જામનગરમાં યુવાનની હત્યા પ્રકરણમાં બે આરોપી પકડાયા

  • June 08, 2024 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રીમાન્ડ માટે તજવીજ : શકદાર મૃતકની પત્નીની પુછપરછ


જામનગરના ખોળમીલના ઢાળીયા નજીક આવાસમાં રહેતા એક યુવાનની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા નિપજાવવામાં આવી હતી, આ પ્રકરણમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને રીમાન્ડ પર લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, બીજી બાજુ મૃતકની પત્ની શંકાના દાયરામાં હોય આથી આ બનાવમાં તેની સંડોવણી છે કે કેમ એ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.


વીરસાવરકર આવાસ ભવનના ચોથા માળે રહેતા ઇકબાલ ગનીભાઇ ખુરેશી (ઉ.વ.35) નામનો યુવાન તેના ઘરે હતો ત્યારે બે શખ્સોએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ હતું, બનાવ બહાર આવતા ભારે અરેરાટી ફેલાઇ હતી, પોલીસ ટુકડી દોડી ગઇ હતી, દરમ્યાનમાં મૃતકના ભાઇ ધરારનગરમાં રહેતા ગુલામહુશેન ગનીભાઇ ખુરેશી (ઉ.વ.42) દ્વારા સીટી-બી ડીવીઝનમાં ગઇકાલે ધરારનગર-1માં રહેતા ઇમ્તીયાઝ બશીર જોખીયા અને કિશન તથા શકદાર તરીકે કરીશ્માબેન તથા તપાસમાં જે નામ ખુલે તેની સામે આઇપીસી કલમ 302, 452, 114 અને જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી.


ફરીયાદમાં જણાવ્યુ હતું કે મૃતક ઇકબાલભાઇના પત્ની શકદાર કરીશ્માબેન તથા આરોપી ઇમ્તીયાઝ વચ્ચે આડા સબંધ હોય જેની જાણ મૃતકને થઇ જતા તે નડતરપ થતા હોય જેના કારણે બનતું ન હોય અને તેણી અલગ એકલા રહેતા હોય જેનો ખાર રાખી આરોપી ઇમ્તીયાઝ અને કીશને આવાસ કોલોની ખાતેના મકાને જઇને ઇકબાલભાઇ પર છરી વડે હુમલો કરી મોત નિપજાવ્યુ હતુ અને એકબીજાને મદદગારી કરી હતી.


ફરીયાદના આધારે સીટી-બી ડીવીઝનના પીઆઇ પી.પી. ઝા, રાઇટર સલીમભાઇ, મુકેશસિંહ વિગેરે સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, દરમ્યાનમાં આરોપી ઇમ્તીયાઝ બશીર જોખીયા અને કીશન કિશોર ચૌધરીને પકડી લેવામાં આવ્યા છે, હુમલામાં વપરાયેલ હથિયાર કબ્જે કરવા સહિતની તપાસ માટે રીમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે બીજી બાજુ આ બનાવમાં શકદાર મૃતકની પત્નીની પુછપરછ ચલાવવામાં આવી રહી છે અને હત્યા પ્રકરણમાં તેણીની સંડોવણી છે કે કેમ તે જાણવા માટે પોલીસે તપાસને આ દિશામાં લંબાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application