BREAKING NEWS

અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ પૂર્ણ, ઘટનાસ્થળે મરસીયા ગવાયા, રૂપાણીનાં પુત્રીએ પિતાની સ્મૃતિમાં વૃક્ષારોપણ કર્યું

  • June 12, 2026 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ભયાવહ વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એઆઇ171 ફ્લાઈટનું પ્લેન સિવિલ હોસ્પિટલની મેસ પર ક્રેશ થયું હતું, જેમાં ૨૬૦થી વધુ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આજે આ કાળઝાળ ઘટનાની પ્રથમ વરસી પર ઘટનાસ્થળ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ વીતી ગયું હોવા છતાં, આજે પણ ઘટનાસ્થળે પ્લેન ક્રેશના અવશેષો અકબંધ જોવા મળી રહ્યા છે, જે તે દિવસની ભયાનકતાની યાદ અપાવે છે. આ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું. આજે વિજયભાઈનાં પુત્રી રાધિકા ઘટનાસ્થળે આવી પિતા સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી પિતાની સ્મૃતિમાં વૃક્ષારોપણ કર્યું હતું.

શ્રદ્ધાંજલિ આપવા માટે સવારથી જ મૃતકોના સ્વજનો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્રિત થવા લાગ્યા હતા. શાહીબાગ ઘોડા કેમ્પ રોડ પર રહેતા અને આ જ સાઇટ નજીક ચાની કીટલી ચલાવતા સીતાબેન પટણીનો 15 વર્ષનો માસૂમ પુત્ર આકાશ પટણી પણ આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ પામ્યો હતો. આજે એક વર્ષ બાદ પણ તેની માતા અને પરિવારજનો ઘટનાસ્થળે પિતા-પુત્ર અને અન્ય સભ્યોને યાદ કરીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા અને વિલાપ કર્યો હતો. ઘટનાસ્થળે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.


આ ભયાનક અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું હતું. આજે તેમની પુત્રી રાધિકાએ પ્લેન ક્રેશ સાઇટની મુલાકાત લીધી હતી. તેમણે તેમના પિતા વિજય રૂપાણી સહિત તમામ ૨૬૦ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને ઘટનાસ્થળે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ મુલાકાત દરમિયાન રાધિકા રૂપાણીએ પિતા અને અન્ય દિવંગતોની સ્મૃતિમાં ત્યાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.


દુર્ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે બી.જે. મેડિકલ કોલેજ ખાતે પણ એક વિશેષ શ્રદ્ધાંજલિ સભા અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને રાધિકા રૂપાણીએ જણાવ્યું હતું કે, અમે આ અત્યંત ગોઝારી અને પીડાદાયક દુર્ઘટનાને નજીકથી અનુભવી છે. આજે અમે પપ્પા સહિત તમામ ૨૬૦ લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પપ્પાએ જે લોકસેવાના કાર્યો અધૂરા મૂક્યા હતા, તેને હવે સમાજના લોકો અને અમે સાથે મળીને આગળ ધપાવીશું. લોકો આજે પણ પપ્પાને આટલા પ્રેમથી યાદ કરે છે તેનો અમને ગર્વ છે. ગુજરાતને પ્રગતિના પંથે આગળ લઈ જવાનું તેમનું સ્વપ્ન અમે પૂરું કરીશું. આ પ્રસંગે બી.જે. મેડિકલમાં બે મિનિટનું મૌન પાળીને મૃતકો આદરપૂર્વક નમન કરવામાં આવ્યા હતા.​​​​​​​


પુત્રને શ્રદ્ધાંજલિ આપવા લંડનથી માતા-પિતા આવ્યા

આ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ હોવાથી લંડનના પણ અનેક મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા. બ્રિટનથી ખાસ પોતાના પુત્ર ફ્યોંગલેને શ્રદ્ધાંજલિ આપવા માટે તેના માતા-પિતા અમદાવાદ આવી પહોંચ્યા હતા અને ક્રેશ સાઇટ પર પુત્રને યાદ કરીને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. આ કરુણ પ્રસંગે બ્રિટિશ હાઇ કમિશનર મિસિસ લિન્ડી કેમેરોને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સાંજ પડ્યે અહીં આધ્યાત્મિક માહોલ વચ્ચે દિવંગત આત્માઓની શાંતિ માટે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું છે, જેમાં પ્રખ્યાત ગાયક હેમંત ચૌહાણ, હિમાંશુ ચૌહાણ, મયુર દવે અને રણજિત વાંક જેવા કલાકારો ઉપસ્થિત રહીને મૃતકોના આત્માની શાંતિ માટે સ્વરાંજલિ આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application