આજે ‘બમ બમ ભોલે’ના નાદ સાથે સાધુઓ ગુંજાવશે ભવનાથની તળેટી, મધરાતે રવેડીમાં માનવ મહેરામણ ઉમટશે

  • February 26, 2025 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૪ દિવસ સુધી ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રીનો મેળો આજે અંતિમ ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ તળેટીમાં બમ બમ ભોલે, જય ભવનાથ, જય ગિરનારીના નાદ સાથે  લાખો ભાવિકોનો સુર ગુંજી ઉઠયો છે. મેળામાં સૌથી વઘુ આકર્ષણનું કેન્દ્ર એવા વિવિધ અખાડાઓની આગેવાની હેઠળ યોજાનારા ભવ્ય રવેડી સરઘસ જોવા પાંચ કિલોમીટરની પદયાત્રા કરી પહોંચી રહ્યા છે. ગૃહમંત્રી  હર્ષ સંઘવી બપોરે મહાશિવરાત્રીના મેળામાં પહોંચશે. ભવનાથ ખાતે દર્શન કરશે અને સાધુ સંતો અને આશ્રમોની મુલાકાતલેશે.


ગૃહ મંત્રી બપોરનાં ૩ કલાકે ભવનાથ મંદિર ખાતે દર્શન-પૂજા અને હરીગીરી મહારાજ સાથે શુભેચ્છા મુલાકાત કરશે. ત્યાર બાદ આહવાન અખાડાની મુલાકાત, મુકતાનંદબાપુ ,ગોરખનાથ આશ્રમ ખાતે શેરનાથ બાપુ સાથે, અવધુત આશ્રમ ખાતે મહાદેવગીરી બાપુ સાથે, વક્રા પાર્થેશ્વર  મહાદેવ મંદિર ખાતે , મહેશગીરી બાપુ સાથે, ભારતી આશ્રમ ખાતે હરીહરાનદં બાપુ સાથે, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે  ઈન્દ્રભારતી બાપુ, પારસધામ ખાતે નમ્રમુની મહારાજ સાથે શુભેચ્છા મુલાકાત અને હોટલ આસોપાલવ પાસે  કિર્તીદાન ગઢવી સંચાલિત શિવોત્સવ અન્નક્ષેત્રની મુલાકાત પણ કરશે.


ભવનાથના મેળામાં ગિર તળેટીમાં ભકતોનો ભાવિકોનું ઘોડાપુર હોય જ્યાં નજર કરો ત્યાં માનવ મહેરામણ ઉમટી પડું છે. આજે સવારથી જ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. સવારથી ભરડાવાવ પાસેથી જ તમામ વાહન વ્યવહાર બધં કરી દેવામાં આવતા લોકો ચાલીને ભવનાથ તળેટી તરફ પહોંચ્યા હતા. બપોર સુધી શિવજીની પૂજા તથા ફરાળ ભાંગ લઈ ભાવિકોએ ભોજન લીધા હતા. મેળાનું મુખ્ય ખાસ આકર્ષણ નાગા બાવા અને સરઘસ રવેડીમાં ૩૦થી વધુ બગીઓમાં વિવિધ અખાડાના મહામંડલેશ્વર ધર્મ ધજા સાથે ભવનાથ વિસ્તારમાં ફરશે. અખાડાઓની પાછળ મહાશિવરાત્રીના મેળાનું ખાસ આકર્ષણ અખાડાઓની રવેડી અને દિગંબર સાધુઓના હેરત ભર્યા કસરત પ્રયોગો છે,મેળામાં હાજર રહેલા લાખો લોકો આ ભવ્ય સરઘસમાં સાધુ સંતોના દર્શન કરી ધન્યતા અનુભવે છે. રવેડીનું સરઘસ જોવા માટે મુખ્ય રસ્તાની બંને બાજુએ ભાવિકો બપોરથી જ ગોઠવાઈ જાય છે અને રાત્રીના રવેડી  સંતો મહંતોના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવે છે. ભવનાથ મંદિરેથી જુના અખાડા થઈ તળેટીના બે કિલોમીટરના માર્ગ પર અખાડાઓની ધજા અને મહામંડલેશ્વરોની આગેવાનીમાં અનુયાયીઓ અને સેવકો હર્ષભેર રવેડીમાં ભાગ લે છે.

અત્યારે ભવનાથ તીર્થક્ષેત્ર જાણે શિવ શંભુનું કૈલાશધામ બની ગયુ હોય એવો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાત્રે જટાધારી, ભભૂતધારી, દિગંબર, અતિ પુરાતન સાધુઓ તો કોઈ ઉગતી અવસ્થાવાળા તો કોઈ વડવાઈની આંટીઓ જેવી પગની ઘૂંટણ સુધી પહોંચે તેવા જટાધારી, લાલઘૂમ આંખોવાળા સંન્યાસીઓ હર હર મહાદેવ, બમ બમ ભોલેના જય ઘોષ સાથે વિશાળ સરઘસ રૂપે દશનામ અખાડાથી ભવ્ય શંખનાદ, હાથમાં તલવારો, ઢાલની પટ્ટાબાજી તથા લાઠીઓ અને અંગ કસરતના હેરતભર્યા પ્રયોગો સાથે ધજા અને પાલખીઓ નીકળે છે. શાહી સવારીમાં પ્રથમ પંચ દસનામ અખાડાની ગુરૂ દત્તાત્રેય ભગવાનની પાલખી બાદ, અભાવ અખાડાની ગણપતિજીની પાલખી, અગ્નિ અખાડાના ગાદીપતિની પાલખી ત્યારબાદ અગ્નિ અખાડાની ગાયત્રીજીની પાલખી પછી જુદા જુદા અખાડાના સાધુ સંતો સંન્યાસીઓ ધર્મ ધજા સાથે ધામધૂમ પૂર્વક ભવનાથ તળેટીની રવેડીના રુટ પર ફરે છે. કિન્નરોના મહામંડલેશ્વરો પણ દર્શન અર્થે રવેડીમાં જોડાય છે. રવેડીના રુટમાં લોકોને દર્શન આપ્યા બાદ મધરાત્રીએ મૃગીકુંડમાં હર હર મહાદેવ ,જય જય શંભુ, બમ બમ ભોલે અને ઓમ નમ: શિવાયના પડઘા ગીરીવર ગિરનારની કોતરોમાં અંકાઈને સંભળાવા લાગે છે. સંતો મહંતો અને દિગંબર સાધુઓ સાથેની રવેડી પ્રાચીન પરંપરા ઉજાગર કરે છે રવેડી તળેટી વિસ્તારમાંથી ભાવિકોને દર્શન આપ્યા બાદ દિગંબર સાધુઓ ભવનાથ મંદિરમાં આવેલ પ્રાચીન મૃગીકુંડમાં સ્નાન કરે છે.


અહીં એવી એક માન્યતા પ્રવર્તે છે કે મૃગીકુંડમાં સ્નાન કરવા માટે ખુદ ભગવાન શંકર નાગાબાવાના સ્વરૂપે સ્નાન કરવા આવે છે અને પ્રથમ સ્નાન શિવજી કરે છે. કોઈ અલૌકિક આત્મા દર્શન કરી શકે છે. મૃગીકુંડમાં સ્નાન કરીને  સાધુ–સંતો કયાં અલોપ થઇ જાય છે તેનું રહસ્ય આજદિન સુધી કોઇ મેળવી શકયું નથી અને મેળવી શકશે પણ નહીં એવો ભાવિકોમાં અતૂટ વિશ્વાસ છે. નાગાબાવાઓ સાધુ–સંતો શિવરાત્રિની રાત્રે મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ ભાવિકો ભવનાથ મહાદેવના દર્શન કરે છે અને રાત્રે મહાઆરતી બાદ  મહાશિવરાત્રિના મેળાની પૂર્ણાહુતિ થાય છે. કેટલાક યાત્રાળુઓ મૃગીકુંડના જળને ચરણામૃત માની આચમન કરે છે અને ભભૂતિને માથે ચડાવે છે. મહાશિવરાત્રીનો મેળો અને નાગા બાવા સાધુ સંતોનું સરઘસ જોવુ અનેરો લ્હાવો છે. જેને જોયું છે તે કયારેય ભૂલી શકયા નથી અને તે જિંદગીનું અલૌકિક સંભારણું બની જાય છે.


પ્રસાદમાં ફરાળી વાનગીઓ થકી હરિહરનો સાદ

આજે શિવરાત્રીના દિવસે તળેટી વિસ્તારમાં કાર્યરત અન્ન ક્ષેત્રો ઉતારા દ્વારા સવારથી જ ફરાળી ચેવડો, વેફર, ફરાળી ભુંગળા, સુકીભાજી, બટેટાનું શાક, ફરાળી થેપલા, રાજગરાની પુરી, શકરીયાનું શાક, બટેટાની ચિપ્સ, ફરાળી ઢોકળા, ગુલાબ જાંબુ, દુધીનો હલવો, માંડવી પાક, મીઠાઈઓ, દહીંનું ઘોરવું, પેટીસ, વડા સહિતની વાનગીઓ ફરાળમાં અપાયા હતા.


મૃગી કુંડ–રવેડીના રૂટ પર ગુલાબની પાંદડી પાથરી સંતોનું સ્વાગત કરાશે


મહાશિવરાત્રીના મેળામાં આજે અંતિમ દિવસે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના પૂર્વ વિજેતા સાગર કટારીયા દ્વારા ૧૨૦૦ કિલો ગુલાબની પાંદડીઓ ,સાધુ સંતોની રવેડીના રૂટ પર પાથરી અને મૃગી કુંડને ગુલાબની પાંખડીઓથી અનેરો શણગાર કરી દિગંબર સાધુઓને આવકારવામાં આવશે તેમજ વિવિધ જગ્યાએ ફૂલોની રંગોળી  કરવામાં આવશે.


શાહી સ્નાન વખતે ડૂબવાની ઘટના ન બને તે માટે તત્રં એલર્ટ


જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળામાં દિગંબર સાધુઓના મૃગીકુંડના સ્નાન સમયે પાણીમાં ડૂબવાની ઘટના ન બને તે માટે ફાયર વિભાગના ૫ તરવૈયાઓ, લાઈફ જેકેટ ,દોરડા, રીંગ સહિતના સાધનો સાથે ખડેપગે રહેશે. ગત વર્ષે સ્નાન દરમિયાન ૧૨ નાગા સાધુઓ, સાધ્વીઓ તથા દર્શનાર્થી મળી ૧૭ના પાણીમાં ડૂબવાની ઘટના બની હતી. જેને ફાયર વિભાગની ટીમે ડુબતા બચાવ્યા હતા. આ વર્ષે પણ જૂનાગઢ ફાયર ઓફિસર દિપક જાનીના માર્ગદર્શન હેઠળ મૃગીકુંડ ખાતે ફાયરની ટીમ સ્ટેન્ડ બાય રહેશે. દિગંબર સાધુઓ પાણીમાં ડૂબે નહીં તે માટે મહિલા સહિતના ૭ તરવૈયાઓ, લાઈફ જેકેટ, રીંગ અને દોરડા સહિતની ચીજો સાથે મૃગીકુંડમાં ખડેપગે રહેશે.


એસટી બસ સ્ટેન્ડમાં ભાવિકોની કતારો

ભવનાથ જવા એસટી બસ સ્ટેન્ડમાં સવારથી જ ભાવિકોની કતારો જોવા મળતી હતી. બસ સ્ટેન્ડમાં જાણે કે એક જ રુટની બસ હોય તેમ ભવનાથ જવા માટે માનવ મેદની ઉમટી પડી હતી. ખીચોખીચ મુસાફરોથી ભરેલી બસમાં પણ જય ભવનાથના નાદ સાથે લોકો આનદં સાથે મુસાફરી માણતા જોવા મળી રહ્યા હતા.


હજારો લિટર દૂધમાં સૂકામેવા મિશ્રિત શિવજીની પ્રસાદીરૂપે ભાંગનું રસપાન


મહાશિવરાત્રીના દિવસે વિવિધ આશ્રમ ઉતારાઓ, મંદિરો અને અન્ન ક્ષેત્રોમાં શિવજીની પ્રસાદી રૂપે ભાંગનું રસપાન પણ કરાવવામાં આવ્યું હતું. જૂનાગઢમાં તળેટી તથા શહેરના વિવિધ દેવ મંદિરમાં મોટા તપેલાઓમાં હજારો લિટર દૂધમાં વરીયાળી, ખાંડ, કાજુ-બદામ, એલચી, કેસર, પિસ્તા, દ્રાક્ષ, ગુલકંદ, સાકર અને અન્ય સૂકોમેવો ભેળવી ભાંગ બનાવવામાં આવી હતી. દૂધ અને સુકા મેવા મિશ્રિત ભાંગમાં બરફ નાખી ઠંડી કરી ઠંડાઈની પ્રસાદી રૂપે મંદિરોમાં અને ઉતારાઓમાં શ્રદ્ધાળુઓને પીરસવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application