રાજકોટમાં વાહન ચોરી અને જામગનરમાં ચિલઝડપ કરનાર ત્રિપુટી ઝડપી લેવાઇ

  • May 12, 2025 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના રેલનગર વિસ્તારમાંથી નાસતા સ્કોવર્ડ ઝોન-૨ અને એલસીબી ઝોન-૨ ની ટીમે ત્રિપુટીને ઝડપી લીધી હતી. જેમની પુછપરછમાં જામનગરના ચિલઝડપ તથા રાજકોટમાં થયેલી બે વાહન ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો છે.આરોપીઓ પ્ર.નગર અને કુવાડવાના અપહરણ તથા રાયોટીંગ મળી ચાર ગુનામાં નાસતા ફરતા હતાં.પોલીસે ત્રિપુટી પાસેથી રૂ.1.85 લાખની કિંમતના બે વાહનો કબજે કર્યા છે.

શહેરમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના બનાવોનો ભેદ ઉકેલવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સૂચના હેઠળ ડીસીપી જોઝ-૨ જગદીશ બાંગરવાના માર્ગદર્શનમાં નાસતા ફરતા સ્કોવર્ડના પીએસઆઇ આર.આર.કોઠીયા, એલસીબી ઝોન-૨ ના ઇન્ચાર્જ પીએસઆઇ જે.વી. ગોહિલ તથા ટીમ પેટ્રોલિંગમાં હતી.

દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના રેલનગર મેઈન રોડ પર વછરાજ ગૌશાળા પાસે ચોરાઉ વાહન સાથે ત્રિપુટીને ઝડપી લીધી હતી. જેના નામ અજય માનસિંગભાઈ પરસોંડા (ઉ.વ 24 રહે. ચોટીલા), સંજય ચતુરભાઈ સોલંકી (ઉ.વ 23 રહે. પીપળીયા તા. રાજકોટ) અને જયપાલ રમેશભાઈ જોગડીયા (ઉ.વ 20 રહે. નાગલપર, રાજકોટ) નો સમાવેશ થાય છે.પોલીસે આરોપીઓ પાસેથી નંબર પ્લેટ વગરનું બાઈક અને સ્કૂટર સહિત 1.85 લાખના મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની પૂછતાછમાં આરોપીઓએ સવા લાખની કિંમતનું સ્પોર્ટસ બાઇક કાલાવડ રોડના વિસ્તારમાંથી ચોરી કર્યું હતું જયારે એકસેસ રેસકોર્ષ પાસેથી ઉઠાવ્યું હતું. તેમજ રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશન અને જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.

આરોપીઓ સામે રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં મારામારી, કુવાડવા પોલીસ સ્ટેશનમાં રાયોટ સહિત ચાર ગુના નોંધાયા હોય જે ગુનામાં આરોપીઓ નાસતા ફરતા હતા. જેને ઝડપી લેવામાં આવ્યા છે.

આરોપી સામે લુંટ સહિતના ગુના

આરોપીઓ પૈકી અજય પરસોંડા સામે રાજકોટના પ્ર.નગર, ગાંધીગ્રામ, આજીડેમ, ભક્તિનગર તથા જામનગર સિટી એ ડિવિઝન, મોરબી સિટી સહિતના પોલીસ સ્ટેશનમાં મળી લૂંટ, મારામારી, ચોરી, જાહેરનામા ભંગ સહિત કુલ 11 ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપી ચતુર સોલંકી સામે કુવાડવા પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application