જામનગર ભાજપની ત્રણ મહિલા નેતાઓને હાઇકમાન્ડે સાથે ‘બેસાડી’ દીધા

  • August 22, 2023 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીનાબેન કોઠારી, પૂનમબેન માડમ, રીવાબા જાડેજાને તાકીદનું તેડું આવ્યા બાદ વિવાદનો અંત: મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ, પ્રદેશ સંગઠ્ઠન મહામંત્રી, શહેર ભાજપ પ્રમુખની પણ ઉપસ્થિતિ: ગુપ્ત બેઠકમાં મુક્ત મને ચર્ચા થયા બાદ શહીદ સ્મારક પર બનેલી ઘટના પર આખરે પૂર્ણવિરામ મુકાયું: સૂત્રોના અહેવાલ

સમગ્ર રાજ્યમાં ગાજેલા જામનગર ભાજપની ટોચની ત્રણ મહિલાઓ વચ્ચેના વિવાદ પર આખરે પૂર્ણવિરામ મુકાઇ ગયું છે, ગઇકાલે અહીં ત્રણેય મહિલા નેતાઓને તાકીદના તેડાથી બોલાવવામાં આવ્યા બાદ બંધ બારણાની આ બેઠકમાં ખુલ્લા મન રાખીને ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે અને આખરે શહીદ સ્મારક પર બનેલી ઘટના પર પ્રદેશ ભાજપની દરમ્યાનગીરીથી ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે જામનગરમાં તા. ૧૭/૦૮ ના રોજ રણમલ તળાવ ખાતે બનાવવામાં આવેલા શહીદ સ્મારક પર ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી વચ્ચે ભારે ગરમાગરમ ચર્ચા થઇ હતી અને સાંસદ પૂનમબેન માડમને પણ ઝપટમાં લેવામાં આવ્યા હતા, પાછળથી રીવાબા જાડેજાએ પત્રકારો સામે મોટો ખુલાસો કરીને સાંસદ પૂનમબેન માડમે એમના સ્વાભિમાન પર પ્રહાર કરતા શબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો, આ જ દિવસે રાત્રે સાંસદ પૂનમબેન માડમે પણ પત્રકાર પરિષદ યોજી હતી અને રીવાબા નાના બહેન હોવાનું, મેયર મોટા બહેન હોવાનું કહીને પરિવારો હોય ત્યાં વાસણ ખખડે એવી પ્રતિક્રિયા આપી હતી.
જો કે આ પછી પ્રથમ બીનાબેન કોઠારીના પરિવાર, આ પછી જૈન સમાજ દ્વારા શહેર ભાજપ કાર્યાલયે જઇને ઓકાત શબ્દ પ્રયોગ સામે સખ્ત વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, તો બીજી તરફ શહીદ સ્મારક ખાતે કેટલાક ક્ષત્રિય લોકો પણ રીવાબાના સમર્થનમાં એકઠા થયા હતા.
આ બધું ચાલતું હતું, દરમ્યાનમાં રાજ્ય અને દેશ કક્ષાએ જામનગર ભાજપની ત્રણ મહિલાઓ વચ્ચે થયેલી તૂતૂ મૈમૈ, ગરમા ગરમ ચર્ચા અને સર્જાયેલા વિવાદ મામલે ગુજરાત ભાજપ તથા કેન્દ્રના મોવડીઓ ખામોશ રહ્યા હતા, કોઇ પ્રતિક્રિયા આપી ન હતી, જેનાથી ગુંચવણ વધુ સર્જાઇ હતી અને આખરે હાઇકમાન્ડ ચૂપકીદી ક્યારે તોડશે ? તેની રાહ જોવાતી હતી, મીડીયા પણ આ બાબત પર નજર રાખીને બેઠું હતું.
મહિલા નેતાઓ વચ્ચે થયેલા ટકરાવથી જામનગરના રાજકારણ પર વિપરીત અસર પડી રહ્યાના સંજોગો સર્જાયા હોવાથી આખરે ગઇકાલે જામનગરના મેયર, સાંસદ અને ધારાસભ્યને ભાજપની હાઇકમાન્ડ દ્વારા અહીં બોલાવવામાં આવ્યા હતા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી અને તેમાં ભાજપની શહેર સંગઠ્ઠન પાંખના પ્રમુખ વિમલ કગથરા સહિતના ઉપસ્થિત હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંધ બારણે મળેલી આ બેઠકમાં ગુજરાત ભાજપના મોવડીઓ સમક્ષ આખો ઘટનાક્રમ રજૂ કરવામાં આવ્યો હોઇ શકે, બેઠકમાં જે કંઇ થયું હોય, પરંતુ એક વાત પાકી છે કે વાદ-વિવાદ આગળ વધે એ પહેલા પ્રદેશ ભાજપ દ્વારા દરમ્યાનગીરી કરીને પ્રકરણ પર હાલ તુરંત પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે.
આ બેઠકમાં મુખ્મયંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા શું સમજાવટ કરવામાં આવી ?, શું કોઇને ઠપકો આપવામાં આવ્યો ? શું કોઇને શિસ્તમાં રહેવાની સલાહ અથવા ચેતવણી આપવામાં આવી ? એ તમામ વિગતો મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, દરમ્યાનમાં જામનગરના અમારા સૂત્રો જણાવી રહ્યા છે કે, ગાંધીનગર ખાતે આ બેઠક થઇ હોવા બાબતે સંલગ્ન તમામ લોકો સાથે વાતચીત કરવામાં આવતા હાલ કંઇ પણ કહેવાનો કે બેઠક થઇ હોવા અંગે સ્વીકારવાનો પણ ઇન્કાર કરવામાં આવ્યો છે.
જો કે અમારા વર્તુળો તરફથી મળેલા અહેવાલ મુજબ બેઠક થઇ ગઇ છે, ત્રણેય મહિલાઓ વચ્ચે થયેલા મનભેદ કે મતભેદને હાલ તુરંત પ્રદેશ ભાજપે મીટાવી દીધા છે અને ત્રણેય મહિલા નેતાઓને સાથે ‘બેસાડી’ દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application