BREAKING NEWS

રાજકોટમાં બે સોની વેપારીઓ સાથે રૂ.૨.૪૩ કરોડની છેતરપિંડી

  • November 14, 2025 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પદ્માવતી ટ્રેડર્સ પેઢીનાં માલિકે ઘરેણાં બનાવવા આપેલું રૂ. 1.39 કરોડની ચાંદી લક્ષ્મીવાડીનાં પિતા-પુત્રો ઓળવીની ફરિયાદ: બંગાળી કારીગર સોની વેપારીનું રૂ.૧.૦૫ કરોડનું સોનું લઇ રફુચક્કર


શહેરમાં સોની વેપારી પાસેથી કારીગર સોનું ઘડામણ માટે લઇ ગયા બાદ પલાયન થઇ જઇ છેતરપિંડી આચરવાના બનાવ સમયાંતરે બનતા રહે છે. ત્યારે રાજકોટમાં વધુ બે સોની વેપારી છેતરપિંડનો ભોગ બન્યા છે. જેમાં ચાંદીનાં વેપારીએ દાગીના બનાવવા રૂ. 1.39 કરોડનું ફાઈન ચાંદી લક્ષ્મીવાડીનાં પિતા-પુત્રો ઓળવી ગયા અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છ. જયારે અન્ય એક સોની વેપારીએ ઘરેણાં બનાવવા આપેલ રૂ. 1.05 કરોડનું સોનુ બંગાળી કારીગર લઈ રફુચક્કર થઇ ગયો હતો.


શહેરના શ્રોફ રોફ પર ગેલેક્સી ટાઉન હોમ્સનાં ત્રીજા માળે એ-32 માં રહેતા મારવાડી વેપારી જીતેન્દ્રભાઈ પુખરાજભાઈ જૈન(ઉ.વ. 43) દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે લક્ષ્મીવાડી શેરી નં.-17 માં રહેતા પિતા-પુત્ર હરેશ નટરવલાલ કારેલીયા અને પ્રશાંત ઉર્ફે પીન્ટુ હરેશ કારેલીયાનું નામ આપ્યું છે.

વેપારીએ જણાવ્યુ હતું કે, તે સોનીબજાર દરબારગઢ ચોક નજીક ડાયમંડ ચેમ્બરમાં પંદ્માવતી ટ્રેડર્સ નામની દુકાન ચલાવી ચાંદીના દાગીનાની લે-વેચનો વેપાર કરે છે. ચાંદીનાં ઘરેણાં બનાવવા છેલ્લા 20 વર્ષથી હરેશભાઈ નટવરલાલ કારેલીયા અને તેના પુત્ર પ્રશાંત ઉર્ફે પીન્ટુ હરેશભાઈ કારેલીયાને આપતાં હતા. અગાઉ ચાંદી આપતા હતા તેનું હરેશભાઈ તથા તેનો દીકરો પ્રશાંત જણાવ્યા અનુસાર ચાંદીના દાગીના બનાવી આપી જતા હતા.


વેપારીએ વિશેષમાં જણાવ્યું હતું કે, હરેશભાઈ તથા પ્રશાંતભાઈને ચાંદીના દાગીના બનાવવા માટે ગઇ તા.૦૩/૦૬/૨૦૨૫ ના રોજ ફાઇન ચાંદી ૩૬,૩૦૬ ગ્રામ, ગઇ તા-૦૬/૦૬/૨૦૨૫ ના રોજ ૩૪, ૨૦૯ ગ્રામ ફાઇન ચાંદી, ત્યારબાદ ગઇ તા.૧૦/૦૬/૨૦૨૫ ના રોજ ૨૦,૧૦૬ ગ્રામ એમ કુલ ૯૦,૬૨૧ ગ્રામ ફાઈન ચાંદી લકકી તથા ૫ટટા તથા સલમાન લક્કી બનાવવા આપેલ હતું. જે દાગીના હરેશભાઈ એકાદ મહીનામાં બનાવીને અમને પરત આપશે તેમ જણાવેલ હતુ. એક મહીનો વીતી જતા વેપારીએ હરેશભાઈને ફોન કરતા થોડા દીવસમાં દાગીના આપી દઈશ તેમ જણાવ્યું હતું. બાદ અવારનવાર હરેશભાઈને ફોન કરતા થોડા દીવસમા આપી દઇશ તેમ બહાના બતાવતા હતા. બાદ હરેશભાઈએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.


જેથી દાગીના બનાવવા આપેલ રૂ. 1,39,31,500 ની કિંમતનું ૯૦, ૬૨૧ ગ્રામ ફાઇન ચાંદી મેળવી પિતા-પુત્રોએ ઘરેણાં કે ચાંદી પરત નહીં આપી છેતરપિંડી આચરતા વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આ પિતા-પુત્ર સામે બીએનએસની કલમ ૩૧૬(૨),૩(૫) મુજબ ગુનો નોંધ્યો હતો.


બંગાળી કારીગર રૂ.૧.૦૫ કરોડનું સોનું ઓળવી કહ્યું, હું કરજમાં આવી ગયો છુ

છેતરપિંડીનાં અન્ય એક બનાવમાં એરપોર્ટ રોડ પર ગ્રીન પાર્ક સોસાયટી શેરી નં.-01 માં રહેતા અને સોની બજારમાં વ્રજ શાંતિ ગોલ્ડ પેલેસ કોમ્પ્લેક્સમાં જવેલર્સ પેઢી ધરાવતા વેપારી જીજ્ઞેશભાઇ ચનાભાઈ અજાણી(ઉ.વ. ૩૯) દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બંગાળી કારીગર અશોક રૂપચંદ મૈત્યનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, વ્રજ શાંતી ગોલ્ડ પેલેસ કોમ્પલેક્ષમા પહેલા માળે દુકાન નં-૧૦૨ મા તેનો કારીગર અશોક રૂપચંદ મૈત્ય (હાલ રહે.ભગવતીપરા, રાજકોટ. મુળ રહે. સીંદુરમુરગામ સબાંગ, પશ્વીમ મેદનીપુર, પશ્વીમ બંગાળ) સોનાના દાગીના બનાવવાનુ કામ કરે છે.

છેલ્લા છ માસથી તેઓ અશોક મૈત્યને કટકે કટકે સોનાના દાગીના બનાવવા માટે ૨૨ કેરેટ સોનુ આપતા હતાં અને તે દાગીના બનાવી આપતો હતો. ગત તા.૨૦/૧૦/૨૦૨૫ ના રોજ માટે આ અશોકભાઈ મૈત્ય પાસેથી અગાઉ સોનાનાં દાગીના બનાવવા આપેલ ૧૩૭૬.૦૪ ગ્રામ ૨૨ કેરેટનુ સોનુ પરત લેવાનું હતું. એ દિવસે સાંજના આઠેક વાગ્યાની આસપાસ વેપારી ઘરે હતા ત્યારે અશોક મૈત્યની દુકાનમાં કામ કરતા કારીગર ગુરૂનો ફોન આવેલ કે, અશોકભાઇ દુકાને આવેલ નથી અને મારા ફોન ઉપાડતો નથી, ઘરે તપાસ કરતા તાળુ મારેલ છે. જેથી વેપારી દુકાને જતાં અશોક ત્યાં હાજર મળી આવ્યો ન હતો પણ ત્યાં કામ કરતા ગુરૂએ મને ૪૪૦ ગ્રામ સોનાના દાગીના પરત આપેલ હતા. જયારે બાકીનુ સોનુ અશોક લઇ ગયેલ છે તેમ જણાવ્યુ હતું. જેથી અશોકને ફોન કરતા સ્વિચ ઓફ આવેલ હતો. ઘરે તપાસ કરતા તાળુ મારેલ હતુ. ત્યારબાદ બે દીવસ પછી મે અશોકની પત્નીને ફોન કરતા તેણે મને બીજા નંબર આપતા મે અશોકને ફોન કરેલ હતો. ત્યારે તેણે જણાવેલ કે, હુ કરજમા આવી ગયેલ છુ, તમને થોડા દિવસમાં તમારૂ બાકી નિકળતુ સોનુ આપી દઇશ. જેથી પોલીસ ફરીયાદ કરેલ નહી. બાદ અવાર-નવાર અશોકને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હોય અને મારૂ નીકળતુ ૯૩૬.૦ ૪૦ ગ્રામ ૨૨ કેરેટ સોનુ જેની અંદાજીત કિંમત રૂ. ૧,૦૫,૬૯,૦૦૦ થતી હોય તે ઓળવી ગયા અંગે ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application