ધ્રોળ-લતીપર હાઇવે રોડ પર કારને ટક્કર મારી નુકસાની પહોંચાડનાર ટ્રક ચાલક અને ક્લીનરને માર મારી લુંટી લેવાયા

  • February 27, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટારુઓ નો પીછો કરી રાણાવાવ માંથી ત્રણ લૂંટારોઓને રોકડ મોબાઇલ અને ટ્રક સાથે દબોચી લીધા

જામનગર જિલ્લાના ધ્રોલ-લતીપર ધોરી માર્ગ પર ગઈ રાત્રે એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા પછી કારમાં નુકસાની પહોંચાડનાર ટ્રક ચાલકને કારમાં આવેલા ત્રણ શખ્સોએ મારકુટ કરી ડ્રાઇવર અને ક્લીનર પાસેથી રોકડ અને મોબાઈલ ફોન તેમજ ટ્રક ની લુંટ  ચલાવ્યાની ઘટના બની હતી. જે મામલો ધ્રોળ પોલીસ મથક સુધી પહોંચ્યા પછી ધ્રોલ પોલીસે લૂંટારૂઓનો પીછો કર્યો હતો, અને રાણાવાવ સુધી તપાસનો દોર લંબાવી ત્રણેય લુટારુઓને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી લૂંટમાં ગયેલી રોકડ રકમ મોબાઈલ ફોન અને ટ્રક વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે.
લૂંટના આ બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લા નો રજાકખાન ઉર્ફે હાજીખાન ઉર્શાખાન પઠાણ, કે જે પોતાનો ટ્રક લઈને જામનગર જિલ્લામાં આવ્યો હતો, અને ત્યાંથી પરત નીકળીને જામનગર-ધ્રોળ હાઈવે રોડ પર લતીપર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો.
જે દરમિયાન રાત્રિના અઢી વાગ્યા ના અરસામાં એક સફેદ કલરની આઈ-૨૦ કાર સાથે ટ્રક અથડાયો હતો, અને તેના કારણે કારનો એક સાઇડનો ગ્લાસ તૂટી ગયો હતો, જ્યારે કારમાં થોડી ઘણી નુકસાની થઈ હતી.
ટ્રક ચાલકે આ અકસ્માત બાદ પોતાનો ટ્રક ઉભો રાખ્યો હોવાથી કારમાં ઉતરેલા ત્રણ શખ્સોએ ટ્રક ચાલક રજાકખાન અને તેની સાથે બેઠેલા ક્લીનર હસનખાન સાથે નુકસાની ના વળતર બાબતે ઝપાઝપી અને બળજબરી કરી હતી. નુકસાનીના વધુ પૈસાની માંગણી કર્યા બાદ મામલો બીચકયો હતો.
ત્રણેય શખ્સોએ ટ્રક ચાલકના ખિસ્સામાંથી રૂપિયા ૧,૦૦૦ ની રોકડ રકમ તેમજ ક્લીનરના ખીસ્સામાંથી ૧૦,૦૦૦ ની કિંમત નો મોબાઇલ ફોન વગેરે લુટી લીધા હતા, ત્યારબાદ ટ્રક ની ચાવી પણ ઝુંટવી લઈ ડ્રાઈવર-ક્લીનર ને નીચે ઉતારી દીધા હતા, અને ટ્રકની પણ લૂંટ ચલાવી ત્રણેય લૂંટારુઓ ભાગી છૂટયા હતા.
મોડી રાત્રે ૨.૩૦ વાગ્યાના અરસામાં આ ઘટના બન્યા બાદ સમગ્ર મામલો ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જેથી ધ્રોલ પોલીસે તાબડતોબ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, અને લૂંટારુઓ નો પીછો કર્યો હતો. છેક રાણાવાવ સુધી તપાસનો દોર લંબાવ્યા પછી ટ્રકની લૂંટ ચલાવનાર ત્રણેય લૂંટારુઓને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રોકડ રકમ મોબાઈલ ફોન તેમજ લુંટી લેવાયેલો ટ્રક વગેરે કબજે કરી લેવામાં આવ્યા છે, અને ધ્રોલ પોલીસ મથકે લઈ આવ્યા પછી ત્રણેયની વિશેષ પૂછપરછ હાથ ધરી છે.
ધ્રોળ પોલીસે ત્રણેય લૂંટારુઓ પોરબંદર જિલ્લાના બોખીરા ગામના લખમણ દેવાભાઈ ગરેજા મેર (ઉંમર વર્ષ ૨૯), રાતડી ગામના રમેશ રાજાભાઈ કેશવાલા (ઉ.વ.૩૯) ધંધો ડ્રાઇવિંગ, તેમજ પોરબંદર જિલ્લાના કુણવદર ગામના નાગાજણ કેસુભાઈ ગોરાણીયા મેર (ઉં.વ.૨૩) ની લુંટના ગુનામાં અટકાયત કરી લીધા પછી ત્રણેયની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application