ખંભાળિયાના બેહ ગામે પત્નીને ત્રાસ આપતા યુવાનને બે સાળાઓએ લમધાર્યો

  • November 26, 2024 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પતિ સહિત પાંચ સાસરિયાઓ સામે સ્ત્રી અત્યાચાર સહિતનો ગુનો



ખંભાળિયા તાલુકાના બેહ ગામે એક દંપતી પરિવાર વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં યુવાનના સાળાઓ દ્વારા તેમને માર મારવા તેમજ આ યુવાનના પત્ની દ્વારા સાસરિયાઓ સામે ત્રાસ ગુજારવા સહિતની જુદી જુદી ત્રણ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે.


ખંભાળિયાથી આશરે 30 કિલોમીટર દૂર બેહ ગામે રહેતા જીવાભાઈ મુરુભાઈ હરગાણી નામના 45 વર્ષના યુવાનને તેમના પત્ની સાથે ઝઘડો થયો હતો. આને અનુલક્ષીને કલ્યાણપુર તાલુકાના માળી ગામે રહેતા તેમના બે સાળાઓ માયાભાઈ કચરાભાઈ જામ તેમજ દેવાણંદભાઈ કચરાભાઈ જામ રવિવારે તેમના ઘરે આવ્યા હતા. અહીં બંને ભાઈઓ માયાભાઈ તેમજ દેવાણંદભાઈએ ફરિયાદી જીવાભાઈને કહ્યું હતું કે "અમારી બહેન સાથે કેમ ઝઘડો કરે છે?"- કેમ કહી બંને શખ્સોએ કુહાડી વડે હુમલો કર્યો હતો. જેમાં તેમને હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થવા પામી હતી. જ્યારે અન્ય સાહેદ ગોપાલભાઈ તેમજ મટુબેન અને દેવિયાભાઈને પણ ઈજાઓ થતા ફ્રેક્ચર સહિતની ઇજાઓ થતા લોહી-લુહાણ થઈ ગયા હતા અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં ખંભાળિયા પોલીસે જીવાભાઈ હરગાણીની ફરિયાદ પરથી બંને બંધુઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.


આ પૂર્વે નોંધાયેલી અન્ય એક ફરિયાદમાં બેહ ગામના જીવાબેન જીવાભાઈ હરગાણી (ઉ.વ. 46) એ તેણીના પતિ જીવાભાઈ મુરુભાઈ હરગાણી, ગોપાલભાઈ મુરુભાઈ, થારીયાભાઈ મુરુભાઈ, પ્રતાપ ગોપાલભાઈ અને દેવિયા થારીયાભાઈ સામે નોંધાવી છે. જેમાં જણાવાયા મુજબ ફરિયાદી જીવાબેન ભેંસ દોતા હતા, તે દરમિયાન આરોપી એવા તેણીના પતિએ જીવાભાઈએ કહેલ કે "તને ભેંસ દોતા આવડતું નથી"- તેમ કહી અને બોલાચાલી કરી હતી.


આ પછી તેણીએ પોતાના જેઠને રજૂઆત કરતા આ બાબતનું મનદુઃખ રાખી તમામ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચીને લાકડી, લોખંડના પાઈપ, કુહાડી, જેવા હથિયારો વડે તેમને માર મારી, ઈજાઓ પહોંચાડતા તેમને માથાના ભાગે સાત જેટલા ટાંકા આવ્યા હતા. આ સંદર્ભે ખંભાળિયા પોલીસે તમામ પાંચ સાસરિયાઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.


આ બાદ નોંધાયેલી અન્ય એક ફરિયાદમાં બેહ ગામના અજયદાન પુંજાભાઈ હરગાણી ગઈકાલે સોમવારે તેમના મોટરસાયકલ પર બેસીને ખંભાળિયા આવી રહ્યા હતા. ત્યારે માળી ગામના માયાભાઈ કચરાભાઈ જામએ તેમને મોવાણ ગામના પાટીયા પાસે અટકાવીને લાકડી બતાવીને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ ખંભાળિયા પોલીસે નોંધી છે. આ તમામ ત્રણ અલગ અલગ ફરિયાદોને અનુલક્ષીને પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application