ધ્રોલમાં ટ્રેકટર-ટેન્કર વચ્ચે અકસ્માત થતાં બે વ્યક્તિના મોત

  • April 03, 2021 10:20 PM 

વ્હેલી સવારે ટ્રેકટરમાં ચણા ભરીને યાર્ડ ખાતે જતાં ત્રિકોણ બાગ પાસે કાળ ભેટ્યો: ટેન્કર ચાલક સામે રાવ

જામનગર પંથકમાં ગંભીર વાહન અકસ્માતોનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે, તાજેતરમાં જ વિજરખી રોડ પર બસની ઠોકરે ત્રણ વ્યક્તિના મોત થયાનો બનાવ તાજો છે, ત્યાં ધ્રોલના ત્રિકોણ બાગ રોડ પર ગત વ્હેલી સવારે ટેન્કર અને ટ્રેકટર વચ્ચે ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિ મોતને ભેટી છે, ટ્રેકટરમાં ચણા ભરીને માર્કેટીંગ યાર્ડ જતા હતા, એ વખતે કાળનો ભેટો થતાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

મળતી વિગત મુજબ ધ્રોલના દેડકદડમાં રહેતા ભૂપતભાઇ લાધાભાઇ પાદરીયા અને તેમની વાડીનો મજુર મગનભાઇ જેતુભાઇ બંધેલ, આ બન્ને તેમનું ટ્રેકટર નં. જીઆરઆઇ-9606 તથા ટ્રોલી નં. જીટીપી-3893 માં ચણા ભરીને દેડકદડથી ધ્રોલ માર્કેટીંગ યાર્ડ ખાતે જતા હતા.

દરમ્યાન ધ્રોલના ત્રિકોણ બાગ પાસેના રોડ પર પહોંચતા પાછળથી ટેન્કર નં. યુ.પી.ર1.સીએન.1ર6પ ના ચાલકે પૂરઝડપે અને બેફીકરાઇથી ચલાવીને ટ્રેકટરની ટ્રોલીની પાછળ ઠોકર મારી અકસ્માત સજ્જર્યો હતો.

આ અકસ્માતમાં ભૂપતભાઇ પાદરીયા તથા ટ્રેકટરમાં બેસેલ મજુર મગનભાઇ બંધેલ બન્ને ટ્રેકટરમાંથી પડી જતાં માથા અને શરીરે ગંભીર ઇજાઓ થતાં બન્નેના મોત નિપજ્યા હતા, આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઇ હતી, પ્રાથમિક વિગતો જાણી હતી, દરમ્યાનમાં બનાવ સબબ ધ્રોલના દેડકદડ ગામમાં રહેતા ખેડૂત અને મૃતકના ભાઇ વિમલ લાધાભાઇ પાદરીયા દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની તપાસ ધ્રોલ પીએસઆઇ એમ.એન. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર શહેર-જિલ્લામાં ગંભીર પ્રકારના વાહન અકસ્માતોના બનાવોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી જવા પામ્યું છે, હાલમાં જ વિજરખી રોડ પર બસ, બાઇક અકસ્માતમાં ત્રણ વ્યક્તિ કાળનો કોળીયો બની હતી, અન્ય વિસ્તારોમાં નાના-મોટા અકસ્માતો સર્જાય છે, દરમ્યાનમાં વધુ બે માનવ જીંદગીનો વાહન અકસ્માતમાં ભોગ લેવાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS