જામનગરના નામીચા શખ્સ સહિત ત્રણ સામે ફરીયાદ: કોન્ટ્રાકટમાં ટ્રકો ભાડા પેટે રખાવી દેવા ભરોસો આપી હાથ ઉંચા કર્યા
પોરબંદરના ફટાણા ગામના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને કોન્ટ્રાકમાં વાહનો રાખવા અને ભાડા પેટે રુપીયા આપવાનો વિશ્ર્વાસ દઇને તેમજ હોડી ટગના ધંધામાં આપેલ ૧૫ લાખ પરત નહી આપીને છેતરપીંડી કર્યાની જામનગરના નામીચા શખ્સ સહિતની ત્રિપુટી સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસ દ્વારા તપાસની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.
પોરબંદરના ફટાણા ગામ ગૌશાળાની બાજુમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ગાંગાભાઇ ઠેબાભાઇ કોડીયાતર (ઉ.વ.૩૪) એ ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં જામનગરના રજાક ઉર્ફે સોપારી દાઉદ ચાવડા તથા અમીન નોતીયાર અને રામ ભીમશી નંદાણીયા આ ત્રણેયની વિરુઘ્ધ આઇપીસી કલમ ૪૦૬,૪૦૭, ૪૨૦, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવી છે.
આરોપીઓએ ૨૦૨૩માં ફરીયાદીને તેઓના મોટા મોટા કોન્ટ્રાકટો ચાલે છે અને તમારા ટ્રકો તે કોન્ટ્રાકટમાં રાખી દઇશ, તમોને ભાડા પડે દરેક ટ્રકે એક લાખ રુપીયા અપાવીશ અને ટ્રકોનો તમામ મેઇન્ટેનન્સનો પણ ખર્ચો કરાવી આપશું તેવો વિશ્ર્વાસ આપ્યો હતો.
દરમ્યાન ફરીયાદી ગાંગાભાઇના કુલ ૧૨ ટ્રકો પૈકી ૩ ટકો જેના નં. જીજે-૨૫-યુ-૫૯૩૩, જીજે-૩૬-એકસ-૮૧૩૨ તથા જીજે-૩૬-એકસ-૮૧૨૩ તેમજ એક સ્કોર્પીયો ગાડી નં. જીજે-૨૫-એએ-૯૧૮૪ની પરત નહી આપી તેની સાથે હોડી (ટગ) ના ધંધામાં આપેલ ૧૫ લાખની અવારનવાર ઉઘરાણી તેઓ પાસેથી કરતા આરોપીઓએ ઉપરોકત ટ્રકો કે નકકી કરેલ ભાડાની રકમ તેમજ ટગના ધંધામાં આપેલ રોકડા ૧૫ લાખ પરત નહી આપી ફરીયાદી સાથે વિશ્ર્વાસઘાત-છેતરપીંડી કરી હતી.
સને ૨૦૨૩ના ૭ કે ૮માં મહિનામાં સમર્પણ નુર બ્રધર્સની ઓફીસ જામનગર ખાતે બનાવ બન્યો હતો અને ગઇકાલે મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો જયાં ઉપરોકત વિગતોના આધારે છેતરપીંડી કર્યાની ત્રણેય સામે વિધીવત ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ સીટી-સી પીઆઇ ડાભીની સુચનાથી પીએસઆઇ બરબસીયા ચલાવી રહયા છે.