BREAKING NEWS

જામનગરમાં વણિક યુવાનની હત્યામાં સાળા સહિત બે ઝડપાયા

  • January 24, 2026 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના વંડાફળી વિસ્તારમાં વણિક યુવાનની હત્યા કરીને નાસી છૂટેલા બે હત્યારાઓને જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ, તથા સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ વિભાગની ટુકડીની મદદ મેળવીને સાપુદળ સીમ પાસેથી પકડી પાડ્યા છે, અને જામનગર લઈ આવ્યા બાદ બંન્નેની ધનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. મૃતક યુવાને લવ મેરેજ કર્યા હોય જેનું મનદુ:ખ રાખીને મૃતકના સાળા અને જુનાગઢના શખ્સે યુવાનનું ઢીમ ઢાળી દીધાનું ફરીયાદમાં જાહેર કરાયું છે.


 જામનગરના વંડા ફળી વિસ્તારમાં આદિનાથ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. ૫૦૨ માં રહેતા નીલયભાઇ અશોકભાઇ કુંડલીયા (ઉ.વ.૪૦)ની તેના સાળા મનીષ જેરામ મોરી તથા સોહીલ સલીમ સોઢાએ ગઈકાલે સવારના તેના ઘરે આવી આડેઘડ છરીના ઘા કરી હત્યા નિપજાવી ભાગી છૂટ્યા હતા.


આ બનાવ અંગે આદીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા મૃતકના માતા ઉષાબેન કુંડલીયા દ્વારા જામનગરના સાંઢીયા પુલ પાસે માધવબાગ-૧ શેરી નં. ૬માં રહેતા મનિષ જેરામ મોરી અને જુનાગઢ ભારત મીલ સકરબાગની બાજુમાં રહેતા સોહીલ સલીમ સોઢાની વિરુઘ્ધ સીટી-એ ડીવીઝનમાં ફરીયાદ કરી હતી જેમા જણાવ્યુ હતું કે ફરીયાદીના પુત્ર નિલયે છએક મહિના પહેલા પુજા મોરી સાથે લવમેરેજ કરેલ હોય તેનુ મનદુ:ખ રાખી નિલયના સાળા મનિષ અને મિત્ર સોહીલ ગઇકાલે ફરીયાદીના ઘરે આવ્યા હતા અને માથાકુટ કરી હતી પુજાને મારી સાથે મોકલી દો તેમ કહેતા પુજાબેન તેના ભાઇ સાથે જવાની ના પાડતા બંને શખ્સોએ ઉશ્કેરાઇ આડેધડ છરીઓના ઘા ઝીંકી નિલય પર જીવલેણ હુમલો કર્યો હતો. નિલયની પત્ની પુજાબેન અને ફરીયાદી વચ્ચે પડી છોડાવતા હતા જેમાં પુજાબેનને બંને હાથમાં છરીના ઘા લાગતા ઇજા પહોચી હતી દરમ્યાનમાં નિલયભાઇનું મૃત્યુ નિપજયુ હતું. 


ઉપરોકત બનાવ સંદર્ભે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ ઉપરોક્ત બન્ને આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા સૂચના આપી હતી, તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલાના માર્ગદર્શન મુજબ, જામનગર એલસીબીના પો.ઈન્સ. વી.એમ.લગારીયા અને એલસીબીના પોલીસ સ્ટાફની ટીમ તથા જામનગર સીટી એ. ડીવીઝનના પોલીસ ઇન્સ. એન.એ. ચાવડા અને તેઓની સર્વેલન્સ સ્કોડની ટીમો બનાવી બનાવવાળી જગ્યા આસપાસ ટેકનીકલ મદદથી તથા હ્યુમન સોર્સની મદદથી  તપાસ શરૂ કરાવી હતી. દરમિયાન હકીકત મળેલ કે ઉપરોકત બન્ને આરોપીઓ એ હત્યા નિપજાવ્યા બાદ મોટરસાયકલમા નાશી ગયા છે.


 જેથી તે બાઇકની મુવમેન્ટ મેળવવા કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ રૂમના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. બી.બી.સિંગલનો સપર્ક કરતાં તેઓ દ્વારા બાઇકનું ટેકનીકલ એનાલીસીસ કરાયું હતું. દરમિયાન ઉપરોક્ત બાઇકની કાલાવડ વાવડી ચોકડી આસપાસ મુવમેન્ટ જોવામાં આવી હતી. જેથી તુરતજ અલગ અલગ ટીમો કાલાવડ તરફ રવાના થઇ હતી, અને જીલ્લા ના અન્ય પો.સ્ટે. ને જાણ કરવામા આવી હતી.
​​​​​​​

 જે દરમ્યાન ઉપરોકત બન્ને આરોપીનું ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સથી જાણવા મળેલું કે, તેઓ કાલાવડ થી જામકંડોરણા સાઇડ નાશી રહ્યા છે. જેથી પોલીસ સબ ઇન્સપેકટર એમ વી.ભાટીયાની ટીમ દ્વારા તેમજ જામ કંડોરણા પોલીસની ટીમની મદદથી આરોપીઓનો પીછો કરી સાતુદડ ગામની સીમમાથી પકડી પાડી હત્યાના બંન્ને આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી લેવામાં આવ્યા છે. જેઓને જામનગર લઈ આવ્યા બાદ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરાયા છે, જ્યાં બંનેની પુછપરછ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application