સુરત જિલ્લાના મહુવા તાલુકાના ભોરીયા ગામ પાસે ૧૯ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સાંજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાંબા ગામનો એક સુખી પરિવાર લગ્નપ્રસંગ માણીને મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક અર્ટિગા કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે પરિવારનો એકમાત્ર ચિરાગ એવો છ વર્ષનો બાળક હોસ્પિટલમાં જિંદગીની જંગ લડી રહ્યો છે.
સાંબા ગામના વતની સતીષભાઈ પટેલના પુત્ર આશિષભાઈ (ઉં.વ. ૩૧) તેમના પત્ની પારુલબેન (ઉં.વ. ૨૬), માતા ઉષાબેન (ઉં.વ. ૬૦) અને છ વર્ષના પુત્ર વેદ સાથે બાઇક પર સવાર હતા. રવિવારની રજા અને લગ્નનો માહોલ હોવાથી પરિવાર ખુશખુશાલ હતો. સાંજના સમયે ભોરીયા ગામ પાસે અર્ટિગા કારના ચાલકે પાયલટ જેવી ગતિએ વાહન હંકારી બાઇકને પાછળથી ઉડાવ્યું હતું.
ટક્કર વાગતા જ બાઇક પર સવાર ચારેય સભ્યો હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. આશિષભાઈ અને તેમના માતા ઉષાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની પારુલબેનનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ અવસાન થયું હતું.
આ અકસ્માતમાં સૌથી વધુ હૃદયદ્રાવક સ્થિતિ છ વર્ષના માસૂમ વેદની છે. અકસ્માતમાં તેને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલ તે નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલના બિછાને પડેલા આ બાળકને હજુ એ પણ ખબર નથી કે તેના મમ્મી-પપ્પા અને દાદી હવે આ દુનિયામાં રહ્યા નથી. એક હસતા-રમતા બાળકની માથેથી પળવારમાં વડીલોની છત્રછાયા છીનવાઈ જતાં હોસ્પિટલનો સ્ટાફ અને મુલાકાતીઓ પણ અશ્રુ રોકી શક્યા ન હતા.
અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. બેફામ કાર હંકારતા ચાલક સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અનાવલ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે કારચાલક નિલય રાજેન્દ્ર પટેલ (રહે. વાઘેશ્વર) વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.