કલ્યાણપુર લેન્ડ ગ્રેબિંગ અંગેની બે ફરિયાદ: એક આરોપીની ધરપકડ, અન્ય એક જેલ હવાલે

  • March 10, 2021 11:32 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવા અંગે જુદી જુદી બે પોલીસ ફરિયાદમાં બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં ગઈકાલે મંગળવારે એક આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય એકની ધરપકડ કરવામાં આવી છે.

કલ્યાણપુર તાલુકાના આશીયાવદર ગામે રહેતા એક રબારી પરિવારની સાડા બાર વિઘા જમીન પર છેલ્લા આશરે બે દાયકાથી બળજબરીપૂર્વક કબજો મેળવવા સબબ અલાભાઈ મેરામણભાઇ કાલરની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે આ જ ગામના ગગુભા કનુભા જાડેજા નામના શખ્સ સામે ત્રણ દિવસ પૂર્વે ધોરણસર ગુનો નોંધ્યો હતો. જેની સોમવારે પોલીસે ધરપકડ કરી ગઈકાલે મંગળવારે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર અદાલતે આરોપી ગગુભા કનુભા જાડેજાને જેલહવાલે મોકલવા માટેનો હુકમ કર્યો હતો.

જ્યારે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે નગરપાલિકાની માલિકીની 7500 ફૂટ જગ્યા પર બાંધકામ કરી કબજો મેળવવા સબબ સર્કલ ઓફિસરની ફરિયાદ પરથી રાવલ ગામના રહીશ હદુ ઉર્ફે સવદાસ લખાભાઇ ગામી નામના શખ્સ સામે સોમવારે કલ્યાણપુર પોલીસે ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરતા ગઈકાલે તેની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ અહીંના ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી તથા સ્ટાફના એ.એસ.આઈ. શક્તિસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લેન્ડ ગ્રેબિંગના નવા કાયદા હેઠળ જિલ્લામાં આજ સુધી કુલ ચાર પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS