જામનગર પંથકમાં ૩ જુદા જુદા વાહન અકસ્માતના બનાવમાં ૪ વ્યકિતને ઇજા પહોચી છે જે મામલે પોલીસ ફરીયાદ દાખલ થતા તપાસ કરવામાં આવી રહી છે. અલીયાથી જાંબુડા ચોકડી તરફ અઠવાડીયા પહેલા સ્પ્લેન્ડરે હડફેટે લેતા બે વ્યકિતને નાની મોટી ઇજા પહોચી હતી, રોજી સર્કલ પાસે એકસેસે સાઇડમાથી એકટીવાને હડફેટે લેતા વેપારી યુવાનને મુંઢ ઇજા પહોચી હતી, જયારે લાલપુરના ખડબા રોડ પર પિકઅપ ગાડીના ચાલકે રાહદારી વૃઘ્ધને હડફેટે લઇને ઇજાઓ કરી છે.
મુળ એમપીના કુકશી તાલુકાના વતની હાલ જામનગર નજીક ગોકુલપરા ગામમાં કાનાભાઇની વાડીએ રહેતા, ખેતમજુરી કરતા કમલ કરશનભાઇ (ઉ.વ.૩૬) નામના યુવાને ગઇકાલે પંચકોશી-એમાં સ્પ્લેન્ડર નં. જીજે૩બીએચ-૬૧૬૮ના ચાલક સામે ફરીયાદ કરી હતી.
ગત તા. ૮ના રોજ ફરીયાદી તથા તેમના ભાઇ પવનભાઇ અને ફરીયાદીના બનેવી મોહન મકુનભાઇ ખેડે (ઉ.વ.૪૫) ત્રણેય જણા ગોકુલપરા ગામે દુકાનેથી ઘરનો સામાન લઇને વાડી બાજુ જતા હતા ત્યારે અલીયા ગામથી જાંબુડા તરફના રોડ પર પાછળથી ઉપરોકત નંબરના મોટરસાયકલના ચાલકે બેદરકારીથી ચલાવીને ઠોકર મારી હતી.
આ અકસ્માતમાં ત્રણેયને રોડ પર પછાડી દીધા હતા જેમાં ફરીયાદી કમલભાઇને છોલછાલ જેવી ઇજા અને મોહનભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી આથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
બીજા બનાવમાં જામનગરના આર્યસમાજ રોડ, એમ.જે. પાર્ક ગજાનન એપાર્ટમેન્ટ ખાતે રહેતા યશ હિતેશભાઇ ચોટાઇ (ઉ.વ.૨૪) નામના યુવાન તા. ૧૪ના એકટીવા નં. જીજે૧૦સીએસ-૩૧૭૭ લઇને જતા હતા, દરમ્યાન એરફોર્સ-૨ની પાસે રોજી સર્કલ પાસે પહોચતા એકસેસ બાઇક નં. જીજે૧૦ઇજે-૦૮૨૧ના ચાલકે તેનું વાહન બેદરકારી અને પુરઝડપે ચલાવી ફરીયાદીના એકટીવા સાથે સાઇડમાંથી ભટકાડી અકસ્માત સર્જયો હતો જેમાં ફરીયાદીને નીચે પાડી દેતા કપાળ અને પગના ભાગે ઇજા પહોચી હતી, યશભાઇ દ્વારા આ બનાવ અંગે એકસેસ વાહનના ચાલક સામે સીટી-સી ડીવીઝનમાં ગઇકાલે ફરીયાદ નોંધાવી હતી.
આ ઉપરાંત લાલપુર તાલુકાના ચાંદીગઢ ગામમાં રહેતા ખેતીકામ કરતા ફતેમામદ વલીમાદભાઇ રાઉમા (ઉ.વ.૩૮)એ ગઇકાલે લાલપુર પોલીસ સ્ટેશનમાં બોલેરો પિકઅપ વાહન નં. જીજે૧૮એકસ-૩૧૧૧ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
ગઇકાલે લાલપુરથી મોટા ખડબા તરફના રોડ પર આરોપીએ પોતાની બોલેરો પિકઅપ ગાડીના પાછળના ભાગે મજુરો બેસાડીને પસાર થતો હોય દરમ્યાન વાહનને પુરઝડપે અને બેફીકરાથી ચલાવી ફરીયાદીના કાકા ગુલમામદ નુરમામદભાઇ રાઉમા (ઉ.વ.૫૫) જેઓ રોડ પર ચાલીને જતા હતા તેમને પાછળથી ઠોકર મારી પાંસડી અને હાથના ભાગે ગંભીર ઇજા અને શરીરે મુંઢ ઇજા પહોચાડી હતી જે ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.