એરિયર્સ ઝડપી જોઈએ છે તો 3 લાખનો વહીવટ કરવો પડશે...ગાયત્રી એજ્યુકેશનના ટ્રસ્ટી-કલાર્ક કાકા-ભત્રીજો 2 લાખની લાંચ લેતા ઝડપાયા

  • June 10, 2025 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોધિકા તાલુકાના પાળ ગામે આવેલા ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને ક્લાર્ક એવા કાકા- ભત્રીજાને રાજકોટના વાણીયાવાડી સ્થિત તેમના મકાને રૂપિયા બે લાખની લાંચ લેતા રાજકોટ એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લીધા હતા. સ્કૂલના નિવૃત્ત શિક્ષકને એરિયર્સના બિલની રકમ ઝડપથી ચૂકવવા માટે પ્રથમ ત્રણ લાખ માંગ્યા બાદ રૂપિયા બે લાખ નક્કી થયા હતા. જે રકમ સ્વીકારતા જ બંને એસીબીની ટ્રેપમાં ફસાયા હતા. રાત્રિના જ મોરબી એસીબીની ટીમે આરોપીના ઘરની ઝડપી લીધી હતી પરંતુ કંઇ ખાસ મળી આવ્યું ન હતું. આ અંગે વધુ તપાસ સુરેન્દ્રનગર એસીબીની ટીમ ચલાવી રહી છે.


2 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા

જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ રાજકોટ એસીબી પીઆઈ આર.આર.સોલંકી તથા તેમની ટીમે રાજકોટમાં વાણીયાવાડીમાં શેરી નંબર ૨/૧૬ ના ખૂણે આવેલા જલદિપ નામના મકાનમાં ટ્રેપ ગોઠવી લોધીકા તાલુકાના પાળ ગામે આવેલા ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ગુણવંતરાય ચુનીલાલ ખીરા (ઉ.વ 74) અને તેમના ભત્રીજા તથા આ ટ્રસ્ટમાં ક્લાર્ક ધર્મેન્દ્ર ભાનુશંકર ખીરા (ઉ.વ 55) ને રૂ. 2 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.


ફરિયાદી અગાઉ ગાયત્રી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 

એસીબીના સુત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદી અગાઉ ગાયત્રી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તેઓ નિવૃત્ત થયા બાદ તેમના મોંઘવારીના 53 ટકા મુજબ એરિયર્સ બિલની રકમ તથા રજા રોકડ રૂપાંતરની રકમ મળી કુલ રૂ. 12.15 લાખની રકમ ઝડપથી મળે તે માટે મેનેજિંગ ટ્રસ્ટી અને ક્લાર્કને મળતા તેમણે રૂ. 3 લાખનો વહીવટ કરવો પડશે તેમ કહ્યું હતું. બાદમાં રકઝકના અંતે રૂ. 2 લાખ નક્કી થયા હતા અને આ બે લાખની રકમ ઘરે આવી આપી જવા કહ્યું હતું.


એસીબીની ટીમે આરોપીના ઘરે ટ્રેપ ગોઠવી 

લાંચની આ રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. બાદમાં એસીબીની ટીમે અહીં આરોપીના ઘરે ટ્રેપ ગોઠવી મેનેજિંગ ટ્રસ્ટી ગુણવંતરાય ખીરાને રૂપિયા બે લાખની રકમ સ્વીકારતા તેના ભત્રીજા ધર્મેન્દ્ર ખીરાની હાજરીમાં ઝડપી લઇ બંને સામે ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ક્લાર્કને રૂ. 2,00,000 ની લાંચ લેતા ઝડપી લીધા બાદ રાત્રિના જ મોરબી એસીબીની ટીમ દ્વારા આરોપીના ઘરની જડતી લેવામાં આવી હતી પરંતુ કંઇ ખાસ મળી આવ્યું ન હતું. આ અંગે વધુ તપાસ સુરેન્દ્રનગર એસીબીની ટીમ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application