ગુજરાતના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો આવ્યો છે. રાજ્યના આકાશમાં એકસાથે ૩-૩ શક્તિશાળી હવામાન સિસ્ટમ એક્ટિવ થવાના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે ગઈકાલે મધ્યરાત્રિએ પણ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય હોવાને કારણે આગામી ૬ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં તેજ પવન સાથે માવઠું થવાની પૂરેપૂરી સંભાવના છે.
૪૦ થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં એલર્ટ
આ અણધાર્યા વાતાવરણના કારણે આગામી ૬ દિવસ દરમિયાન રાજ્યમાં ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે પવન ફૂંકાવાની આશંકા છે. હવામાન વિભાગે ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ગુજરાતના અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપી છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં પડશે કરા, અમદાવાદ-ગાંધીનગરમાં સાંજે માવઠાની શક્યતા
કરા સાથે વરસાદની ચેતવણી
હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, અરવલ્લી અને મહીસાગર જિલ્લાના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ભારે પવનની સાથે કરા પડવાની પણ આશંકા સેવાઈ રહી છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.
બીજી તરફ, રાજ્યના મુખ્ય શહેરો એવા અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદી માહોલ જોવા મળશે. જો કે, આ બંને શહેરોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ નોંધાશે, જેથી બપોરના સમયે કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ રહેશે. પરંતુ, આજે સાંજના સમયે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વાતાવરણ પલટાશે અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, જેનાથી રાત્રિના સમયે નાગરિકોને ગરમીથી થોડી રાહત મળી રહેશે.