આજે ૨૨ માર્ચ - વિશ્વ જળ દિવસ
વિશ્વ જળ દિવસની ઉજવણી સૌપ્રથમ 1993માં સંયુક્ત રાષ્ટ્ર (United Nations) દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ પાણીના મહત્વ અને તેના ટકાઉ ઉપયોગ વિશે જાગૃતિ લાવવાનો હતો .આ દિવસ આપણને પાણીના મહત્વની યાદ અપાવે છે અને તેના સંરક્ષણ માટેની જવાબદારી સમજાવે છે.
ગુજરાત અને સૌરાષ્ટ્રની જળ સમસ્યા:
"જળ એ જ જીવન છે"આ વાક્ય આપણને સૌ જાણીતું છે.તેમ છતાં,ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર દર વર્ષે પાણીની ગંભીર તંગીનો સામનો કરે છે.ઓછા વરસાદ, અનિયમિત મોનસૂન અને ભૂગર્ભ જળનું ઘટતું સ્તર આ સમસ્યાના મુખ્ય કારણો છે. ઉનાળામાં ઘણા ગામોમાં પીવાનું પાણી પણ મુશ્કેલ બની જાય છે,જ્યારે ખેતી અને ઉધોગો માટે પાણીની માંગ સતત વધતી જાય છે.ભૂગર્ભ જળનો અતિરેકથી ઉપયોગ થવાને કારણે જળસ્તર સતત નીચે જઈ રહ્યું છે,જે ભવિષ્યમાં પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે.
જળ સંચય અને સંગ્રહ એકમાત્ર ઉકેલ:
જળ સમસ્યાનો ઉકેલ માત્ર જળ સંચય અને સંગ્રહમાં જ છે.વરસાદી પાણીને સંગ્રહ કરીને તેનો યોગ્ય ઉપયોગ કરવો એ જલ સંચયનું મુખ્ય તત્ત્વ છે. સામાન્ય રીતે વરસાદનું પાણી રસ્તાઓ અને નદીઓ મારફતે વહેવા દઈને સમુદ્રમાં ભળી જાય છે. જો આપણે આ પાણી સંગ્રહ કરી શકીએ, તો ઉનાળામાં તેનો ઉપયોગ સિંચાઈ અને પીવા માટે કરી શકીએ.
રાજ્ય સરકારના પ્રયત્નો:
સૌરાષ્ટ્રમાં જળ સમસ્યાના ઉકેલ માટે રાજ્ય સરકારે પણ અનેક પગલાં લીધાં છે. 'સૌની યોજના' એ તેમાં મહત્વપૂર્ણ છે, જે હેઠળ નર્મદા નદીનું પાણી સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયોમાં પહોંચાડવામાં આવ્યું છે, જેનાથી ૯૭૦ જેટલા ગામો અને અઢી લાખ એકર જમીનને સિંચાઈનો લાભ મળ્યો છે.સરદાર સરોવર ડેમથી પણ ગુજરાતના ઘણા શુષ્ક વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવ્યું છે.
જાગૃતિ અને જવાબદારી:
પરંતુ, આપણે ક્યાં સુધી નર્મદા અને સરકાર પર આધાર રાખીશું? પાણી બચાવવી માત્ર સરકારની જ નહીં, પણ દરેક નાગરિકની જવાબદારી છે. આ જ જવાબદારીના ભાગરૂપે નવાનગર નેચર કલબ દ્વારા વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજ ખાતે પાણી બચાવો અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ગુજરાતના જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી ડૉ. હેમાંગ પારેખ તથા શરદ શેઠ દ્વારા વરસાદી પાણી સંગ્રહ, બચત અને પાણીના બિનજરૂરી વેડફાટ અંગે માહિતી આપવામાં આવી હતી.
વ્યક્તિગત પ્રયાસોની મોટી અસર:
જળ સંરક્ષણ માટે હંમેશાં મોટા પ્રયત્નો જ જરૂરી નથી, નાના-નાના પગલાં પણ મોટા ફેરફાર લાવી શકે છે. ઘરમાં પાણીનો બગાડ અટકાવવો, વરસાદી પાણીને ટાંકીમાં સંગ્રહ કરવો, વૃક્ષો વાવવું અને પાણીનો પુનઃઉપયોગ કરવો એ સામાન્ય પગલાં દ્વારા પણ આપણે ભવિષ્યમાં મોટી સમસ્યાઓ ટાળી શકીએ. ડૉ. હેમાંગ પારેખએ જણાવ્યું કે, જો આપણે આજે પાણી બચાવશું,તો આવનારી પેઢી માટે પાણીનું સંકટ ઘટી શકે છે.
સંકલ્પ અને સંકલ્પન:
આપણે બધા જાણીએ છીએ કે પાણી વિના જીવન અસંભવ છે. ગુજરાત અને સૌરાષ્ટ્રની જળ સમસ્યા આપણને એક પડકાર તો આપે જ છે, પરંતુ સાથે સાથે તેનો ઉકેલ શોધવાની પ્રેરણા પણ આપે છે.ચાલો,આ વિશ્વ જળ દિવસે સંકલ્પ લઈએ કે આપણે પાણીનું મૂલ્ય સમજીશું, ઈશ્વરે વરસાદ રૂપે આપેલા આ અમૃતનો સંગ્રહ કરીશું અને તેની બચત કરીશું. "જળ એ જ જીવન છે" એ સૂત્રને સાકાર કરવાનો પ્રયાસ કરીશું, તેવું શરદ શેઠ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
નવાનગર નેચર કલબના પ્રયાસો:
જામનગરની નવાનગર નેચર કલબ છેલ્લા સત્તર વર્ષોથી વરસાદી પાણીના સંચય માટે ચેકડેમ,બોરવેલ રિચાર્જ અને તળાવોનું નિર્માણ કરવા ઝુંબેશ ચલાવી રહી છે.શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કુવા અને બોરવેલ રિચાર્જ પદ્ધતિની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ દ્વારા હજારો ઘરો અને જમીન પર પાણીની સુલભતા રહે છે.બોર રિચાર્જ પદ્ધતિ અપનાવવાથી બીજા જ વર્ષે પાણીનું સ્તર ઊંચું આવે છે તદુપરાંત પાણીની ગુણવત્તામાં પણ સુધારો થાય છે.એમ સંસ્થાના પ્રમુખ શ્રી વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું.