ખંભાળિયામાં પોલીસ કર્મી દ્વારા પત્નીને ત્રાસ: પીધેલી હાલતમાં તેની અટકાયત

  • July 24, 2021 10:42 AM 

પોલીસ બેડામાં ચકચાર

    ખંભાળિયાના જિલ્લા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી દ્વારા પોતાની પત્નીને માર મારવામાં આવ્યો હોવા અંગેની ધોરણસર ફરિયાદ બાદ પોલીસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોલીસ કર્મચારી કેફી પીણું પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશનમાંથી ઝડપાઈ ગયો હતો.

     આ સમગ્ર બનાવની વિગત મુજબ ખંભાળિયામાં રહેતા અને જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા પિયુષભાઈ રસિકભાઈ બગડાઈ નામના પોલીસ કર્મચારીના પત્ની શિલ્પાબેન બગડાઈ (ઉ.વ. 29, રહે. યોગેશ્વરનગર, ખંભાળિયા) એ ગતરાત્રીના આશરે અગિયાર વાગ્યે તેમના પોલીસ કર્મચારી એવા પતિ પિયુષભાઈને જમવા માટે બોલાવતા તેઓ ફોન ઉપર વાત કરી રહ્યા હતા. જેથી શિલ્પાબેને તેઓ કોની સાથે વાત કરે છે?- તેમ પૂછતા પિયુષભાઈ ઉશ્કેરાઇ ગયા હતા અને પોતાના પત્ની શિલ્પાબેનને બેફામ માર મારી, હાથ-પગમાં ઈજાઓ પહોંચાડી હતી.

   આ બનાવ અંગે શિલ્પાબેનની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ગત રાત્રીના પિયુષ બગડાઈ સામે આઈ.પી.સી. કલમ 323 તથા 504 મુજબ ગુનો નોંધ્યો હતો.

    આ ગુનો નોંધાયા બાદ ગતરાત્રીના અહીંના પી.આઈ. વી.વી. વાગડિયા તથા સ્ટાફ દ્વારા પેટ્રોલીંગની કામગીરી કરવામાં આવી રહી હતી, તે દરમિયાન એ.એસ.આઈ. પિયુષભાઈને આ બનાવની જાણ કરાતા તેઓ રાત્રીના આશરે સવા બે વાગ્યે અહીંના મુખ્ય પોલીસ મથકે પહોંચ્યા હતા.

    પોલીસ મથકે આવેલા ઉપરોક્ત પોલીસ કર્મી કેફી પીણું પીધેલી હાલતમાં હોવાનું સ્થળ પરના પોલીસ કર્મચારીઓના ધ્યાને આવ્યું હતું. આથી પોલીસ હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ દેવશીભાઈ કરમુરની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ મથકમાં એ.એસ.આઈ. પિયુષ બગડાઈ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની અટકાયત કરવામાં આવી હતી.

    આ બનાવ અંગે પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા દ્વારા ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવે પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS