ખંભાળિયા નજીકના હાઈ-વે માર્ગ પર મોડી રાત્રીના સમયે પસાર થતા એક આઈસર ટ્રકમાં ભેંસ સહિતના પશુઓને ક્રૂરતાપૂર્વક લઈને નીકળતા અહીંના પશુ સેવકોએ ઝડપી લઇ, અને આ પ્રકરણમાં વાહન ચાલક સહિત ત્રણ શખ્સોને તેઓના વાહનમાં ૧૧ પશુઓ સાથે પોલીસને સોંપ્યા છે.
આ પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયાની જાણીતી એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ નામની પશુ સેવા સંસ્થાના સક્રિય કાર્યકર દેશુરભાઈ ગગુભાઈ ધમા (ઉ.વ. ૩૦, રહે. હરસિધ્ધિ નગર) તેમજ અન્ય ગૌસેવકો અશ્વિનભાઈ કરમુર, વિશેષભાઈ દેસાણી તેમજ હિરેનભાઈ ગોસ્વામીને મોડી રાત્રીના સમયે જાણ થઈ હતી કે અત્રે દ્વારકા-જામનગર માર્ગ પર આવેલી પાયલ હોટલ પાસેના રેલવે ફાટક ખાતેથી એક આઈસર વાહનમાં ભેંસ સહિતના પશુઓને સંભવિત રીતે કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે.
આથી કાર્યકરો ઉપરોક્ત સ્થળે દોડી ગયા હતા અને અહીંથી પૂરઝડપે અને બેફામ રીતે નીકળેલી જી.જે. ૩૭ ટી ૫૨૬૩ નંબરની આઈસર ગાડીમાં પશુઓને ખીચોખીચ ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા. બાદમાં આ વાહનને એક તરફ ઊભું રખાવીને તેમાં જોતા આ વાહનમાં સાત મોટી ભેંસ તથા ચાર નાના પાડરડા (પશુ) એમ કુલ ૧૧ પશુને લઈ જવાતા હતા. આ વાહનમાં પાણી કે ચારાની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. એટલું જ નહીં, પશુઓ ગીચ જગ્યામાં હલનચલન પણ ન કરી શકે તેવી પરિસ્થિતિમાં દોરડા વડે બાંધીને લઈ જવાતા હતા.
આ બનાવ અંગે પશુ સેવકોએ પૂછપરછ કરતા આઈસરના ચાલક મહેશ રાણાભાઈ રાઠોડ (ઉ.વ. ૩૧, રહે. કુવાડીયા પાટીયા, ખંભાળિયા) અને તેની સાથે જઈ રહેલા બે ક્લીનર શકીલ ચુનાભાઈ શેખ (ઉ.વ. ૬૫) અને સાહનવાજ સકીભાઈ શેખ (ઉ.વ. ૨૪, રહે આગરા ચિલ્લી પાડા, શાહગંજ, ઉત્તર પ્રદેશ) નામના આ શખ્સોની પાસે ઉપરોક્ત પશુઓ સંદર્ભે કોઈ પણ પ્રકારના ગ્રામ પંચાયતના દાખલા કે અન્ય જરૂરી પુરાવાઓ ન હતા. આ પશુઓ તેઓએ કલ્યાણપુર તાલુકાના ચુર-ચપ્પર, ખંભાળિયા તાલુકાના મોવાણ અને ભાડથર, સોનારડી, પીપરીયા, વિગેરે ગામોમાંથી જુદા જુદા આસામીઓ પાસેથી લીધા હોવાનું નામજોગ જણાવ્યું હતું. આ તમામ પશુઓ તેઓ ભરૂચમાં નર્મદા ડેરી ખાતે લઈ જવાતા હોવાનું પશુ સેવકોને જણાવ્યું હતું.
આ સમગ્ર ઘટના અંગે પશુ સેવકોએ ખંભાળિયા પોલીસને જાણ કરતા પોલીસે હાલ ત્રણેય આરોપીઓની અટકાયત કરી અને વાહન સાથે પશુઓનો કબજો પણ મેળવ્યો હતો. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે દેશુરભાઈ ગઢવીની ફરિયાદ પરથી ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.