સુરતમાં કારે એક પછી એક 5 વાહનને અડફેટે લઈ 6 લોકોને ઉડાવ્યા, સગા બે ભાઈના મોત, લગ્નપ્રસંગમાંથી આવતા હતાને કાળ ભેટ્યો

  • February 08, 2025 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના આઉટર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર ગત મોડીરાત્રે પૂરપાટ ઝડપે આવતા કારચાલકે કાર ડિવાઈડર કૂદાવીને સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક પાંચ વાહનોને અડફેટે લઈ છ લોકોને ઉડાવ્યા હતા. આ ઘટનામાં છ ઈજાગ્રસ્તમાંથી એકનું ઘટનાસ્થળે, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઘવાયેલી ચાર વ્યક્તિની સારવાર ચાલી રહી છે. બન્ને મૃતકો સગા ભાઈ છે અને મૂળ ગીર સોમનાથના વતની છે.


પ્રાપ્ત  વિગત પ્રમાણે, અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાંખરા છે અને તેનો પુત્ર કિર્તન ડાંખરા કાર ચલાવતો હતો. મૃતકના પરિજનના જણાવ્યાં મુજબ, કારમાં એક યુવતી અને ત્રણ યુવકો સવાર હતાં. કારની સ્પીડ 130થી 150 હતી અને કારમાં સવાર તમામે ડ્રિંક કરેલું હતું.


ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી ગઈ હતી. કારચાલકે સામેથી આવતા એક પછી એક કુલ પાંચ વાહનોને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પૈકી બે સગા ભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા (ઉં.વ.42) અને અશ્વિનભાઈ બાલુભાઇ સાપોલિયા (ઉં.વ.48)નું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમની સારવાર ચાલી રહી છે.



કારચાલક અકસ્માત સર્જી ફરાર
અકસ્માતમાં કારનો આગળના ભાગનો ખુરદો વળી ગયો હતો. આ સાથે જ અડફેટે આવેલા વાહનોનો પણ કડુચલો બોલી ગયો હતો. બનાવની જાણ થતા લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. બનાવને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સમયે કારમાં ચાર જેટલા યુવાનો સવાર હતા. તે પૈકી પાછળ બેસેલા એક યુવાનને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે ચાલક અને અન્ય યુવકો ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે, અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજ ડાખરા છે અને તેનો પુત્ર કિર્તન ડાખરા કાર ચલાવતો હતો.


લગ્નપ્રસંગમાંથી ઘરે પરત ફરતી વખતે રસ્તામાં કાળ ભેટ્યો
ગતરોજ  અશ્વિનભાઈ અને તેના ભાઈ કમલેશ બંને મોટા વરાછા ખાતે એક સંબંધીના લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી રાત્રિના સમયે પરત ફરી રહ્યા હતા. દરમિયાન આઉટર રીંગ રોડ પર આવેલા વાલક બ્રિજ પરથી પસાર થતા સમયે સામેથી આવતી એક કાર ડિવાઇડર કુદીને તેમની તરફ આવી હતી અને તેમને અડફેટે લઈ લીધા હતા. અશ્વિનભાઈ અને કમલેશભાઈની બાઈકને અડફેટે લેતા દૂર સુધી ફેંકાઈ ગયા હતા. અશ્વિનભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કમલેશભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત થયું હતું. આ સાથે જ અન્ય ચાર લોકોને પણ ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application