BREAKING NEWS

જામનગર શહેરમાં બે ઘરફોડ ચોરી : કુલ ૪ લાખના મુદામાલની ઉઠાંતરી

  • July 02, 2026 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેરમાં બે ઘરફોડ ચોરી : કુલ ૪ લાખના મુદામાલની ઉઠાંતરી


મહાવીરનગરમાં મહિલાના રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના લઇ ગયા : પટેલ કોલોનીમાં વિધવા સહાયનો ચેક આપવાની લાલચ દઇ ૧.૨૯ લાખના ઘરેણાની ચોરી 


જામનગર શહેરમાં બે ઘરફોડ ચોરીના બનાવ સામે આવ્યા છે જેમાં કુલ ચાર લાખનો મુદામાલ ચોરી થયો છે, મહાવીનગરમાં રહેણાંક મકાનમાંથી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીનાની કુલ રૂ. ૨.૭૭ લાખની ચોરી થયાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જામનગર શહેરમાં એક વૃદ્ધા સાથે વિશ્વાસઘાત કરી વિધવા સહાયનો ચેક આપવાના બહાને ઘરમાં પ્રવેશ કરી સોનાના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.


જામનગરના હર્ષદમીલની ચાલી રોડ મહાવીરનગરમાં આવેલ વૃંદાવન એપાર્ટમેન્ટ ખાતે રૂમ નં. ૨૦૧માં રહેતા ફરિયાદી જ્યોતિબેન હરીશભાઈ મકવાણા જામનગર મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. જેઓની ફરિયાદ મુજબ, પોતાના ઘરના લાકડાના કબાટના ડ્રોઅરમાં રોકડ ૭૦,૦૦૦, બે સોનાના ચેન કુલ અંદાજે ૧૫ ગ્રામ, કિંમત ૧.૫૦ લાખ, એક મંગળસૂત્ર આશરે ૪ ગ્રામ સોનાનો ભાગ, કિંમત ૫૦ હજાર તેમજ એક ચાંદીની પોચી કિંમત ૭ હજાર) રાખ્યા હતા.


તા. ૨૦/૦૬/૨૦૨૬થી તા. ૨૭/૦૬/૨૦૨૬ દરમિયાન પરિવારના સભ્યો નોકરીએ જતા તેમજ ઘરનો દરવાજો ક્યારેક ખુલ્લો રહેતો હોવાથી કોઈ અજાણ્યો શખ્સ ઘરમાં પ્રવેશ્યો હોવાની શંકા છે. ફરિયાદી તા. ૨૭/૦૬/૨૦૨૬ના રોજ બેંકમાં જમા કરાવવા માટે રૂપિયા લેવા કબાટ ખોલતા રોકડ તથા દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું.


પરિવારજનો સાથે તપાસ કર્યા છતાં મુદ્દામાલ મળી આવ્યો ન હોવાથી આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૫(એ) અને ૩૩૧(૩) હેઠળ અજાણ્યા ચોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


બીજા બનાવમાં પટેલ કોલોની, નહેરૂનગર ખાતે રહેતા વીણાબેન દિલીપકુમાર ભરવાડા (ઉ.વ.૭૪) નામના વૃદ્ધા ગત તા. ૨૪ના સમય દરમ્યાન પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે રિક્ષાચાલક જાફરભાઈ તથા તેની સાથે આવેલા બે અજાણ્યા ઇસમો તેમના ઘરે આવ્યા હતા. આરોપીઓએ વૃદ્ધાને જણાવ્યું હતું કે તેમનું વિધવા સહાયનું ખાતું બંધ થઈ ગયું હોવાથી નવું ખાતું ખોલવા માટે ફોર્મ ભરવું પડશે અને ત્યારબાદ સહાયનો ચેક આપવામાં આવશે.


આ દરમિયાન અજાણ્યા ઇસમોએ વૃદ્ધાનો ફોટોગ્રાફ લઈ તેમને એક ચેક આપ્યો હતો અને બે દિવસ બાદ બેંકમાં જમા કરાવવા જણાવ્યું હતું. તે દરમિયાન જાફરભાઈ ઘરની અંદર ગયો હતો. પૂછતાં તેણે બાથરૂમ જવા માટે અંદર ગયો હોવાનું જણાવ્યું હતું.
​​​​​​​
બાદમાં વૃદ્ધાએ પોતાના પુત્રને સમગ્ર ઘટનાની જાણ કરતાં પુત્રે તપાસ કરતા આપવામાં આવેલ ચેક ખોટો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ ઘરના કબાટની તપાસ કરતાં તેમાં રાખેલા સોનાના દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં દાગીના રાખેલો પ્લાસ્ટિકનો ડબ્બો ઘરના બાથરૂમમાંથી ખાલી હાલતમાં મળી આવ્યો હતો. 
ફરિયાદ મુજબ ચોરી થયેલા સોનાના દાગીનાની કુલ કિંમત અંદાજે ૧,૨૯,૭૦૦ થાય છે. ફરિયાદીએ શકદાર તરીકે રિક્ષાચાલક જાફરભાઈ તથા તેની સાથે આવેલા બે અજાણ્યા ઇસમોએ મળીને આ ચોરી આચરી હોવાનો શક વ્યક્ત કર્યો છે જેથી સીટી-બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application