ટ્રમ્પના તેવર હવે બદલાયા છે અને ચીન માટેનું તેમનું વલણ બદલ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે એપ્રિલમાં બેઇજિંગની મુલાકાત લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું આમંત્રણ સ્વીકાર્યું છે. ટ્રમ્પે આગામી વર્ષના ઉત્તરાર્ધમાં શી જિનપિંગને અમેરિકાની રાજ્ય મુલાકાત માટે આમંત્રણ પણ આપ્યું. શી જિનપિંગ સાથે ફોન પર વાતચીત કર્યાના કલાકો પછી યુએસ રાષ્ટ્રપતિએ આ જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે બંને નેતાઓએ યુક્રેન, ફેન્ટાનાઇલ અને સોયાબીન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. દક્ષિણ કોરિયાના શહેર બુસાનમાં તેમની રૂબરૂ મુલાકાતના લગભગ એક મહિના પછી આ ફોન કોલ આવ્યો.
ટ્રમ્પે જણાવ્યું કે ચીન સાથે તેમના સંબંધો ખૂબ જ મજબૂત છે. ચીને અગાઉ બંને નેતાઓની ફોન વાતચીતની જાણ કરી હતી, પરંતુ રાજ્ય મુલાકાત પર કોઈ ટિપ્પણી કરી ન હતી. જો કે, તેણે સ્વીકાર્યું કે બંને નેતાઓએ વેપાર, તાઇવાન અને યુક્રેન પર ચર્ચા કરી હતી.
તાઇવાનનું ચીનમાં કમબેક
ચીનની એજન્સી અનુસાર, શી જિનપિંગે સોમવારે ટ્રમ્પને કહ્યું હતું કે તાઇવાનનું મુખ્ય ભૂમિ ચીનમાં વાપસી એ બીજા વિશ્વયુદ્ધ પછીના આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ વાતચીત જાપાનના વડા પ્રધાન સના તાકાઇચીના તાજેતરના નિવેદનોને અનુસરે છે, જેમણે કહ્યું હતું કે જો ચીન તાઇવાન સામે લશ્કરી કાર્યવાહી કરે તો જાપાનની સેના હસ્તક્ષેપ કરી શકે છે. તાઇવાન એક સ્વ-શાસિત ટાપુ છે જેને ચીન પોતાનો દાવો કરે છે.
ચીન જાપાન સાથેના તણાવ અંગે ચિંતિત
ચીનીઓએ હંમેશા કહ્યું છે કે તેમના નેતાઓ વિનંતી પર ફોનનો જવાબ આપે છે, પરંતુ સોમવારના કોલ વિશે તેમણે આવું કહ્યું નથી. વોશિંગ્ટન સ્થિત થિંક ટેન્ક સ્ટિમસન સેન્ટરના ચાઇના પ્રોગ્રામના ડિરેક્ટર સન યુને કહ્યું કે આનો અર્થ એ છે કે ચીને ટ્રમ્પને ફોન કર્યો હતો. મારૂ અનુમાન એ છે કે ચીનને જાપાન સાથે તણાવ વધવાની ચિંતા છે. શીએ ફોન પર કહ્યું હતું કે યુદ્ધ દરમિયાન સાથે લડનારા ચીન અને અમેરિકાએ સંયુક્ત રીતે બીજા વિશ્વયુદ્ધના વિજયી પરિણામનું રક્ષણ કરવું જોઈએ.