સલાયામાં થયેલી ઘરફોડ ચોરી પ્રકરણમાં ત્રણ શખ્સોની ધરપકડ

  • November 04, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓજારો, મોબાઇલ અને રોકડા કબ્જે લેતી એલસીબી: અન્ય બે શખ્સોની શોધખોળ

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે તાજેતરમાં વિવિધ પ્રકારની મશીનરી તથા રોકડની ચોરી થયાનો બનાવ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાયો હતો. આ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા લગત વિભાગને નોંધાયેલા ગુના સંદર્ભે તાકીદની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ દ્વારા તેમની ટીમ સાથે વિવિધ દિશાઓમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખંભાળિયા ટાઉનમાં એલ.સી.બી. વિભાગના પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. સજુભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજા, તથા કુલદીપસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ પ્રકરણમાં સલાયાના મૂળ રહીશ અને હાલ જામનગરના હુસેની ચોક વિસ્તારમાં રહેતા જાવેદ આદમ જસરાયા (ઉ.વ. ૨૨), સલાયામાં ભીમ પાડો ખાતે રહેતા જાવેદ ઉર્ફે હંટો હારુન સંઘાર (ઉ.વ. ૪૦) અને ગોદી પાડો વિસ્તારમાં રહેતા અસગર ઉર્ફે ગરીયો રજાક સંઘાર (ઉ.વ. ૨૩) નામના ત્રણ શખ્સોને ખંભાળિયા - દ્વારકા હાઈવે પરના ઓવરબ્રિજ પાસેથી શંકાસ્પદ હાલતમાં દબોચી લીધા હતા. જેની આગવી ઢબે કરવામાં આવેલી પૂછપરછમાં તેઓએ થોડા દિવસ પૂર્વે સલાયામાંથી કરેલી ચોરીની કબુલાત આપી હતી. આ શખ્સો પાસેથી પોલીસે ગ્રાઈન્ડર મશીન, આરી કટર, ડ્રિલ મશીન, પાઇપ તથા એક મોબાઈલ ફોન અને રૂપિયા ૧૯,૯૧૦ રોકડા મળી કુલ રૂપિયા ૨૬,૪૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પ્રકરણમાં સલાયાના એજાજ રજાક સંઘાર તેમજ સલાયા, જામનગર અને રાજકોટમાં જુદા જુદા સ્થળોએ રહેતા સુલતાન ઉર્ફે ચીચો આદમ બારોયા નામના બે શખ્સો પણ સંડોવાયેલા હોવાની કબુલાત ઝડપાયેલા આરોપીઓએ આપતા પોલીસે બંને શખ્સોને હાલ ફરાર ગણી વધુ તપાસ અર્થે ઉપરોક્ત શખ્સોનો કબજો સલાયા મરીન પોલીસને સોંપી દીધો છે.
આ કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, સજુભા જાડેજા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, સચિનભાઈ નકુમ તથા ધર્મેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application