રીબડા હનીટ્રેપ પ્રકરણ: રાજકોટના શખસે સગીરાને મનાવી અમિતને હનીટ્રેપમાં ફસાવ્યાનો ઘટસ્ફોટ, જાણો બંને આરોપી વકીલનો ગુનાહિત ભુતકાળ

  • May 08, 2025 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રીબડાનાં ચકચારી બનેલા અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં યુવાનને હનીટ્રેપમાં ફાસવવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસે પુજા રાજગોર તથા સગીરાની ધરપકડ કરી પુછપરછ કરતા પુજા રાજગોરે રાજકોટના એક શખસના કહેવાથી તેણે સગીરાને મનાવી અમિતને હનીટ્રેપમાં ફસાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં ગોંડલના એડવોકેટ દિનેશ પાતર અને રાજકોટના વકીલ સંજય પંડીતની પણ ભૂંડી ભૂમિકા સામે આવી છે.જેથી પોલીસે બંને વકીલની પણ ધરપકડ કરી છે. આ પ્રકરણમાં યુવતી અને સગીરાને નોકરીની લાલચ આપી હનીટ્રેપ માટે તૈયાર કરનાર રાજકોટના વચેટિયાની શોધખોળ કરાઇ રહી છે. તે ઝડપાયા બાદ નવા ઘટસ્ફોટ થવાની શકાયતા સેવાઇ રહી છે.​​​​​​​

અમીતના પહેરેલ કપડામાંથી સુસાઇડ નોટ મળી આવી હતી

જાણવા મળતી વિગતો મુજબ, રીબડા ગામે રહેતા અમિતભાઇ દામજીભાઇ ખુંટે રીબડા ગામની સીમમાં આવેલ પોતાની વાડી પાસે ગળેફાસો ખાઇ આપઘાત કર્યાની ઘટનામાં અમીતના પહેરેલ કપડામાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમા રીબડા ગામના અનિરૂધ્ધસિહ જાડેજા તથા તેમના પુત્ર રાજદિપસિહ જાડેજા તથા પુજા રાજગોર તથા એક સગીરા સહીત ચાર વિરૂધ્ધ આક્ષેપ કરાયા હોય અમીતના ભાઇ મનીષભાઇ દામજીભાઇ ખુંટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરતા તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.


બાળ કિશોરીની ધરપકડ કરવામાં આવી હતી

બનાવ અંગે એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરા,ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઇ એ.સી.ડામોર, એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પેરોલ ફર્લો તથા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફ ની અલગ-અલગ ટીમો બનાવી આરોપી પુજા જેન્તીભાઈ રાજગોર (રહે હાલ, રાજકોટ) તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરીની ધરપકડ કરવા માં આવી હતી.


બે વકીલવી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઇ 

પોલીસે બન્નેની ઉંડાણપુર્વક પુછપરછ કરતા પુજા રાજગોરે જણાવેલ કે એક વ્યક્તિએ પોતાની પાસે આવી અને જણાવેલ કે, તમારે અમિત ખુંટ (રહે. રીબડા) નામની વ્યક્તિ સાથે સોશ્યલ મીડીયાના માધ્યમથી મિત્રતા પ્રેમ સંબંધ કેળવી અને તેની સાથે શરીર સબંધ બાંધી ખોટી બળાત્કારની ફરીયાદ કરવાની છે અને અમોને જણાવેલ કે, આ બદલામાં તમારી લાઇફ બની જશે અને સારામાં સારી જોબ પણ મળી જશે અને બન્નેને પૈસાની જરૂરીયાત હોય જેથી આ કામ કરવા માટે તૈયાર થયેલ અને વધુમાં જણાવેલ કે ફરીયાદના સમયે મારા વકીલો સંજય પંડીત તથા દિનેશ પાતર જેઓને તમામ વિગત ખબર છે જેથી તેઓ શરૂઆતથી અંત સુધી તમારી સાથે રહેશે અને તેઓ જે રીતે કહે તે રીતે તમારે પોલીસ ફરીયાદ લખાવવાની છે. તેવુ પુર્વ આયોજીત કાવતરૂ રચેલ હોવાનું તપાસ દરમિયાન ખુલવા પામતા આરોપી સંજયભાઇ હેમતભાઇ પંડીત (રહે. રાજકોટ) તથા દિનેશભાઇ પાલાભાઈ પાત્તર (રહે. ગોંડલ)ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.


પુજા ગોરનાં બે દિવસ નાં રિમાન્ડ મંજુર

દરમિયાન પોલીસે પુજા ગોરને ગોંડલની એડી.ચિફ. જ્યુડી.મેજિસ્ટ્રેટ મેહુલ પરમારની કોર્ટમાં સાત દિવસનાં રિમાન્ડની માંગ સાથે રજુ કરતા કોર્ટે બે દિવસ નાં રિમાન્ડ મંજુર મંજુર કર્યા હતા.આ પ્રકરણમાં યુવતને સારી નોકરીની લાલચ આપી અમિતને હનીટ્રેપમાં ફસાવવા માટે તૈયાર કરનાર રાજકોટમાં રહેતો શખસને ઝડપી લેવા પોલીસ તપાસ ચલાવી રહી છે. આ શખસ ઝડપાયા બાદ આ પ્રકરણમાં વધુ કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની શકયતા સેવાઇ રહી છે.​​​​​​​


બંને આરોપી વકીલનો ગુનાહિત ભુતકાળ

હનીટ્રેપના આ પ્રકરણમાં જેની ધરપકડ કરાઇ છે તે બંને વકીલ ગુનાહિત ભુતકાળ ધરાવે છે. જેમાં રાજકોટના એડવોકેટ સંજય પંડીત સામે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ,પોકસો, ઉપરાંત મારામારી, એટ્રોસિટી એકટ, બોગસ દસ્તાવેજ બનાવવા સહિતના ચાર ગુના નોંધાઇ ચૂકયા છે.જયારે ગોંડલના દિનેશ પાતર સામે ગોંડલ અને જૂનાગઢમાં છેતરપિંડી, મહિલાને ત્રાસ સહિતના ત્રણ ગુના નોંધાઇ ચૂકયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application