તા. ૨૯ના રોજ ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની અંતિમ તારીખ પહેલા રાજકીય ડ્રામા થવાના પુરેપુરા ભણકારા: મેન્ડેટમાં વર્તમાન ચેરમેનના પુત્ર અને તાલુકા ભાજપના પ્રમુખનું નામ કપાયા હોવાનો ભાંડો ફુટયા બાદ અસંતોષની જવાળાઓ પ્રગટી: જયપાલસિંહ ઝાલા અને મુકુંદ સભાયાએ પણ ઉમેદવારી પત્રો ભરી દીધા છે: પાંચ દિવસ થઇ શકે છે રાજકીય ડ્રામા: ઘીના ઠામમાં ઘી પણ પડી શકે છે
જામનગર જિલ્લાના રાજકારણ માટે અતિ મહત્વની મનાતી અને ગ્રામ્ય પ્રજા પર તથા ખેડુતો અને વેપારીઓ પર એક પ્રકારનું પ્રભુત્વ દર્શાવતી હાપા માર્કેટીંગ યાર્ડની સત્તા આમ તો કોઇ વિઘ્ન વિના ભારતીય જનતા પાર્ટી પ્રેરીત પેનલના હાથમાં જશે, ભગવો લહેરાશે એમાં કોઇ સંદેહ નથી, પરંતુ આગામી તા.૫ ફેબ્રુઆરીના રોજ થનારી ચૂંટણી માટે જયારે ગઇકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી તરફથી ખેડુત-વેપારી વિભાગના પોતાના ઉમેદવારોના સંભવીત નામ અપાયાનું બહાર આવ્યા બાદ સહકારી ક્ષેત્રના બે માથાના નામ કપાતા હોવાનું સામે આવ્યું હતું અને ગઇકાલથી જ હાપા યાર્ડને લઇને રાજકીય ડ્રામા શરુ થયો હતો જે આજના દિવસે પણ યથાવત છે અને એવું લાગે છે કે કદાચ બગાવતનું બ્યુગલ પણ ફુંકાઇ શકે છે, જો કે સત્તા કેસરીયા છાવણી પાસે આવશે તેમાં કોઇ શંકા નથી, આમ છતાં આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે હાપા યાર્ડમાં જો કોઇ ઉથલપાથલ થાય તો તેને મહત્વની તો માનવામાં આવશે.
ગઇકાલે હાપા યાર્ડ માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પુરજોશમાં થઇ હતી કારણ કે અંતિમ દિવસ હતો, તા.૨૯ કે જયારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આખરી દિવસ છે, તેની આડે રહેલા બાકીના ૫ દિવસ સમજાવટ-પતાવટ થવાની પુરી સંભાવના છે અને જામનગરથી ગાંધીનગર સુધી આ મુદો ચર્ચામાં રહેશે, તેનું કારણ એ છે કે ભાજપની પેનલમાં રહેવા ઇચ્છુક બે ચહેરાની લગભગ બાદબાકી થઇ ગ્રઇ છે.
ગઇકાલે જયારે એવો અંદેશો મળ્યો કે, ભાજપ તરફથી પોતાના સંભવીત ચહેરાઓ માટે મેન્ડેટ મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે, અમુક લોકો તો એમ પણ કહેતા હતાં કે, નામજોગ મેન્ડેટ આવી ગયા છે, જિલ્લા ભાજપના વર્તુળોેએ સતાવાર રીતે મેન્ડેટ મળ્યાનો આજકાલ પાસે ઇન્કાર કર્યો હતો, જો કે અમારા અંતરંગ વર્તુળો તરફથી મળેલા અહેવાલ મુજબ મેન્ડેટ આવી ગયાની સંભાવના વધુ છે.
નામ આવી ગયા હોવાનું સામે આવ્યા બાદ અસંતોષનો ચરુ ઉકળ્યો હતો, કારણ કે સંભવીત લીસ્ટમાં પ્રવિણસિંહ ઝાલાના પુત્ર જયપાલસિંહ ઝાલા અને જામનગર તાલુકા ભાજપના પ્રમુખ મુકુંદભાઇ સભાયાના નામ આવ્યા નહીં હોવાની વિગતો ચર્ચાઓ દરમ્યાન બહાર આવી હતી અને આ બાબતને લઇને જ ભડકો થયો હતો.
ખેડુત વિભાગમાં જે ૨૮ ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર ભર્યા છે તેમાં ભાજપની સંભવીત પેનલ ઉપરાંત જયપાલસિંહ અને મુકુંદભાઇ દ્વારા પણ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હોવાથી એવી શંકા પ્રબળ બની છે કે જો આગામી પાંચ દિવસમાં સમજાવટ-પતાવટ પાર ન પડે તો બની શકે કે કદાચ આ બંને ચહેરા બગાવત કરીને ચૂંટણી લડી શકે છે. જો કે તા.૨૯મીના રોજ એ બાબત સુસ્પષ્ટ થશે કે આવું થાય છે કે નહીં.
દરમ્યાનમાં સહકારી ક્ષેત્રના મોટા માથા ગણાતા પ્રવિણસિંહ ઝાલા તથા તાલુકા ભાજપના વરિષ્ઠ આગેવાન એવા સભાયા દ્વારા અસંતોષ વ્યકત કરવામાં આવ્યો હોવાની વાત સપાટી પર આવી છે કે, કહેવાય છે કે આ બંને રુઠેલાને મનાવી લેવા જામનગર ભાજપના ટોંચના નેતાઓ દ્વારા સમજાવવામાં આવી રહ્યા છે, આટલું જ નહીં ગાંધીનગરથી પણ છેડા અડાડીને બગાવતની સર્કિટને ફેઇલ કરવા ભાજપ દ્વારા પુરા પ્રયત્નો ચાલૂં હોવાનું કહેવાય છે.
સહકારી ક્ષેત્રનું રાજકારણ અસમંજસભર્યુ રહ્યું છે, કયારે કોણ શું કરી નાખે તેનો સ્પષ્ટ વર્તારો કોઇ આપી શકે તેમ નથી તેવા સંજોગોમાં હાપા માર્કેટીંગ યાર્ડની ચૂંટણી સંભવીત બગાવતની વાતને લઇને રસપ્રદ તો બની જ રહેશે.
***
ભાજપ પ્રેરીત સંભવીત પેનલ: શું મેન્ડેટ આવી ગયા... ?
હાપા યાર્ડની ચૂંટણી માટે ભાજપ પ્રેરીત સંભવીત પેનલના જે નામ જાણવા મળ્યા છે તેમાં ખેડુત વિભાગમાં ઉમેદસંગ જાડેજા, અશ્ર્વિનભાઇ છૈયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જીતેનભાઇ પરમાર, જગદીશસિંહ જાડેજા, વિપુલ ચંદ્રેશ પટેલ, જમનભાઇ ભંડેરી, ચંદ્રેશભાઇ સોજીત્રા, દયાળજીભાઇ ભીમાણી, પ્રભાતભાઇ મકવાણાના નામ હોવાનું જાણવા મળ્યું છે, જયારે વેપારી વિભાગમાં ભાજપ પ્રેરીત પેનલમાં જયેશ સાવલીયા, સંજય જગદીશ ભંડેરી, હિરેન વિજય કોટેચા, વિરેશ મનસુખ મહેતાના નામ છે, સંભવીત આ તમામના નામના મેન્ડેટ આવી ગયા છે અથવા આવી જશે અને બની શકે કે બગાવત ન થાય એ માટે કોઇ એક-બે નામમાં બદલાવ પણ થઇ શકે છે.
***
ખેડુત વિભાગમાં ૨૮, વેપારી વિભાગમાં ૧૪ ફોર્મ ભરાયા
હાપા માર્કેટીંગ યાર્ડની ખેડુત અને વેપારી વિભાગની ચૂંટણી માટે ગઇકાલે આખો દિવસ ભારે ઉત્તેજના વચ્ચે વેપારી પેનલમાં ૪ બેઠક માટે ૧૪ અને ખેડુતોની પેનલમાં ૧૦ બેઠક માટે ૨૮ ફોર્મ ભરવામાં આવ્યા હતાં, ત્યારે રાજકીય વાતાવરણ ગરમ બન્યું છે.
ગઇકાલે સવારથી જ ઉત્તેજનાભર્યા વાતાવરણમાં ખેડુત વિભાગની ૧૦ બેઠકો માટે અને વેપારીની ૪ બેઠક માટે ભારે ચર્ચા જાગી હતી અને કેટલાક રાજકીય અગ્રણીઓએ ગઇકાલે સાંજ સુધીમાં પોતાના ફોર્મ ભર્યા હતાં, તા.૨૯ સુધીમાં ફોર્મ પાછુ ખેંચી શકાશે અને જો ચૂંટણી કરવાની થતી હશે તો તા.૫ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી કરવામાં આવશે.
હાપા માર્કેટીંગ યાર્ડની ખેડુતોની બેઠકમાં ૧૦ બેઠકો સામે ૨૮ ફોર્મ ભરાઇ ચૂકયા છે, જયારે વેપારી આલમમાં જબરદસ્ત હરીફાઇ છે અને ૪ બેઠક માટે ૧૪ જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે, આજે સવારે જિલ્લા રજીસ્ટ્રાર એન.ડી.ગોહીલની હાજરીમાં આજે સવારે ૧૧ વાગ્યે ફોર્મની ચકાસણી થઇ રહી છે.
***
શું કહ્યું યાર્ડના વર્તમાન ચેરમેન પ્રવિણસિંહ ઝાલાએ
હાપા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં બે નામને લઇને બગાવતના બ્યુગલના જે ભણકારા વાગી રહ્યા છે તે પૈકીના જયપાલસિંહ ઝાલાના પિતા અને હાપા યાર્ડના વર્તમાન ચેરમેન પ્રવિણસિંહ ઝાલા સાથે આજકાલ દ્વારા વાતચીત કરવામાં આવતાં એમણે બીજુ કાંઇ કહ્યું ન હતું પરંતુ એટલું બોલ્યા હતાં કે, જયપાલસિંહ ઝાલા અને મુકુંદભાઇ સભાયા દ્વારા પણ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે, આથી વધુ કાંઇ પણ કહેવાનો એમણે ઇન્કાર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech