ઉપલેટામાં યુવાન પર બે શખસોનો છરી વડે હુમલો: જાનથી મારી નાખવા ધમકી
ઉપલેટામાં યુવાન પર બે શખસોનો છરી વડે હુમલો: જાનથી મારી નાખવા ધમકી
May 20, 2026 10:16 AM
રાજકોટ ઉપલેટામાં યુવાન પર બે શખસોએ છરી વડે હુમલો કરી તેને હાથમાં ચરકા કરી દીધા હતાં. યુવકને બચાવવા વચ્ચે પડતા તેના ભાઇ અને પિતાને પણ મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવાનને આરોપીની બહેન સાથે અગાઉ પ્રેમ સંબંધ હોય જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. ઉપલેટામાં ખાટકીવાળા ધરાર કોલોનીમાં ફૈઝેનુરી એપાર્ટમેન્ટમાં રહેતા રેનિશ ઉર્ફે રેનીયો હુશેનભાઇ પઠાણ(ઉ.વ. ૩૦) દ્વારા ઉપલેટા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉપલેટામાં જ રહેતા મોહસીન દિલાવર હીંગોરા અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજના સમયે તે ઉપલેટામાં બજારમાં બેસવા માટે નીકળ્યો હતો. અહીં પંકજ વેરાયટી સામેની ગલીમાં આરીફભાઇ ધોરાજીની દુકાને પાસે પહોંચતા પાછળથી મોહસીન અને તેનો મિત્ર બાઇક લઇને આવ્યા હતાં. તેણે પોતાનું બાઇક આગળ ઉભુ રાખી દઇ યુવાન કંઇ સમજે તે પૂર્વે નેફામાંથી છરી કાઢી મારવા લાગ્યો હતો. યુવાન હાથ આડો રાખતા હાથમાં છરી વડે ચરકા કરી દીધા હતાં. અને માથાના પાછળનાભાગે છરીનો ઉંધો ઘા ઝીંકી દીધો હતો. યુવાને બુમાબુમ કરતા તેવામાં તેના પિતા હુશેનભાઇ તથા તેનો ભાઇ વસીમ આવી જતા આ બંને શખસોએ તેને પણ મારામાર્યો હતો. દરમિયાન અહીં લોકો એકત્ર થઇ જતા આ બંને શખસો નાસી ગયા હતાં. જતા પહેલા ધમકી આપી હતી કે, ફરી ભેગો થા એટલે જાનથી મારી નાખીશ. બાદમાં હુમલામાં ઘવાયેલા યુવાન અને તેના ભાઇ તથા પિતાએ ઉપલેટા સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. યુવાને ફરિયાદમાં બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, અગાઉ તેને મોહસીનની બહેન સાથે પ્રેમ સંબંધ હોય જેનો ખાર રાખી મોહસીન અને તેના મિત્રએ મળી તેના પર હુમલો કર બચાવવા વચ્ચે પડતા તેના પિતા- ભાઇને મારમાર્યો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી ઉપલેટા પોલીસે બંને સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.