વેનેઝુએલા પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ગ્રીનલેન્ડ પર નજર રાખી રહ્યા છે.ટ્રમ્પે પોતાની ઈચ્છા જાહેર કરતા કહ્યું કે અમેરિકા કોઈ પણ ભોગે ગ્રીનલેન્ડ હસ્તગત કરશે, તેઓ ઇચ્છે કે ન ઇચ્છે, કારણ કે જો તેઓ આમ નહીં કરે, તો રશિયા કે ચીન ત્યાં પોતાનો પ્રભાવ વધારી શકે છે.અમે રશિયા કે ચીનને આપણા પડોશી બનવા દઈશું નહીં તેમ ટ્રમ્પએ ભાર પૂર્વક ઉમેર્યું હતું.ટ્રમ્પનું આક્રમક વલણ ફક્ત ગ્રીનલેન્ડ પૂરતું મર્યાદિત નથી. વેનેઝુએલા અંગેના તેમના અગાઉના નિવેદનો ઉપરાંત, ટ્રમ્પે મેક્સિકોમાં જમીની લશ્કરી કાર્યવાહીની પણ ધમકી આપી છે. દરમિયાન, તેમના વિદેશ સચિવ, માર્કો રુબિયોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ ક્યુબા પ્રત્યેની કડક નીતિને સમર્થન આપે છે, જેને તેમના ટીકાકારો ખૂબ જ જમણેરી એજન્ડાના ભાગ રૂપે જુએ છે.
રોઇટર્સે અગાઉ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે વ્હાઇટ હાઉસના અધિકારીઓ ગ્રીનલેન્ડના રહેવાસીઓને ડેનમાર્કથી અલગ થવા અને તેમને યુનાઇટેડ સ્ટેટ્સની નજીક લાવવા માટે આર્થિક પ્રોત્સાહનો આપવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. ગ્રીનલેન્ડના દરેક રહેવાસીને 10,000 ડોલર થી 100,000 ડોલર (ભારતીય ચલણમાં આશરે રૂ. 90 લાખ) ની એકમ રકમ ચૂકવવા માટે આંતરિક ચર્ચાઓ ચાલી રહી છે. જો કે, આ યોજના હજુ પણ તેના પ્રારંભિક તબક્કામાં છે, અને ચુકવણીના સમય અને પ્રક્રિયા અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ જોડાણ નથી, ખરીદી જ છે:માર્કો રુબિયો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ગ્રીનલેન્ડ "ખરીદવાનો" વિચાર નવો નથી, પરંતુ તાજેતરના દિવસોમાં તેના પર વધુ ગંભીર વિચારણા થઈ રહી છે. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ યુએસ કાયદા નિર્માતાઓને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગ્રીનલેન્ડને બળજબરીથી જોડવા માંગતા નથી, પરંતુ તેને ખરીદવાનો વિકલ્પ પસંદ કરે છે. જો કે, ટ્રમ્પ વહીવટીતંત્રના આ વલણનો યુરોપિયન દેશોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.
ગ્રીનલેન્ડનું વ્યૂહાત્મક મહત્વ
યુરોપ અને ઉત્તર અમેરિકા વચ્ચે સ્થિત, ગ્રીનલેન્ડ વિશ્વનો સૌથી મોટો ટાપુ છે, જે આશરે 2,166,086 ચોરસ કિલોમીટર (836,330 ચોરસ માઇલ) વિસ્તારને આવરી લે છે. આ ટાપુ હાલમાં ડેનમાર્કનો અર્ધ-સ્વાયત્ત પ્રદેશ છે. તેની વસ્તી આશરે 57,000 છે, અને આ વિસ્તાર કુદરતી સંસાધનોથી સમૃદ્ધ માનવામાં આવે છે, જે તેના વ્યૂહાત્મક અને આર્થિક મહત્વને વધુ વધારે છે.નોંધનીય છે કે, ડેનમાર્ક અને યુનાઇટેડ સ્ટેટ્સ બંને નાટો સાથી છે, ત્યારે ગ્રીનલેન્ડ અંગે વોશિંગ્ટનના તાજેતરના નિવેદનોની તીવ્ર ટીકા થઈ છે. આ સંદર્ભમાં, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પોલેન્ડ, સ્પેન, બ્રિટન અને ડેનમાર્કે મંગળવારે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગ્રીનલેન્ડનું ભવિષ્ય સંપૂર્ણપણે ગ્રીનલેન્ડ અને ડેનમાર્કનો વિશેષાધિકાર છે, અને આ બાબતમાં યુએસ હસ્તક્ષેપ અસ્વીકાર્ય છે.