઈ, હર્ષદભાઈ અને માત્ર ત્રણ વર્ષના માસૂમ દિવ્યાંશને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. બીજી તરફ, બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ચોટીલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


અકસ્માતને પગલે રાજકોટ-અમદાવાદ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. પોલીસ દ્વારા ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવી ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર ઉભેલા ટ્રકને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News