ગૌવંશને બચાવવા સરકાર સબસીડી વધારીને રૂ. 100 કરે: હાલારવાસીઓની દર્દભરી ઉગ્ર માંગ

  • July 15, 2024 10:32 AM 

હિન્દુ સનાતન ધર્મ માટે અનિવાર્ય: આરાધનાધામમાં ગૌસેવકો, પશુપાલકોની ખાસ બેઠક યોજાઈ


ખંભાળિયા નજીક આવેલા આરાધનાધામ પાંજરાપોળ ખાતે તાજેતરમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગૌશાળા તેમજ પાંજરાપોળોના સંચાલકોનું એક સંમેલન યોજાયું હતું. ગૌવંશ માટે સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડીમાં વધારો કરવાની માંગ કરાઈ હતી.


વિશ્વવિખ્યાત હાલાર તીર્થ- આરાધનાધામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ - રાજકોટ દ્વારા જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગૌશાળા સંચાલકોનું મહત્વનું સંમેલન યોજવામાં આવ્યું હતું. તેમાં ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી પશુ દીઠ દૈનિક રૂા. 30 ની સબસીડી આપવામાં આવે છે. તેને સરાહનિય ગણાવાઈ છે. પરંતુ વર્તમાનમાં મોંઘવારી પ્રમાણે આ રકમ નિભાવ માટે ખૂબ જ ઓછી પડે છે. આ ભારત દેશનું મહામૂલું ગૌધન બચાવવું હોય તો સરકાર દ્વારા એક પશુ દીઠ રૂ. 100 જે દૈનિક ખર્ચ થાય છે તે સબસીડી આપવી જોઈએ તે માટેની મુદ્દાસર વાત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ - રાજકોટના દિલીપભાઈ સખીયાએ પોતાની આગવી છટાથી કરી હતી.


સમગ્ર હાલાર પંથકના ગૌસેવકો, ગૌપ્રેમીઓ દ્વારા ગૌવંશના બચાવ- નિભાવ માટે ગાંધીનગર ખાતે સરકારને તેમજ સ્થાનિક ધારાસભ્યો અને તેમના પ્રતિનિધિઓને લેખિત, રૂબરૂ તેમજ મૌખિક રજૂઆત કરશે તેવો દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો હતો. આ માટે ઉપસ્થિતોએ યથાયોગ્ય તમામ સહકાર અને સહયોગની તૈયારી પણ દર્શાવી હતી.


આ બાબતે ઉપસ્થિત સૌ કોઈને જાગૃત કરી અને સમજાવાયું હતું. ગૌશાળાને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરી અને નિરાકરણ માટે મદદ કરવા તેઓએ તૈયારી દર્શાવી હતી.


આ સંમેલનમાં આરાધનાધામના મેનેજિંગ ટ્રસ્ટી આર.કે. શાહ, પાંજરાપોળના ટ્રસ્ટી પ્રેમચંદભાઈ ખીમશીયા, રાજુભાઈ ખીમશીયા, તેમજ રાજકોટથી રમેશભાઈ ઠક્કર- શ્રીજી ગૌશાળા, ધીરુભાઈ કાનાબાર (સૌરાષ્ટ્ર- કચ્છ ગૌ સેવા સમિતિ), પ્રભારી પરેશભાઈ જોશી ખંભાળિયાની શેઠ હરજીવનદાસ પાંજરાપોળના દીપકભાઈ જારીયા, દ્વારકાની શ્રી દ્વારકાધીશ ગૌશાળા ચે. ટ્રસ્ટના રામજીભાઈ મજીઠીયા, ભાણવડ મહાજન પાંજરાપોળના મુકેશભાઈ સંઘવી, સુરજકરાડીની માધવ પાંજરાપોળના મુકુંદભાઈ, જામનગરની જાણીતી શ્રી આણંદબાવા સંસ્થાના કિશોરભાઈ, ખંભાળિયા રઘુવીર સેનાના ભરતભાઈ મોટાણી, રેડક્રોસ સોસાયટીના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા, પ્રેસ પ્રતિનિધિ કુંજનભાઈ રાડિયા, ગૌસેવક રમેશભાઈ દાવડા, નરસિંહભાઈ ભાયાણી, એનિમલ કેરના ભટ્ટભાઈ, અશોકભાઈ તથા કલ્યાણપુર, ભાટીયા, દેવરીયા, રાણ, ગોરાણા, માલેતા, મેવાસા, કેનેડી, જામજોધપુર, જાંબુડા વિગેરે ગામોને ગૌશાળાના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળીને ગૌપ્રેમી ગુજરાત સરકારમાં રૂ. 100 દૈનિક પશુઓ માટેની સબસીડી મળે તે મારે જરૂરી કાર્યવાહી કરવા નકકી કરાયું હતું.


આ કાર્યક્રમનું સંચાલન ભારતિય કિસાન સંઘના મનસુખભાઈ ચોપડાએ કર્યું હતું. સંસ્થા પરિચય ટ્રસ્ટી રાજેશભાઈ ખીમશીયાએ કર્યું હતું. આભાર વિધિ સંસ્થાના મેનેજર સુધીરભાઈ પંડ્યાએ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application