કલ્યાણપુર પંથકમાં આજથી આશરે ૧૬ વર્ષ પૂર્વે જુદા જુદા બે આસામીઓએ તેમની ખેતીની જમીનમાં પરવાનગી વગર ગેરકાયદેસર રીતે બોકસાઈટનું ખનન કરતા આ પ્રકરણમાં કુલ રૂપિયા ૫.૧૪ કરોડની ખનીજ ચોરીમાં ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતે બંને આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદ તથા રોકડ દંડ ફટકારતો આ પ્રકારનો હુકમ પહેલી વખત આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણની જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામે હાલ રહેતા અને મૂળ વીરપર ગામના વતની હમીર સામતભાઈ જોગલ અને કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામના નારણ પાલાભાઈ ગાધેર નામના આસામીઓએ કલ્યાણપુર તાલુકાના વીરપર ગામે આવેલી ચોક્કસ સર્વે નંબર વાળી જમીન ખેતીના હેતુની હોય, તેમાં કોઈ ખનીજ કાઢવા અંગેની લીઝ કે પરવાનો ન હોવા છતાં બંને આરોપીઓએ અનુક્રમે આ ખેતીની જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરી અને ૬૭,૬૩૦ મેટ્રિક ટન રૂપિયા ૧.૮૯ કરોડનો જથ્થો તેમજ અન્ય આરોપીએ રૂ. ૩.૨૫ કરોડની કિંમતનો ૯૮૬૦૪ મેટ્રિક ટન બોક્સાઈટનો જથ્થો ખોદી કાઢ્યો હતો.
આ પ્રકરણમાં બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી અને ગેરકાયદેસર રીતે કુલ રૂપિયા ૫,૧૪,૭૫,૮૭૨ ની કિંમતના લાઈમ સ્ટોન તથા બોક્સાઈટ ખનીજની ચોરી કરવા સબબ પોરબંદરની જિલ્લા ખાણ ખનીજ કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પી.સી. જાદવ દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં વર્ષ ૨૦૦૯માં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે પોલીસે બંને આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ ૩૭૯, ૧૧૪ તથા માઈન્સ એન્ડ મિનરલ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ તેમજ ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ હેઠળ ધોરણસર ગુનો નોંધ્યો હતો.
આ કેસમાં તપાસનીસ અધિકારી ડી.એસ. વ્યાસ તથા બી.જી. ચાવડાએ નિવેદનો નોંધી અને જરૂરી કાર્યવાહી બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ અંગેનો કેસ ખંભાળિયાની એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા આ કેસમાં ૨૦ સાક્ષીઓની કરવામાં આવેલી તપાસ તેમજ ફરિયાદી રોયલ્ટી ઇન્સ્પેક્ટરની જુબાની તેમજ આરોપીઓની ખનીજ ચોરી અંગેના સાંકળતા પુરાવાઓ, સ્થાનિક જગ્યાએથી આરોપીઓ રૂબરૂ કરવામાં આવેલા રોજકામ તેમજ કબજે કરવામાં આવેલા મુદ્દામાલ વિગેરે સાથે અહીંના જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલોને ધ્યાને લઈ, અને એડિશનલ સેશન જજ એસ.જી. મનસુરી દ્વારા બંને આરોપીઓને તકસીરવાન ઠેરવી, ત્રણ વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા ૫૦,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.