સુરતના કાપોદ્રા વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રચના સર્કલ પાસે આવેલા ભરતનગરના એક ઔદ્યોગિક એકમમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારખાનામાં રહેલા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય નવ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
મળતી માહિતી મુજબ, આજે સવારે સાડા પાંચ વાગ્યે જ્યારે શહેર હજુ જાગી રહ્યું હતું, ત્યારે ફાયર વિભાગને એક ઇમરજન્સી કોલ મળ્યો હતો. કાપોદ્રા રચના સર્કલથી આગળ, ગૌશાળા પાસે આવેલા ભરતનગરના મારુતિ ચોક નજીક ત્રણ માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હોવાની જાણકારી મળી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ અલગ-અલગ ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ અને કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો.
ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ ઇમારતમાં રાખેલા એલપીજી સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો અને આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી કુલ આઠ સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાંથી બે સિલિન્ડર ફાટ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અન્ય છ સિલિન્ડરને ફાયર ફાઈટરોએ જીવના જોખમે સુરક્ષિત રીતે બહાર કાઢી પોલીસને સોંપ્યા હતા, જેનાથી મોટી જાનહાનિ ટળી હતી.
આગ ઇમારતના ત્રીજા માળે ફેલાઈ હતી, જ્યાં પતરાના શેડમાં કેટલાક શ્રમિકો ફસાયા હતા. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા વચ્ચે અંદર જવું અશક્ય હતું. ફાયર વિભાગે તુરંત હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો અને ત્રીજા માળના પતરા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ફાયરબ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર, અમે જ્યારે પહોંચ્યા ત્યારે સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. સિલિન્ડર બ્લાસ્ટને કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી પડી રહી હતી, પરંતુ ટીમે હિંમત હાર્યા વગર પતરા તોડીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
ફાયરની ટીમે ભારે જહેમત બાદ કુલ 11 વ્યક્તિઓને ઇમારતમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે, કમનસીબે રેસ્ક્યૂ કરાયેલા લોકોમાંથી બે વ્યક્તિઓના ગંભીર રીતે દાઝી જવાથી અને ઇજાઓ થવાથી મોત નિપજ્યા હતા. બાકીના નવ લોકોને ઇજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. તકેદારીના ભાગરૂપે હજુ પણ બે ફાયર ફાઈટરની ગાડીઓને 'સ્ટેન્ડ બાય' રાખવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા આ મામલે ગુનો નોંધીને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા અને સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.